સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’, જે મૂળરૂપે 17 એપ્રિલે રિલીઝ થવાની હતી, તેને અનેક વખત મુલતવી રાખવામાં આવી છે. અહેવાલો અનુસાર, આ વિલંબ ફિલ્મની વાર્તા સાથે જોડાયેલો છે, જે ભારત-ચીન સંઘર્ષ પર આધારિત છે. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે માહિતી અને પ્રસારણ મંત્રાલયે અમુક જરૂરી ફેરફારો કર્યા બાદ ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી છે. જોકે પ્રોડક્શન સાથે જોડાયેલા એક સૂત્રએ આ દાવાઓને નકારી કાઢ્યા છે.
‘સ્ક્રીન’ સાથે વાત કરતા સૂત્રએ સ્પષ્ટ કર્યું કે ફિલ્મમાં કોઈ મોટા ફેરફારો કરવામાં આવ્યા નથી અને તેને મૂળ યોજના મુજબ જ તૈયાર કરવામાં આવી રહી છે. સ્ક્રિપ્ટમાં ફેરફાર કે ફિલ્મને ફરીથી એડિટ કરવા અંગેના અહેવાલો સંપૂર્ણપણે પાયાવિહોણા છે.
વિલંબનું કારણ જણાવતા સૂત્રએ કહ્યું કે હાલમાં પોસ્ટ-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે અને ફિલ્મને હજુ સુધી પ્રમાણપત્ર (સર્ટિફિકેશન) માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) સમક્ષ રજૂ કરવામાં આવી નથી.
સૂત્રએ ‘સ્ક્રીન’ને જણાવ્યું, “હાલમાં ફાઈનલ VFX, ફાઈન-ટ્યુનિંગ અને બેકગ્રાઉન્ડ સ્કોર પર કામ ચાલી રહ્યું છે. એકવાર આ કામ પૂર્ણ થઈ જાય પછી ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ માટે સબમિટ કરવામાં આવશે. તેને હજુ સુધી સેન્સર બોર્ડમાં મોકલવામાં આવી નથી કારણ કે બોર્ડને સમીક્ષા માટે ફિલ્મનું લગભગ સંપૂર્ણ અને અંતિમ સંસ્કરણ જોઈએ છે.” સૂત્રના જણાવ્યા અનુસાર ફિલ્મ હજુ એવી સ્થિતિમાં નથી કે તેને સેન્સર બોર્ડ સમક્ષ રજૂ કરી શકાય.
આ પણ વાંચો: ‘ભગવાને તેનો જીવ બચાવ્યો’ ટાઈગર શ્રોફ પર થયેલા હુમલાના સંદર્ભમાં રાજ બબ્બરે સરકાર પર સાધ્યું નિશાન
સૂત્રએ વધુમાં સ્પષ્ટ કર્યું કે આ ફિલ્મ જેની અગાઉ ‘બેટલ ઓફ ગલવાન’ જેવા કામચલાઉ શીર્ષક હેઠળ ચર્ચા થતી હતી તે કોઈ યુદ્ધ ફિલ્મ નથી. સલમાન ખાનની ફિલ્મોમાં હંમેશા માનવતા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. તેમની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ તેનું ઉત્તમ ઉદાહરણ છે.
સૂત્રના મતે સલમાન ક્યારેય એવી ફિલ્મ નહીં બનાવે જે નફરત કે દુશ્મનાવટને પ્રોત્સાહન આપે. તેમની વાર્તાઓ હંમેશા પ્રેમ અને માનવતાના વિષયો પર આધારિત હોય છે, અને ‘માતૃભૂમિ’ પણ આ જ વિચારધારાને પ્રતિબિંબિત કરે છે.
