Ambaji Temple Information : ગુજરાતના પવિત્ર શક્તિપીઠ અંબાજી મંદિરના પ્રસિદ્ધ મોનહથાળ પ્રસાદને વૈશ્વિક સ્તરે ખાસ ઓળખ મળી છે. અંબાજી મંદિરના પરંપરાગત પ્રસાદ મોહનથાળને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટેગ આપવામાં આવ્યો છે. આ સાથે દેશના ખાસ મંદિરોના વિશિષ્ટ પ્રસાદોમાં અંબાજી મંદિરના પ્રસાદનો પણ સમાવેશ થાય છે.
ઉલ્લેખનિય છે કે, હાલ તિરૂપિત બાલાજી મંદિરના લાડુ અને પલાની પંચામૃતિ પ્રસાદને GI ટેગ મળ્યો છે. અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને જીઆઈ ટેગ મળતા ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠની યશકલીગમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ ઉમેરાઇ છે.
ગુજરાતના બનાસકાંઠા સ્થિત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અરજીને આધારે GI રજિસ્ટ્રી દ્વારા ‘અંબાજી મોહનથાળને ખાધ પદાર્થોની ક્લાસ 30 શ્રેણી હેઠળ સત્તાવાર જીઆઈ ટેગ એનાયત કરવામાં આવ્યો છે. માહિતી મુજબ આસુ નવરાત્રીના પ્રથમ દિવસ 11 ઓક્ટોબર, 2026ના રોજ અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને GI સર્ટિફિકેટ જારી કરવામાં આવશે.
અંબાજી મંદિરની આ ઐતિહાસિક સિદ્ધિ નિમિત્તે નવરાત્રીના પ્રથમ નોરતે એટલે કે 11 ઓક્ટોબરે મંદિર ખાતે વિશેષ સમારોહ યોજાશે. સવારે 10 થી 11 વાગ્યા દરમિયાન યોજાનાર કાર્યક્રમમાં મંદિર ટ્રસ્ટને સત્તાવાર જીઆઈ સર્ટિફિકેટ અર્પણ કરશે. આ સમારોહમાં કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ તથા જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન્સના રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. ઉન્નત પી. પંડિત સહિત ઘણા મહાનુભાવો અને મંદિર ટ્રસ્ટના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
GI ટેગ મળતા હવે ‘અંબાજી મોહનથાળ’ નામનો મંજૂરી વગર કોઇ વ્યક્તિ કે સંસ્થા નકલ કરી શકશે નહીં. આ સાથે જ મંદિરના મોહનથાળ પ્રસાદની ગુણવત્તા, શુદ્ધતા અને પરંપરાગત ઓળખ જાળવવામાં મદદ મળશે.
GI ટેગ શું છે?
જીઆઈ ટેગનું પુરું નામ જીયોગ્રાફિકલ ઇન્ડિકેશન (Geographical Indication) છે. આ ટેગ કોઈ ચોક્કસ ભૌગોલિક પ્રદેશમાં કુદરતી રીતે ઉત્પન્ન થતી, પરંપરાગત રીતે બનાવવામાં આવતી થતી કોઇ ચીજને આપવામાં આવી છે. જેનાથી તેની ખાસિયત પ્રસ્થાપિત થાય છે. જીઆઈ ટેગ કૃષિ પેદાશ, હાથ વણાટ કે હસ્તકલાની ચીજો, કુદરતી કે ખનીજ વસ્તુઓ અને મેન્યુફેક્ચર્ડ કે ખાદ્ય ચીજોને આપવામાં આવતી એક પ્રકારની સત્તાવાર ઓળખ છે.
નવરાત્રી 2026 ઘટ સ્થાપના શુભ મુહૂર્ત, પૂજા વિધિ
નવરાત્રી હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર તહેવાર છે. હિન્દુ પંચાંગના જણાવ્યા અનુસાર, આસો સુદ એકમ તિથિથી શારદીય નવરાત્રી શરૂ થાય છે. નવરાત્રીમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં છે. આ વર્ષે નવરાત્રી 11 ઓક્ટોબરથી શરૂ થશે. સમાપન સમારોહ 20 ઓક્ટોબર, 2026 (મંગળવારે) વિજયાદશમી પર થશે. ચાલો જાણીએ નવરાત્રીના ઘાટ સ્થાપનની તિથિ અને શુભ મુહૂર્ત. વાંચો સંપૂર્ણ અહેવાલ.
