માતા બન્યા પછી મહિલાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે. ખાસ કરીને નવજાત બાળકના જન્મ પછી માતા-પિતાને ઘણીવાર રાતભર જાગવું પડે છે અને પૂરતી ઊંઘ મળતી નથી. અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ તાજેતરમાં એવો જ અનુભવ શેર કર્યો છે. તેમણે જણાવ્યું કે દીકરી માલતીના જન્મ પછી હવે સતત 8 કલાકની ઊંઘ લેવી શક્ય રહી નથી, છતાં માતૃત્વની શક્તિએ તેમને માનસિક રીતે વધુ મજબૂત બનાવ્યા છે.
પ્રિયંકા ચોપરાએ Jonas Brothers Podcast પર પતિ નિક જોનાસ સાથે વાત કરતાં કહ્યું કે, “પહેલા મને લાગતું હતું કે 8 કલાકની ઊંઘ વગર હું કામ કરી શકીશ નહીં. પરંતુ હવે દીકરીની તબિયત ખરાબ હોય ત્યારે દર દોઢ કલાકે ઊંઘ તૂટે છે, છતાં બીજા દિવસે કામ કરી લઈએ છીએ. માતૃત્વ તમને સમજાવે છે કે તમે તમારી કલ્પના કરતાં પણ વધુ મજબૂત છો.”
માતા-પિતા માટે આ અનુભવ સામાન્ય કેમ છે?
નવજાત બાળકના જન્મ પછી રાત્રે વારંવાર જાગવું લગભગ દરેક માતા-પિતાના જીવનનો ભાગ બની જાય છે. બાળકને દૂધ પીવડાવવું, ડાયપર બદલવું અથવા બાળક રડતું હોય ત્યારે તેની સંભાળ રાખવી જેવી જવાબદારીઓને કારણે ઊંઘમાં સતત વિક્ષેપ આવે છે.
પરંતુ શું શરીર ખરેખર આ સ્થિતિને સહન કરી લે છે? શું ઊંઘ ઓછી થવાથી માતા-પિતાના શરીર પર શું અસર પડી શકે? આવો નિષ્ણાંતો આ મામલે શું કહી રહ્યા છે એ જાણીએ.
લાંબા સમય સુધી ઓછી ઊંઘ લેવાથી શું થાય?
મુંબઈની વોકહાર્ટ હોસ્પિટલના ઇન્ટરનલ મેડિસિન કન્સલ્ટન્ટ ડો હની સાવલાના જણાવ્યા અનુસાર, શરીર થોડા સમય માટે ઓછી ઊંઘમાં પણ કામ ચલાવી શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે શરીરને પૂરતી ઊંઘની જરૂર રહેતી નથી.
તેમના જણાવ્યા મુજબ ઊંઘ દરમિયાન શરીરમાં અનેક મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ થાય છે:
- શરીરના ટિશ્યૂનું સમારકામ થાય છે.
- હોર્મોનનું સંતુલન જળવાય છે.
- રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
- મગજ નવી માહિતી અને યાદશક્તિને ગોઠવે છે.
જો ઊંઘ સતત ઓછી મળે તો આ તમામ પ્રક્રિયાઓ પર નકારાત્મક અસર પડી શકે છે. જે લાંબા ગાળે નુકસાન કરી શકે છે.
આ પણ વાંચો: પ્રિયંકા ચોપરાના હસબન્ડ નિક જોનાસ પત્ની માટે એવું તો શું કર્યું તો ફેન્સ થયા મંત્રમુગ્ધ, જુઓ વિડીયો
ઓછી ઊંઘથી કયા જોખમ વધી શકે?
નિયમિત ઊંઘનો અભાવ માત્ર થાક પૂરતો મર્યાદિત નથી રહેતો. લાંબા ગાળે તે અનેક ગંભીર આરોગ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઊંઘ સતત ઓછી થાય તો..
- ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે.
- નિર્ણય લેવાની ક્ષમતા ઘટે છે.
- ચીડિયાપણું વધી શકે છે.
- યાદશક્તિ પર અસર પડે છે.
- બ્લડ પ્રેશર વધવાનું જોખમ રહે છે.
- ડાયાબિટીસની શક્યતા વધી શકે છે.
- સ્થૂળતા વધી શકે છે.
- હૃદયરોગનું જોખમ વધે છે.
- ચિંતા અને ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓ પણ થઈ શકે છે.
માત્ર દોઢ કલાકની ઊંઘ લેવાથી નુકસાન થાય?
ડો. સાવલા જણાવે છે કે જો ક્યારેક એકાદ રાત્રે ખૂબ ઓછી ઊંઘ મળે અને પછી પૂરતો આરામ મળી જાય તો સામાન્ય રીતે લાંબા ગાળે મોટી સમસ્યા સર્જાતી નથી.
પરંતુ અઠવાડિયા કે મહિનાઓ સુધી સતત ખૂબ ઓછી ઊંઘ લેવી શરીર માટે યોગ્ય નથી. સૌથી મોટી સમસ્યા એ છે કે ઘણા લોકોને પોતાનો થાક ધીમે-ધીમે સામાન્ય લાગવા લાગે છે, જ્યારે તેમની કાર્યક્ષમતા અને સતર્કતા સતત ઘટતી રહે છે.
કયા લક્ષણોને અવગણવા નહીં?
જો બાળકના જન્મ પછી લાંબા સમય સુધી નીચે મુજબની સમસ્યાઓ રહેતી હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
- દિવસ દરમિયાન અતિશય ઊંઘ આવવી
- વારંવાર માથાનો દુખાવો
- મૂડમાં સતત ફેરફાર
- વસ્તુઓ યાદ રાખવામાં મુશ્કેલી
- ઓફિસમાં કામ કરવામાં મુશ્કેલી
- વાહન ચલાવતી વખતે ઊંઘ આવવી અથવા ધ્યાન ભટકવું
આવા લક્ષણોને માત્ર “પેરેન્ટિંગનો ભાગ” માનીને અવગણવા યોગ્ય નથી. આ બાબતે સત્વરે નિષ્ણાંતની સલાહ લેવી યોગ્ય છે.
બાળક મોટું થાય પછી ઊંઘની નિયમિતતા પર ધ્યાન આપો
નિષ્ણાતોનું કહેવું છે કે બાળકની ઊંઘનો સમય ધીમે-ધીમે નિયમિત થવા લાગે ત્યારથી માતા-પિતાએ પણ પોતાની ઊંઘ સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. પૂરતી ઊંઘ શરીર અને મન બંને માટે એટલી જ જરૂરી છે જેટલો સારો આહાર અને નિયમિત કસરત.
ટૂંકા ગાળે માતા-પિતાએ ઊંઘ સાથે સમાધાન કરવું પડે તે સ્વાભાવિક છે, પરંતુ લાંબા સમય સુધી ઊંઘનો અભાવ આરોગ્ય માટે નુકસાનકારક બની શકે છે.
આ પણ વાંચો: શું કોફી અને નૂડલ્સ ખાઈને ફિટ રહી શકાય? 40 વર્ષની જેકલીન ફર્નાન્ડીઝ પોતાનું સિક્રેટ શેર કર્યું
(ડિસ્ક્લેઇમર: આ લેખ જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે. કોઈપણ આરોગ્ય સંબંધિત નિર્ણય લેતા પહેલાં તમારા ડૉક્ટર અથવા આરોગ્ય નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
