જયપુર, મુંબઈ અને હૈદરાબાદમાં મેળવેલી સફળતા બાદ, ‘ભારત રિન્યુએબલ એનર્જી સમિટ એન્ડ એક્સ્પો (BRE Summit) 2026’ નો ચોથો પ્રાદેશિક રોડશો અમદાવાદ ખાતે યોજાયો હતો. આ રોડશોમાં સરકારી અધિકારીઓ, નીતિ નિર્માતાઓ અને નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રના અગ્રણીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
ગુજરાતનો રિન્યુએબલ એનર્જી રેકોર્ડ અને 2030 નો લક્ષ્યાંક
મધ્યસ્થ પ્રવચન આપતાં કેન્દ્રીય પાવર અને રિન્યુએબલ એનર્જી રાજ્ય મંત્રી શ્રીપદ યેસો નાઈકે જણાવ્યું હતું કે, ગુજરાત માત્ર આંકડાઓમાં જ નહીં પરંતુ તેની આધુનિક વિચારસરણીમાં દેશમાં અગ્રણી છે.
- 2030 નો રોડમેપ: ગુજરાતે 2030 સુધીમાં 105 GW રિન્યુએબલ એનર્જી ક્ષમતા સ્થાપિત કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે.
- વિશાળ યોગદાન: હાલમાં 52 GW ની સ્થાપિત ક્ષમતા સાથે ગુજરાત ભારતની એકંદર રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં 17.82% યોગદાન આપે છે.
- રાષ્ટ્રીય રેન્કિંગ: ગુજરાત દેશમાં પવન ઊર્જામાં પ્રથમ (15,850.56 MW) અને સૌર ઊર્જામાં બીજા ક્રમે (32,302.7 MW) છે.
- રૂફટોપ સોલર નેતૃત્વ: 13.45 લાખથી વધુ ઇન્સ્ટોલેશન સાથે ગુજરાતે 7,408.10 MW વીજ ઉત્પાદન કરીને રૂફટોપ સોલરમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.
પર્યાવરણીય જવાબદારી અને ગ્રીન હાઇડ્રોજન મિશન
ગુજરાતના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, “આપણી આ સફર માત્ર ઉર્જા ઉત્પાદન પૂરતી મર્યાદિત નથી પરંતુ આવનારી પેઢીને પર્યાવરણીય નુકસાનથી બચાવવાની આપણી પ્રાથમિક જવાબદારી છે. આપણે સમય કરતાં વહેલા આપણા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા પડશે.”
આ પણ વાંચો: કૈંચી ધામ દર્શન માટે જઈ રહ્યા છો? નજીકમાં આવેલા આ 3 સુંદર સ્થળોની અચૂક મુલાકાત લો
નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનના ડિરેક્ટર અભય બાકરેએ જણાવ્યું હતું કે, “છેલ્લા બે વર્ષમાં ભારતે 100 GW થી વધુ નવી ક્ષમતા ઉમેરી છે. BRE સમિટ 2026 હવે માત્ર રોકાણ મેળવવાનું મંચ નથી, પરંતુ આગામી બે દાયકા માટે વિકાસ ભારતની સ્વચ્છ ઊર્જા યાત્રાનો પાયો છે.”
વૈશ્વિક ભાગીદારી અને નોકરીઓની તકો
ગુજરાત સરકારના અગ્ર સચિવ અશ્વિની કુમારે (IAS) ઉમેર્યું હતું કે સોલર અને વિન્ડથી આગળ વધીને રાજ્ય હવે ગ્રીન હાઇડ્રોજન, સ્ટોરેજ સિસ્ટમ્સ અને ઓફશોર વિન્ડ જેવી ટેકનોલોજીમાં આગળ વધી રહ્યું છે.
- રોજગારીનું સર્જન: ગુજરાતના ક્લીન એનર્જી સેક્ટરે અંદાજે 2.37 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કર્યું છે.
- વૈશ્વિક ભાગીદારો: ડેનમાર્ક, યુરોપિયન યુનિયન, યુકે, જર્મની અને નેધરલેન્ડ્સે BRE સમિટ ૨૦૨૬ માટે ઓફિશિયલ પાર્ટનર તરીકે પુષ્ટિ આપી દીધી છે.
નવી દિલ્હીમાં યોજાશે BRE Summit 2026
આગામી 2 થી 5 નવેમ્બર 2026 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે “Make investments. Innovate. Encourage.” થીમ હેઠળ આંતરરાષ્ટ્રીય સમિટ યોજાશે. આ એક્સ્પોમાં 75થી વધુ દેશોના પ્રતિનિધિઓ, 400થી વધુ પ્રદર્શકો અને 500થી વધુ વક્તાઓ ભાગ લેશે.
