ઘણીવાર એવું કહેવામાં આવે છે કે સત્ય થોડા સમય માટે દબાવી શકાય છે પણ તેને ક્યારેય કાયમ માટે છુપાવી શકાતું નથી. તાજેતરમાં અમદાવાદમાં બનેલી એક ઘટના આ કહેવતને વધુ મજબૂત બનાવે છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 34 વર્ષ પહેલાં થયેલા એક હત્યાના કેસનો ઉકેલ લાવ્યો છે. એક ગુનો જે ગુનેગારોને ખાતરી હતી કે તે કાયમ માટે દફનાવી દેવાયો છે. રસપ્રદ વાત એ છે કે આ હત્યાકાંડ ઉકેલવાનો શ્રેય કદાચ પોલીસ કરતાં ‘મૃતકના ભૂત’ને જાય છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 1992 માં હત્યા કરાયેલી મહિલાના હાડપિંજરના અવશેષો શોધી કાઢ્યા છે. અમદાવાદના કુતુબનગર વિસ્તારમાં બુધવારે કરવામાં આવેલા ખોદકામ બાદ દાયકાઓથી નિષ્ક્રિય રહેલી કેસ ફાઇલ ફરીથી ખોલવામાં આવી છે, જેનાથી આશા જાગી છે કે પીડિતાને આખરે ન્યાય મળશે. એવું માનવામાં આવે છે કે આ અવશેષો ફરઝાના ઉર્ફે શબનમના છે. મુંબઈની વતની ફરઝાના 34 વર્ષ પહેલાં તેના પ્રેમીને મળવા અમદાવાદ ગઈ હતી. ત્યારબાદ તે રહસ્યમય સંજોગોમાં ગાયબ થઈ ગઈ હતી.
પોલીસની તાજેતરની તપાસ મુજબ ફરઝાનાની તેના સંબંધ અંગેના વિવાદ બાદ હત્યા કરવામાં આવી હતી, કારણ કે તેની હાજરીથી તેના પ્રેમીના પરિવારમાં નોંધપાત્ર તણાવ પેદા થયો હતો. નામ ના આપવાની શરતે બોલતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “એવી શંકા છે કે શમસુદ્દીને તેના પોતાના ઘરની અંદર આવેલા કૂવામાં મૃતદેહને દાટી દીધો હતો, જેના કારણે ગુનો ત્રણ દાયકાથી વધુ સમય સુધી છુપાયેલો રહ્યો હતો. શમસુદ્દીનનું મૃત્યુ થયું છે. તે સમયે ફરઝાનાને ફક્ત ગુમ થયેલ વ્યક્તિ તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી અને તપાસ શરૂઆતમાં હત્યાની શક્યતા તરફ વળી ના હતી.”
Success Story: મહેસાણા ભાજપ કાર્યાલયમાં 28 વર્ષ ચા પીવડાવનાર રમેશભાઈ બન્યા કાઉન્સિલર, જાણો સંઘર્ષની કહાની
કેસ અંગે વિગતો આપતા ડીસીપી અજિત રાજિયાને જણાવ્યું હતું કે, “શમસુદ્દીનના ભાઈ, રિઝવાન અને અન્ય સંભવિત શંકાસ્પદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને હાલમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. અમે આરોપીઓના સંબંધીઓની પણ પૂછપરછ કરી રહ્યા છીએ જેમણે આ ઘટના જોઈ હશે.”
પોલીસના જણાવ્યા મુજબ, શમશુદ્દીનના પરિવારના સભ્યોએ ‘ફરઝાનાનું ભૂત’ જોવાનું શરૂ કર્યું ત્યારે આ કેસ અંગેના સંકેતો સામે આવ્યા. તેમને તેમના ઘરમાં કોઈ ભૂતિયા અસ્તિત્વની હાજરીની શંકા થવા લાગી, જેના કારણે તેઓ ભય અને માનસિક તકલીફમાં જીવવા લાગ્યા. એક અધિકારીએ જણાવ્યું, “ભૂતથી ગભરાઈને પરિવારના સભ્યોએ કાળા જાદુના સાધકોનો સંપર્ક કર્યો. આ વાતચીત દરમિયાન પરિવારે તેમના ઘરમાં થયેલી હત્યા અને લાશ છુપાવવાની કબૂલાત કરી. આ માહિતી આખરે પોલીસ સુધી પહોંચી.” ડીસીપીએ જણાવ્યું કે અવશેષો ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જો નમૂનાઓ મેચ થાય છે તો હત્યાનો કેસ નોંધવામાં આવશે.
