સુમુલ ડેરીની ચૂંટણી: મતદાન પૂર્વે ગુજરાત કોંગ્રેસે 11 ઉમેદવારોને ‘સુરક્ષિત સ્થળે’ ખસેડ્યા

સુમુલ ડેરીની ચૂંટણી: મતદાન પૂર્વે ગુજરાત કોંગ્રેસે 11 ઉમેદવારોને ‘સુરક્ષિત સ્થળે’ ખસેડ્યા

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (સુમુલ ડેરી) ની ચૂંટણીના બે અઠવાડિયા પહેલા, કોંગ્રેસ સમર્થિત પશુપાલક હિત રક્ષક સમિતિ (PPHRS) દ્વારા મંગળવારે પોતાના 11 ઉમેદવારોને ગુજરાત બહાર “સુરક્ષિત સ્થળે” ખસેડવામાં આવ્યા છે. આ ચૂંટણી જુલાઈ 15ના રોજ યોજાનાર છે. છેલ્લા દસ વર્ષથી ભાજપ સમર્થિત હોદ્દેદારો આ ડેરીનું સંચાલન કરી રહ્યા છે.

કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના “દબાણના રાજકારણ” થી આ 11 ઉમેદવારોને બચાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ભાજપના ઉમેદવારો સહકાર પેનલના બેનર હેઠળ ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છે કે સમિતિના એક ઉમેદવારના સમર્થક રવિવારથી ગુમ છે. આ સહકારી સંસ્થા સુમુલ ડેરી તરીકે જાણીતી છે.

ભાજપ અગાઉથી જ ડેરીના ડિરેક્ટર્સ બોર્ડની પાંચ બેઠકો બિનહરીફ જીતી ચૂક્યું હોવા છતાં, બાકીની 11 બેઠકો પર પક્ષને પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, પક્ષના કેટલાક એવા સભ્યો, જેમને અગાઉ મેન્ડેટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, તેઓ પણ કોંગ્રેસ સમર્થિત જૂથના ટેકાથી ચૂંટણી લડી રહ્યા છે.

સુમુલ ડેરી ચૂંટણી 2026: 15 જુલાઇએ મતદાન

વર્ષ 2024-25ના વાર્ષિક અહેવાલ મુજબ, આ નાણાકીય વર્ષમાં ડેરીનું કુલ વ્યાપારી ટર્નઓવર રૂ. 6,276 કરોડ હતું. સુમુલ ડેરી, જે 1,039 પ્રાથમિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની બનેલી છે, તેનું સંચાલન 19 સભ્યોના બોર્ડ દ્વારા થાય છે, જેમાંથી 16 સભ્યો ચૂંટાયેલા હોય છે. અન્ય ત્રણ સભ્યોમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના હોદ્દાની રૂએ (એક્સ-ઓફિસિયો) સભ્યોનો સમાવેશ થાય છે. આ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ આશરે 2.50 લાખ સભ્યો ધરાવે છે અને આ મંડળીઓના પ્રમુખો ડિરેક્ટર્સ બોર્ડની ચૂંટણીમાં મતદાન કરે છે.

11 બેઠક માટે 40 ઉમેદવાર મેદાનમાં

ડેરીના ચૂંટણી વિભાગના સૂત્રોએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે ફોર્મ ખેંચવાના પ્રથમ દિવસે સોમવાર બાદ 11 બેઠકો માટે 40 ઉમેદવારો મેદાનમાં બાકી રહ્યા છે. સુરત જિલ્લા કલેક્ટર કચેરીના એક અધિકારી ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે આ ચૂંટણીઓ મૂળભૂત રીતે વર્ષ 2025માં યોજાવાની હતી, પરંતુ ચેરમેન માનસિંહ પટેલ અને વાઇસ ચેરમેન રાજેશ પાઠકની મુદત પૂરી થયા બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ચૂંટણી પંચની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ડ્રાઇવના કારણે તે સમયે ચૂંટણી યોજી શકાઈ ન હતી. પાઠકે જણાવ્યું હતું કે, આના કારણે સહકારી સંસ્થાની ચૂંટણીમાં વિલંબ થયો હતો, તેથી કસ્ટોડિયનની નિમણૂક કરવામાં આવી હતી.

ભાજપ સામે બળવાખોરીનો ડર

PPHRS ના ઉમેદવારોમાંથી ઓછામાં ઓછા ત્રણ એવા છે જેમને સત્તાધારી પક્ષ દ્વારા ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપવાનો ઇનકાર કરાયો હતો. સહકારી સંસ્થાની ચૂંટણીમાં મેન્ડેટ પ્રથા દાખલ કરવા બદલ ભાજપની ટીકા કરતા કોંગ્રેસ વિધાન પક્ષના નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, મેન્ડેટ આપીને ડિરેક્ટરોને અગાઉથી જ પક્ષના ઇશારે કામ કરવા માટે બાંધી લેવામાં આવે છે અને તેમને મોકળું મેદાન આપવામાં આવે છે, જેનાથી ભ્રષ્ટાચાર થાય છે. 

વધુમાં તેમણે જણાવ્યું કે, અમને જાણવા મળ્યું છે કે ભાજપ પાંચ બેઠકો બિનહરીફ જીતી ગયું છે. PPHRS ના હિતોને ધ્યાનમાં રાખીને, અમે ઉમેદવારોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. અમે બાકીની 11 બેઠકો પર ભાજપને કાંટાની ટક્કર આપીશું.

સુરક્ષા માટે સભ્યોને બહાર ખસેડાયા

સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીએ દાવો કર્યો હતો કે, ઉમરપાડાથી PPHRS ના ઉમેદવાર સવજી વસાવાના સમર્થક રવીન્દ્ર વસાવા છેલ્લા બે દિવસથી ગુમ છે. અમે પ્રયત્ન કર્યો પરંતુ તેમનો પત્તો લગાવી શક્યા નથી. આ કારણે અમારે અમારા તમામ 11 ઉમેદવારોને રાજ્ય બહાર સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા છે, જેથી ભાજપ તેમને ફોર્મ ખેંચવા માટે મજબૂર ન કરી શકે. જોકે, આ અહેવાલ ફાઇલ થયો ત્યાં સુધી પક્ષ દ્વારા કોઈ ગુમશુદા ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી.

સત્તા ટકાવી રાખવાનો ભાજપનો વિશ્વાસ

બિનહરીફ ચૂંટાયેલા પાંચ વિજેતાઓમાંથી એક રાજેશ પાઠકે જણાવ્યું હતું કે: અમે (ભાજપ) સુમુલ ડેરીમાં સત્તા ચોક્કસપણે જાળવી રાખીશું… સુમુલમાં દૂધ જમા કરાવતા પશુપાલકોને કોઈ સમસ્યા નથી. અમારા પક્ષના કેટલાક સભ્યો PPHRS તરફથી ચૂંટણી લડી રહ્યા છે, અને અમને આશા છે કે તેઓ જુલાઈ 4 પહેલા પોતાના ફોર્મ ખેંચી લેશે. પાઠક માંગરોળ બેઠક પરથી બિનહરીફ જીત્યા છે.

ભાજપ કોંગ્રેસ વચ્ચે ભારે ટક્કર

PPHRS ના સમર્થનથી ચૂંટણી લડી રહેલા ભાજપના કાર્યકરોમાં નરેશ પટેલ (સુરત જિલ્લા સહકારી બેંકના પૂર્વ ચેરમેન, જેઓ વાલોડ બેઠક પર ભાજપના રાજુ આહીર સામે છે), વસંત પટેલ (જેઓ ઓલપાડ બેઠક જીતવા માટે પૂર્વ ધારાસભ્ય ધનસુખ પટેલ સામે લડશે) અને જયમીન પટેલ (જેઓ મહુવા બેઠક પર જીગર નાઈક સામે સીધી ટક્કરમાં છે) નો સમાવેશ થાય છે.

સુમુલ ડેરી ચૂંટણી: આ 5 બેઠક બિનહરીફ બની

જે પાંચ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે તેમાં ચોર્યાસી, માંગરોળ, કામરેજ, પલસાણા અને બારડોલીનો સમાવેશ થાય છે. 16 મત ધરાવતી ચોર્યાસી બેઠક પરથી સ્થાનિક ભાજપ ધારાસભ્ય સંદીપ દેસાઈ; માંગરોળ બેઠક (65 મત) પરથી વિદાય લેતા વાઇસ ચેરમેન રાજેશ પાઠક; પલસાણા બેઠક (10 મત) પરથી ભરતસિંહ સોલંકી; કામરેજ બેઠક (20 મત) પરથી બળવંત પટેલ અને બારડોલી બેઠક (56 મત) પરથી અજીત પટેલ બિનહરીફ વિજેતા બન્યા છે.

આ પણ વાંચો | દેશની પ્રથમ બુલેટ ટ્રેન સુરત વાપી વચ્ચે દોડશે…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *