અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનની મહિલા PSI અને હેડ કોન્સ્ટેબલ રૂ.5 લાખની લાંચ લેતા ACB ના સકંજામાં આવ્યા

અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનની મહિલા PSI અને હેડ કોન્સ્ટેબલ રૂ.5 લાખની લાંચ લેતા ACB ના સકંજામાં આવ્યા

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


ગુજરાતમાં લાંચિયા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના બોપલ પોલીસ સ્ટેશન હેઠળના શીલજ બીટ ખાતે ફરજ બજાવતા મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને એક આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રૂ. 5 લાખની લાંચ સ્વીકારતા એસીબીના ટ્રેપમાં આબાદ ઝડપાઈ ગયા છે. આ સમગ્ર મામલે ખેડા એસીબી પોલીસ સ્ટેશન નડિયાદની ટીમે સફળ છટકું ગોઠવીને ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે એક જાગૃત નાગરિક (ફરિયાદી) વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશનમાં એક અરજી થઈ હતી. આ અરજીની તપાસ બોપલ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ પ્રિતલબેન જશુભાઈ ચૌધરી કરી રહ્યા હતા. આ અરજીની તપાસના આધારે ફરિયાદી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કોઈ સત્તાવાર ગુનો દાખલ ન કરવાના બદલામાં આરોપી નં-1 પીએસઆઈ પ્રિતલબેન ચૌધરી તથા આરોપી નં-2 આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દિલીપકુમાર મફતભાઈ ભોઈએ (શીલજ બીટ) ફરિયાદી પાસે શરૂઆતમાં રૂ. 10 લાખની મસમોટી લાંચની માંગણી કરી હતી.

રકઝકના અંતે 5 લાખ નક્કી થયા

ફરિયાદી આટલી મોટી રકમ આપવા સક્ષમ ન હોવાથી અને લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે બંને પોલીસ અધિકારીઓ સાથે રકઝક કરી હતી. આખરે બંને આરોપીઓ પાંચ લાખ સ્વીકારવા સહમત થયા હતા. ફરિયાદીએ આ અંગે તાત્કાલિક ખેડા એ.સી.બી. પોલીસ સ્ટેશન નડિયાદનો સંપર્ક કરીને ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

સ્પીકર પર વાત કરી ગુનો સ્વીકાર્યો, કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાયો

ફરિયાદના આધારે એસીબીની ટીમે બે સરકારી પંચોને સાથે રાખીને 26 જૂન 2026ના રોજ બોપલ પોલીસ સ્ટેશન હેઠળની શીલજ બીટ ખાતે આવેલી સાયબર ક્રાઈમની ઓફિસમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. ટ્રેપ દરમિયાન આરોપી નં-2 હેડ કોન્સ્ટેબલ દિલીપકુમાર ભોઈએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પાંચ લાખ રૂપિયાની લાંચની રકમ સ્વીકારી હતી.

લાંચના નાણાં મેળવ્યા બાદ હેડ કોન્સ્ટેબલે તરત જ પોતાના મોબાઈલ ફોનથી મહિલા પીએસઆઈ પ્રિતલબેન ચૌધરીને ફોન કર્યો હતો અને સ્પીકર ઓન કરીને વાત કરી હતી કે લાંચના નાણાં મળી ગયા છે. પીએસઆઈ પ્રિતલબેને ફોન પર પોતાની સંમતિ આપી હતી. આ દરમિયાન એસીબીની ટીમે ત્રાટકીને હેડ કોન્સ્ટેબલ દિલીપકુમારને લાંચની રકમ સાથે સ્થળ પર જ રંગેહાથ ઝડપી લીધો હતો. જ્યારે મહિલા પીએસઆઈ પ્રિતલબેન ચૌધરી સ્થળ પર મળી આવ્યા ન હતા. એસીબીએ બંને રાજ્ય સેવકો વિરુદ્ધ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવા બદલ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *