દ્વારકા: ડિજિટલ યુગમાં હવે ખેડૂતો પણ ડિજિટલ બન્યા છે. કપાસ, મગફળી સહિતના પરંપરાગત પાકને બદલે હવે ખેડૂતો પાકનું મૂલ્યવર્ધન કરતા થયા છે. પરિણામે ખેતીમાં તો સમૃદ્ધિ આવી જ છે, સાથે સાથે તેમની આવક પણ વધી છે. આવા જ એક ખેડૂત કલ્યાણપુર પંથકમાં રહે છે. મગફળીનું વાવેતર કરે છે. પરંતુ મગફળીનું વેચાણ કરવાને બદલે તેનું શુદ્ધ સિંગતેલ કાઢી વેચાણ કરે છે. પરિણામે આવકમાં વધારો થાય છે. ખેડૂત WhatsApp મારફતે સિંગતેલનું વેચાણ પણ કરે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામગઢકા (નવાપરા) ગામે રહેતા ખેડૂત નકુમ મોહનભાઈ આનંદભાઈએ ગાય આધારિત ખેતીમાં કાઠું કાઢ્યું છે. વર્ષ 2011થી ગાય આધારિત ખેતી કરે છે. 10 વીઘા જમીનમાં રાસાયણિક ખાતર વગર સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે. ખેડૂતે જણાવ્યું કે ગાય આધારિત ખેતીમાં માત્ર મહેનત છે, પરંતુ વધારાનો ખર્ચ લાગતો નથી. જેથી જે પણ ઉત્પાદન થાય છે અને કમાણી દેખાય છે. મોટાભાગે તે મગફળીનું વાવેતર કરે છે અને મગફળી વેચવાને બદલે મગફળીનું તેલ કાઢી તેનો સંગ્રહ કરે છે અને ત્યારબાદ ગ્રાહકોને સીધું આ તેલનું વેચાણ કરે છે.
ખેડૂતે વધુમાં જણાવ્યું હતું કે, સિંગતેલના ડબ્બાનો ભાવ 3950 રાખવામાં આવ્યો છે. મગફળીનું વેચાણ કરતા વર્ષ દરમિયાન મગફળીમાંથી 3 થી 4 લાખ જેવો નફો મળે છે. જ્યારે તેનું સિંગતેલ કાઢી વેચાણ કરતા નફો ચારથી પાંચ લાખ રૂપિયા જેવો થાય છે. ત્યારબાદ શિયાળુ સિઝનમાં ઘઉં, ચણા, જીરું સહિતના પાકનું વાવેતર પણ કરે છે અને તેમાંથી પણ ઘરે જ પેકિંગ કરી આ સમગ્ર જણસીનું વેચાણ કરે છે, જેથી પણ સારી એવી આવક મળે છે.
આ પણ વાંચો:
જાફરાબાદ નગરપાલિકા શું લાઇટ વાપરતી નથી? તો કેમ આવે છે વીજ બિલ ઝીરો
ખેડૂત પાસે 10 જેવી ગીર ઓલાદની ગાયો છે. ખેડૂત દૂધ અને ઘીનું વેચાણ કરે છે. ઘીના એક કિલોનો 1300 રૂપિયાથી લઈને 1500 રૂપિયા ભાવ રાખવામાં આવ્યો છે. ગાયનું ઘી માત્ર કલ્યાણપુર જ નહીં, પરંતુ જામનગર, રાજકોટ અને મુંબઈ સુધી પણ પહોંચે છે. WhatsApp મારફતે લોકો ઓર્ડર આપતા હોવાનું દાવો કર્યો છે. કોઈપણ એજન્ટને માલ આપવા કરતાં ગ્રાહકો સુધી સિંગતેલ અને શુદ્ધ ઘી પહોંચાડે છે. પરિણામે ગ્રાહકોને પણ શુદ્ધ વસ્તુ મળી રહે છે અને એજન્ટનું કમિશન આપવું પડતું નથી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
