Passport proof of citizenship : વિદેશ મંત્રાલયે બુધવારે સ્પષ્ટતા કરી હતી કે ભારતીય પાસપોર્ટ મુખ્યત્વે યાત્રા દસ્તાવેજ છે અને તેને નાગરિકતાના પ્રમાણ તરીકે જોવું જોઈએ નહીં. આ નિવેદનથી મૂંઝવણ ઊભી થઈ છે કારણ કે મોટાભાગના ભારતીયો માટે પાસપોર્ટ એ ભારત દ્વારા જારી કરાયેલ સૌથી પ્રમાણિક દસ્તાવેજ છે, જેના પર દેશનું નામ હોય છે, જે વિશ્વભરમાં માન્ય છે અને સરકારી અધિકારીઓ દ્વારા ચકાસણી કર્યા પછી જ જારી કરવામાં આવે છે.
જોકે પાસપોર્ટ નાગરિકતા આપતો નથી અને તે નાગરિકતાનો નિર્ણાયક પુરાવો નથી. આ વિવાદે ફરી સવાલ ઉભો કર્યો છે કે જો પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી, તો શું છે?
નાગરિકતા એક કાનૂની દરજ્જો છે
સંવિધાનના અનુચ્છેદ 5 થી 11 અને નાગરિકતા અધિનિયમ, 1955 વ્યાખ્યાયિત કરે છે કે ભારતીય નાગરિક કોણ છે. તેમાંથી કોઈ પણ નિયમો નાગરિકતાના પુરાવા તરીકે કોઈ એક દસ્તાવેજને માન્યતા આપતા નથી. તેનાથી વિપરીત નાગરિકત્વને જન્મ, માતાપિતા, રહેઠાણનું સ્થળ જેવા તથ્યો સાથે સંકળાયેલ કાનૂની સ્થિતિ માનવામાં આવે છે. દસ્તાવેજો આ તથ્યોના પુરાવા તરીકે કાર્ય કરે છે. ભારતમાં જન્મેલા વ્યક્તિની નાગરિકતા તેની જન્મ તારીખ અને કેટલાક કિસ્સાઓમાં તેના માતાપિતાની નાગરિકતા પર આધારિત છે.
નાગરિકતાનો માન્ય પુરાવો
ફેબ્રુઆરી 2020માં સંસદમાં જ્યારે પૂછવામાં આવ્યું કે શું આધાર કાર્ડ, પાસપોર્ટ, મતદાર ઓળખપત્ર, પાન કાર્ડ અથવા જન્મ પ્રમાણપત્ર નાગરિકતાનો માન્ય પુરાવો છે, ત્યારે ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે ભારતીય નાગરિકતા, નાગરિકતા અધિનિયમ, 1955 અને તેના હેઠળ બનાવવામાં આવેલા નિયમો દ્વારા સંચાલિત છે. ભારતની નાગરિકતા જન્મ, વંશ, નોંધણી અથવા પ્રદેશના વિલીનીકરણ દ્વારા મેળવી શકાય છે. નાગરિકતા અધિનિયમ, 1955ની જોગવાઈઓ અનુસાર નાગરિકતા મેળવવા અને નક્કી કરવા માટે પાત્રતાના માપદંડો છે.
ઉલ્લેખનીય છે કે આમાંથી કોઈ પણ નાગરિકતા દસ્તાવેજો તરીકે ઓળખવામાં આવ્યું ન હતું. જોકે નાગરિકતા નિયમો, 2003 હેઠળ, કેટલીક જોગવાઈઓ હેઠળ ભારતીય નાગરિકતા મેળવવા માંગતા ઇચ્છુકોએ પોતાના માતાપિતાના પાસપોર્ટની નકલ રજૂ કરવી જરૂરી છે જેથી તેઓ ભારતીય નાગરિક તે સાબિત થઇ શકે. કારણ કે પાસપોર્ટ ફક્ત ભારતીય નાગરિકોને જ આપવામાં આવે છે અને વિદેશમાં પણ સ્વીકાર્ય છે, એક રીતે તે સૌથી મજબૂત પુરાવો છે કે કોઈ વ્યક્તિ ભારતીય નાગરિક છે.
પાસપોર્ટથી નાગરિકતા મળતી નથી
કાયદેસર રીતે પાસપોર્ટ એક્ટને કારણે છે કે નાગરિકતાના દસ્તાવેજ તરીકેની તેની સ્થિતિ જટિલ છે. કાયદાની કલમ 20 કેન્દ્ર સરકારને એ અધિકાર આપે છે કે જો તે જાહેર હિતમાં જરૂરી લાગે તો કોઈ એવા વ્યક્તિને પાસપોર્ટ અથવા મુસાફરી દસ્તાવેજો જારી કરી શકે છે જે ભારતીય નાગરિક નથી.
પૂર્વ વિદેશ સચિવ નિરુપમા મેનન રાવે જણાવ્યું હતું કે વિવાદ એટલા માટે શરૂ થયો હતો કારણ કે કાનૂની ચોકસાઈ અને જાહેર સમજણ વચ્ચે ઘણીવાર અંતર હોય છે. પૂર્વ વિદેશ સચિવે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે પાસપોર્ટ નાગરિકતા આપતો નથી અને ન તો તે કોઈ કાનૂની દસ્તાવેજ છે જેના દ્વારા નાગરિકતા નક્કી કરી શકાય છે જ્યારે તેને કોર્ટમાં પડકારવામાં આવે છે. ઘણા લોકશાહી દેશોની જેમ ભારતમાં પણ નાગરિકતા કાયદા અને પાસપોર્ટ કાયદા વચ્ચે તફાવત છે.
નાગરિકતાના પ્રમાણ અંગે કોર્ટે પોતાના ફૈંસલમાં શું કહ્યું?
ગયા વર્ષે બિહારમાં મતદાર યાદીની એસઆઈઆર પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ બાગચીની બેન્ચે ટિપ્પણી કરી હતી કે અમે તમારી પાસેથી સ્પષ્ટતા માંગવા માંગીએ છીએ. અમે વારંવાર આદેશ આપ્યો છે કે યાદીમાં 11 દસ્તાવેજો ઉદાહરણ તરીકે બતાવવામાં આવ્યા છે. જો તમે તે 11 દસ્તાવેજો પર નજર નાખો તો પાસપોર્ટ અને જન્મ પ્રમાણપત્ર સિવાય નાગરિકતાનો કોઈ નિર્ણાયક પુરાવો નથી.
ભારતમાં કોઇ એક નાગરિકતા પ્રમાણપત્ર નથી
ભારત તમામ નાગરિકોને સાર્વભૌમિક નાગરિકતા પ્રમાણપત્ર આપતું નથી. નાગરિકતા પ્રમાણપત્ર અસ્તિત્વમાં છે પરંતુ ફક્ત મર્યાદિત વર્ગના લોકો માટે. જે લોકો નાગરિકતા અધિનિયમની કલમ 5 અને 6 હેઠળ નોંધણી અથવા નેચરલાઇઝેશન દ્વારા નાગરિકત્વ મેળવે છે. આવી વ્યક્તિઓને નાગરિકતાનું ઔપચારિક પ્રમાણપત્ર મળે છે પરંતુ મોટાભાગના ભારતીયો જન્મથી નાગરિક છે. તેમને નાગરિકતાનું કોઈ પ્રમાણપત્ર મળતું નથી. આવી સ્થિતિમાં ભારતમાં કોઇ એક નાગરિકતા પ્રમાણપત્ર નથી.
તમારી પાસે પાસપોર્ટ છે? તો વિદેશ મંત્રાલયની આ વાત ખાસ ધ્યાનમાં રાખજો
લાખો ભારતીયો માટે નાગરિકતા પરંપરાગત રીતે એક પ્રમાણપત્રને બદલે મતદાર યાદી, શાળાના પ્રમાણપત્રો, જમીનના રેકોર્ડ્સ, જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ અને અન્ય સરકારી દસ્તાવેજોના સંયોજન દ્વારા માનવામાં આવે છે.
એનઆરસીમાં નાગરિકતા સાથે જોડાયેલા ઓળખ કાર્ડ જારી કરવાની વાત
ભારતે નાગરિકતાનો દસ્તાવેજ બનાવવાનો જે પ્રયાસ કર્યો તે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી)ના માધ્યમથી હતો. નાગરિકતા નિયમો, 2003 દ્વારા વાજપેયી સરકાર દરમિયાન તેનું કાનૂની માળખું સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ નિયમોમાં ભારતીય નાગરિકોના રાષ્ટ્રીય રજિસ્ટર તેમજ સ્થાનિક અને રાજ્ય સ્તરના રજિસ્ટર અને નાગરિકત્વ ઓળખ કાર્ડ જારી કરવાની કલ્પના કરવામાં આવી છે.
પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ આર કે સિંહે કહ્યું કે ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ વારંવાર દલીલ કરી રહ્યા છે કે આધાર કાર્ડ નાગરિકતાના પુરાવા તરીકે કામ કરી શકતું નથી. તે સમયે અમે કહ્યું હતું કે આનાથી મોટી સંખ્યામાં ઘૂસણખોરો માટે દસ્તાવેજો મેળવવામાં સરળતા રહેશે. વડા પ્રધાને આ અંગે એક બેઠક બોલાવી હતી. નંદન નિલેકણી પણ ત્યાં હતા, અમે અમારો પક્ષ રજૂ કર્યો. મેં સ્પષ્ટપણે કહ્યું હતું કે તે નાગરિકતાનો પુરાવો ના હોઈ શકે. નંદને પણ સ્વીકાર્યું હતું કે તેની ચકાસણી ઉપરછલ્લી હતી.
નાગરિકતા માટે પાસપોર્ટ નિર્ણાયક નથી
પૂર્વ ગૃહ સચિવે કહ્યું કે પાસપોર્ટની વાત કરીએ તો તેની વેરિફિકેશન સરળ છે, પરંતુ પાસપોર્ટ નાગરિકતા દસ્તાવેજ તરીકે બનાવવામાં આવ્યો નથી. તેને હંમેશાં ટ્રાવેલ ડોક્યુમેન્ટ તરીકે જોવામાં આવતું હતું. એનઆરસીનો વિચાર નાગરિકતાના પુરાવા આપવા સાથે સંબંધિત હતો.
જોકે દેશભરમાં એનઆરસી ક્યારેય લાગુ કરવામાં આવી ન હતી. આ પ્રક્રિયા રાજકીય રીતે વિવાદાસ્પદ બની હતી અને નાગરિકતા સંશોધન કાયદાને લગતા વિવાદ અને રાષ્ટ્રવ્યાપી નાગરિકતા ચકાસણીના ડરને કારણે આખરે અટકી ગઈ હતી. વિરોધાભાસ એ છે કે ભારતમાં એક વ્યાપક નાગરિકતા કાયદો છે, પરંતુ મોટાભાગના નાગરિકો માટે એવો કોઈ દસ્તાવેજ નથી જે નિર્ણાયક રીતે સાબિત કરે કે તેઓ ભારતના નાગરિક છે.
