maharashtra palghar accident : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય રાજમાર્ગ પર સોમવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. ડહાણુના ધાણીવરી વિસ્તારમાં ટેમ્પો સહિત ત્રણ વાહનો વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં 12 લોકોના મોત થયા હતા, જ્યારે 25થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત બાદ શોકનો માહોલ સર્જાયો હતો.
અહેવાલો અનુસાર ડહાણુના બાપુગાંવથી મોટી સંખ્યામાં લોકો સગાઈ સમારોહમાં હાજરી આપવા માટે ધાણીવરી જઈ રહ્યા હતા. બધા એક ટેમ્પોમાં સવાર હતા. બતાવવામાં આવી રહ્યું છે કે ટેમ્પો ચાલકે એક કિલોમીટર લાંબું ચક્કર ટાળવા માટે આઉટર સાઇડથી વાહન નીકાળવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ગુજરાતથી મુંબઈ તરફ ઝડપથી જઈ રહેલી એક કન્ટેનર ટ્રકે ટક્કર મારી હતી.
ટેમ્પાનો ભુક્કો બોલાઇ ગયો
અકસ્માત એટલો ભયાનક હતો કે ટેમ્પો સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો, જેમાં સવાર લોકોને બહાર નીકળવાની તક મળી ન હતી. કન્ટેનર અને ટેમ્પો નીચે કચડાઈ જવાથી 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં 25 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોને કાસા સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને ધુંડલવાડી સ્થિત વેદાંત હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ટેમ્પોમાં 50 થી વધુ લોકો સવાર હતા
પ્રારંભિક પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ટેમ્પોમાં 50 થી વધુ લોકો સવાર હતા. અકસ્માતને કારણે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો. સ્થાનિકો અને પોલીસ ટીમોએ વાહનોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સાથે મળીને કામ કર્યું હતું. ઘટનાની માહિતી મળતાં પાલઘર લોકસભા મતવિસ્તારના સાંસદ હેમંત સાવરા અને પાલઘર પોલીસ અધિક્ષક યતીશ દેશમુખ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
પાલઘરના પોલીસ અધિક્ષક યતીશ દેશમુખે જણાવ્યું હતું કે પ્રથમ દૃષ્ટિએ અકસ્માત ટેમ્પો ડ્રાઇવરની ભૂલને કારણે થયો હોય તેવું લાગે છે. જોકે પોલીસ દરેક પાસાની તપાસ કરી રહી છે અને તપાસ પૂર્ણ થયા પછી જ અકસ્માતનું સાચું કારણ જાણી શકાશે.
