પૂજાના વાસણો સમય જતાં ઝાંખા પડી જાય છે અથવા કાળા થઈ જાય છે. આ વાસણો સામાન્ય રીતે તાંબા, પિત્તળ કે એલ્યુમિનિયમના બનેલા હોય છે. સામાન્ય સાબુથી ઘસવાથી તે બરાબર સાફ થતા નથી. આવા કિસ્સામાં ‘પીતાંબરી’ પાવડરનો ઉપયોગ કરી શકાય છે. તે તાંબાના કળશથી લઈને પિત્તળની થાળીઓ સુધીની દરેક વસ્તુને ક્ષણભરમાં ચમકાવી શકે છે. જો તમે બજારમાંથી પીતાંબરી પાવડર ખરીદવા ન માંગતા હોવ તો તમે તેને ઘરે પણ સરળતાથી બનાવી શકો છો. તાંબા અને પિત્તળને સાફ કરવા માટે ‘પીતાંબરી’ જેવો જ પાવડર ઘરે કેવી રીતે બનાવવો તે અહીં જાણો.
પીતાંબરી પાવડર શું છે?
પીતાંબરી પાવડર એ ધાતુ સાફ કરવા માટેનું એક મિશ્રણ છે જેનો ઉપયોગ તાંબા, પિત્તળ, એલ્યુમિનિયમ, લોખંડ, ચાંદી અને સ્ટીલને ચમકાવવા માટે થાય છે. બજારમાં મળતા પીતાંબરી પાવડરમાં સામાન્ય રીતે ડોલોમાઈટ પાવડર, આંબલીનો અર્ક, ચંદન અને કેવડા જેવી સામગ્રીઓ હોય છે. તમે ઘરમાં રોજિંદા વપરાશમાં લેવાતી સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને આવો જ સફાઈ પાવડર ઘરે બનાવી શકો છો.
ઘરે પીતાંબરી પાવડર કેવી રીતે બનાવવો
આ સફાઈ પાવડર બનાવવા માટે તમારે એક કપ ઘઉંનો લોટ, એક ચમચી સાઇટ્રિક એસિડ, એક ચમચી મીઠું, એક ચમચી બેકિંગ પાવડર અને એક મોટી ચમચી ડિટર્જન્ટ પાવડરની જરૂર પડશે. આ બધી સામગ્રીને મિક્સરમાં સારી રીતે પીસી લો. જેથી એકદમ ઝીણો અને એકસરખો પાવડર તૈયાર થઈ જાય. તમે આ મિશ્રણને કોઈ ડબ્બામાં ભરીને રાખી શકો છો અને જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો.
આ પણ વાંચો: બાથરૂમમાં 2 જ દિવસમાં ઓગળી જાય છે સાબુ? આ 4 ટ્રીકથી સાબુ ચાલશે મહિનો; જાણો ઈઝી હેક્સ
પીતાંબરી પાવડરથી સફાઈ કેવી રીતે કરવી
તાંબાના અને ખાસ કરીને પિત્તળના વાસણો સાફ કરવા માટે થોડા પાણી સાથે આ પાવડર લગાવો અને પછી સ્પોન્જ (વાળું) વડે સપાટીને ઘસો. આમ કરવાથી વાસણો પરના ડાઘ, મેલ અને કાળાશ દૂર થવા લાગશે.
આ મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખો
પીતાંબરી પાવડરથી વાસણો સાફ કર્યા પછી તેને પુષ્કળ પાણીથી બરાબર ધોઈ લો નહીંતર પાવડરના અંશો વાસણ પર રહી શકે છે.
જો તમે ખાવા-પીવા માટે વપરાતા વાસણો (જેમ કે થાળી, વાટકા) સાફ કરવા માટે પીતાંબરીનો ઉપયોગ કરો છો તો ધ્યાન રાખો કે તેના અવશેષો રહી ન જાય, કારણ કે તેનાથી ખોરાકનો સ્વાદ બદલાઈ શકે છે.
નોન-સ્ટિક રસોઈના વાસણો પર ‘પીતાંબરી’નો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખો કારણ કે આ પાવડર તેના નોન-સ્ટિક કોટિંગને નુકસાન પહોંચાડી શકે છે.
