Sanjay Raut : શિવસેના UBT સાંસદ સંજય રાઉતે આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પ્રસ્તાવિત પરિસીમન વિધેયક માટે સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે દાવો કર્યો કે સાંસદોને આ માટે 150 કરોડ રૂપિયા સુધીની ઓફર કરવામાં આવી રહી છે અને મહારાષ્ટ્રના કેટલાક પ્રખ્યાત રાજકીય નેતાઓને આ સાંસદોને બિલને સમર્થન આપવા માટે મનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.
છત્રપતિ સંભાજીનગરમાં પત્રકારો સાથે વાત કરતાં રાઉતે દાવો કર્યો કે આ કથિત ઓફર બે દિવસમાં 100 કરોડ રૂપિયાથી વધીને 150 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તેમણે કહ્યું કે સાંસદોનો મોટા પાયે સંપર્ક કરવામાં આવી રહ્યો છે. પરિસીમન બિલ માટે તેમનું સમર્થન મેળવવા માટે 150 કરોડ રૂપિયાની કિંમત લગાવવામાં આવી રહી છે. બે દિવસ પહેલા આ રકમ 100 કરોડ રૂપિયા હતી. જો મહારાષ્ટ્રના સાંસદો આ બિલને સમર્થન કરે છે તો આ આંકડો યાદ રાખો. પરંતુ રાઉતે સંપર્ક કરાયેલા નેતાઓ અથવા સાંસદોના નામ જણાવ્યા ન હતા અને તેમના દાવાઓને સમર્થન આપતા કોઈ પુરાવો પણ આપ્યો નથી.
સંજય રાઉતે અમિત શાહની મુંબઈ મુલાકાત અંગે પ્રશ્નો ઉઠાવ્યા
રાઉતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ઉપર પણ પ્રહાર કર્યો હતો. તેમણે અમિત શાહની મુંબઈની વારંવાર મુલાકાત પર પ્રશ્ન ઉઠાવ્યો અને દાવો કર્યો કે સાંસદોના સમર્થન માટે પૈસા આ શહેર મારફતે આવશે. સરકારએ સંસદનું સત્ર કેમ નથી બોલાવ્યું તે પ્રશ્ન કરતાં રાઉતે આરોપ લગાવ્યો કે ભાજપ આ બિલ માટે સમર્થન એકત્રિત કરવામાં વ્યસ્ત છે. તેમણે પૂછ્યું કે અમિત શાહ વારંવાર મુંબઈ આવી રહ્યા છે. તેઓ આટલી વખત અહીં કેમ આવી રહ્યા છે? અહીં શું લેણ-દેણ થઇ રહી છે?
મહારાષ્ટ્રમાં નેતાઓના પક્ષ બદલવા પર કટાક્ષ કરતાં રાઉતે કહ્યું કે પાંચ વર્ષ પહેલા એક ધારાસભ્યને 50 કરોડ રૂપિયામાં અને એક સાંસદને 75 કરોડ રુપિયામાં ખરીદવામાં આવ્યા હતા. આથી 150 કરોડ રૂપિયા એક મોટી રકમ છે. આ સારી કિંમત છે. રાઉતે વધુમાં દાવો કર્યો કે તેમની પાર્ટી છોડીને ગયેલા છ સાંસદો ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે જોડાયેલી એક ડિલ હેઠળ દરેકને 80-80 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
પરિસીમન પર ચર્ચા તેજ
રાઉતના નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેન્દ્ર પરિસીમન સાથે જોડાયેલા બિલ અને સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત લાગુ કરવા માટે સમર્થન મેળવવા માટે પ્રયત્નો વધારી રહી છે. આ વર્ષે 17 એપ્રિલે રજૂ કરાયેલ બંધારણ સુધારણા બિલ લોકસભામાં જરૂરી વિશેષ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું, ત્યારબાદ પરિસીમન બિલ અને અન્ય સંબંધિત બિલ પર વધુ કાર્યવાહી થઇ શકી ન હતી.
આ પણ વાંચો – શિવસેના સોનિયા ગાંધીના પુસ્તકનો શા માટે કરી રહી છે વિરોધ, કયો ભાગ હટાવવાની કરી રહી છે માંગણી?
સરકાર હવે નવી કાયદાકીય પહેલ પર વિચાર કરી રહી છે, પરંતુ સંસદના પ્રસ્તાવિત વિશેષ સત્ર માટે હજુ કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. આ મુદ્દાએ વિરોધ પક્ષની અંદર પણ મતભેદો ઉજાગર કર્યા છે. 14 નવેમ્બરે, એનસીપી (એસપી)ના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું કે તેમની પાર્ટી સિદ્ધાંતરૂપે દરેક રાજ્યમાં લોકસભા બેઠકોની સંખ્યા 50 ટકા સુધી વધારવાના પ્રસ્તાવને સમર્થન આપવા તૈયાર છે.
આ દરમિયાન કોંગ્રેસે શુક્રવારે કહ્યું કે તે નવા પરિસીમન બિલ પર સરકાર સાથે ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ તે આ પ્રક્રિયાને 2027ની જનગણતરીથી અલગ રાખવા માંગે છે.
