વંદે ભારતમાં ફસાયા 13 લોકો, ભરવો પડ્યો ₹36000 નો દંડ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


લોકો ઘણીવાર રેલવે સ્ટેશન પર માત્ર ટ્રેનમાં બેસવા માટે જ નહીં પરંતુ પોતાના સંબંધીઓ કે પરિવારના સભ્યોને વિદાય આપવા માટે પણ જતા હોય છે અને તેઓ સલામત રીતે ટ્રેનમાં બેસી જાય ત્યાં સુધી ત્યાં રોકાતા હોય છે. જોકે કાનપુર સ્ટેશન પર કેટલાક લોકો માટે આ સદ્ભાવના ભારે પડી. તેઓ ‘વંદે ભારત’ ટ્રેનમાં ફસાઈ ગયા અને પરિણામે તેમને ₹35,000નો દંડ કરવામાં આવ્યો. સદભાગ્યે તેમને ટુન્ડલા સ્ટેશન પર ઉતરવાની મંજૂરી મળી ગઈ. અન્યથા તેઓ છેક દિલ્હી સુધી પહોંચી ગયા હોત. સામાન્ય રીતે રેલવે સ્ટેશનમાં પ્રવેશવા માટે પ્લેટફોર્મ ટિકિટ ખરીદવી પડે છે પરંતુ આ 13 લોકો સાથે બનેલી આ ઘટના હવે ચર્ચાનો વિષય બની ગઈ છે.

સામાન્ય રીતે પ્લેટફોર્મ ટિકિટની કિંમત ₹10 થી ₹50 ની વચ્ચે હોય છે, જેના કારણે કોઈને વિદાય આપવી ખૂબ જ સસ્તું પડે છે. પરંતુ ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 13 લોકોને કુલ ₹36,140નો દંડ ભરવો પડ્યો.

GRP દ્વારા લાદવામાં આવેલો દંડ

આ લોકો પોતાના સંબંધીઓને વિદાય આપવા સ્ટેશન ગયા હતા પરંતુ કાનપુર સેન્ટ્રલથી ટ્રેન ઉપડતી વખતે તેઓ અજાણતા તેમાં જ ફસાઈ ગયા. ટ્રેનનું આગામી નિર્ધારિત સ્ટોપેજ દિલ્હી હતું. જોકે ટ્રેનને ટુન્ડલા પહોંચતા પહેલા જ રોકવામાં આવી, જેથી આ મુસાફરો નીચે ઉતરી શકે. ત્યારબાદ સરકારી રેલવે પોલીસ (GRP) દ્વારા આ જૂથ પર કુલ ₹36,140નો દંડ લાદવામાં આવ્યો. જે વ્યક્તિ દીઠ આશરે ₹3,000 થાય છે.

શું છે સમગ્ર મામલો?

આ ઘટના 15 નવેમ્બરના રોજ બની હતી. નોર્થ સેન્ટ્રલ રેલવે (NCR) ના ચીફ પબ્લિક રિલેશન્સ ઓફિસર (CPRO) ડૉ. શિવમ શર્માએ ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ને જણાવ્યું કે, બનારસ-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસનું કાનપુર સેન્ટ્રલ ખાતે ચાર મિનિટનું નિર્ધારિત રોકાણ હોય છે. આ ટ્રેન સવારે 9:26 વાગ્યે કાનપુર પહોંચે છે અને 9:30 વાગ્યે દિલ્હી જવા માટે રવાના થાય છે. ટ્રેનમાં ફસાઈ ગયેલા 13 લોકો સ્ટેશન પર તેમના સંબંધીઓને મૂકવા આવ્યા હતા અને તેમની પાસે મોટી માત્રામાં સામાન હતો.

4 મિનિટમાં આપમેળે બંધ થઈ જાય છે દરવાજા

વંદે ભારત ટ્રેન કાનપુર પહોંચી. મુસાફરો અને તેમને મૂકવા આવેલા લોકો બંને પોતાના સામાન સાથે ટ્રેનમાં ચઢી ગયા. જે લોકો તેમના સંબંધીઓને મૂકવા આવ્યા હતા, તેમણે 4 મિનિટની અંદર ટ્રેનમાંથી ઉતરી જવું જોઈતું હતું પરંતુ તેઓ તેમ કરી શક્યા નહીં. 4 મિનિટ પછી ટ્રેનના સ્વચાલિત (ઓટોમેટિક) દરવાજા બંધ થઈ ગયા, ટ્રેન ઉપડી ગઈ અને એક બાળક સહિત તમામ 13 લોકો ટ્રેનની અંદર ફસાઈ ગયા.

ઈટાવા ખાતે ટ્રેન રોકી શકાઈ નહીં

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રેનનું આગામી નિર્ધારિત સ્ટેશન દિલ્હી હતું. 13 લોકો ટ્રેનમાં ફસાઈ ગયા હોવાની જાણ થતાં અધિકારીઓએ ટ્રેનને ઈટાવા ખાતે રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાં ટ્રેનને રોકી શકાઈ નહીં. ત્યારબાદ ટુંડલા પહેલાના એક સ્ટેશન પર ટ્રેનને રોકવામાં આવી.

અધિકારીઓને ટિકિટ વિના મુસાફરી કરતા લોકો મળ્યા

ત્યારબાદ ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર (CTI) એ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF), ગવર્મેન્ટ રેલવે પોલીસ (GRP) અને સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટની હાજરીમાં આ બાબતની તપાસ કરી. જાણવા મળ્યું કે 12 પુખ્ત વયના લોકો અને એક બાળક ટિકિટ વિના ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમની પાસેથી ટિકિટનું ભાડું અને દંડ વસૂલવામાં આવ્યો.

આ પણ વાંચો: ઉધના રેલવે સ્ટેશન બન્યું ભીડ નિયંત્રણનું નવું મોડલ, દેશનો સૌથી મોટો સ્થાયી હોલ્ડિંગ એરિયા તૈયાર

રેલવે અધિકારીઓની જનતાને અપીલ

ડૉ. શિવમ શર્માએ જણાવ્યું કે આ 13 લોકો પાસેથી કુલ ₹36,140 વસૂલવામાં આવ્યા. રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર માન્ય ટિકિટ ધરાવતા મુસાફરોને જ ટ્રેનમાં મુસાફરી કરવાની પરવાનગી છે. અધિકારીઓએ મુસાફરો અને તેમના સંબંધીઓને સ્ટેશન પરિસરમાં પ્રવેશવા માટે માન્ય પ્લેટફોર્મ ટિકિટનો ઉપયોગ કરવા અને કોઈને મૂકવા આવતી વખતે ટ્રેનમાં ન ચઢવા અનુરોધ કર્યો છે.

રેલવેના એક અધિકારીએ સમજાવ્યું કે, સુરક્ષાના કારણોસર વંદે ભારત જેવી આધુનિક ટ્રેનોમાં સ્વચાલિત દરવાજા હોય છે. જો ટ્રેન ઉપડ્યા પછી કોઈ વ્યક્તિ ટિકિટ વિના ટ્રેનમાં મળી આવે તો તેણે રેલવેના નિયમો અનુસાર ભાડું અને દંડ ચૂકવવો પડી શકે છે. રેલવેએ મુસાફરોને નિયમોનું પાલન કરવા અને આવી પરિસ્થિતિ ટાળવા માટે અપીલ કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *