Yami Gautam Bollywood Outsider । યામી ગૌતમ એ પોતાની કરિયરના શરૂઆતના તબક્કામાં ઘણી વખત એવું અનુભવ્યું હતું કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્વીકારાયેલી નથી. બોલિવૂડમાં તેણીને ઘણી વખત પોતાને બહારની વ્યક્તિ જેવી લાગણી થઈ હતી. મનોવિજ્ઞાન મુજબ, ગ્રુપિઝમ, સમાનતા પૂર્વગ્રહ અને ‘અમે-તેઓ’ની માનસિકતા વ્યક્તિને બહારની વ્યક્તિ હોવાનો અનુભવ કરાવી શકે છે. જાણો આવી સ્થિતિનો સામનો કેવી રીતે કરવો.
ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે સામાન્ય કાર્યસ્થળ, દરેક જગ્યાએ કેટલાક લોકો એકબીજાની નજીક હોય છે અને પોતાનું અલગ વર્તુળ બનાવી લે છે. આવી સ્થિતિમાં બહારથી આવતી વ્યક્તિને ઘણી વખત એવું લાગી શકે છે કે તે બીજા લોકોની સરખામણીમાં પાછળ છે અથવા તેને સમાન તક મળતી નથી.
અભિનેત્રી યામી ગૌતમ એ પણ પોતાના અનુભવ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે બોલિવૂડમાં તેને ઘણી વખત એવું લાગ્યું હતું કે તે અહીંની નથી અને તેને સ્વીકારવામાં આવી રહી નથી. જોકે, તેમના અનુભવને માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી પૂરતો મર્યાદિત ન રાખી શકાય. મનોવિજ્ઞાન મુજબ આવી લાગણી કોઈપણ ક્ષેત્રમાં કામ કરતી વ્યક્તિને થઈ શકે છે.
યામી ગૌતમને કેમ લાગ્યું કે તે ‘આઉટસાઇડર’ છે?
યામી ગૌતમનો જન્મ બિલાસપુરમાં થયો હતો અને તેમનું બાળપણ ચંડીગઢમાં પસાર થયું હતું. બાળપણમાં પણ તે પોતાના દેખાવ અંગે અસુરક્ષિત અનુભવતી હતી. તેની આસપાસની અન્ય પંજાબી છોકરીઓની સરખામણીમાં પોતાનું શરીર અલગ લાગતું હોવાથી તેણે વજન વધારવા માટે વધુ ખાવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાદમાં તેને સમજાયું કે તેના શરીરની રચના સ્વાભાવિક રીતે જ પાતળી છે.
એક ઇન્ટરવ્યૂમાં Galatta Plus સાથેની વાતચીત દરમિયાન તેને પૂછવામાં આવ્યું હતું કે શું ક્યારેય તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવું લાગ્યું કે તેમનું સ્વાગત કરવામાં આવતું નથી?
તેણે જવાબ આપ્યો હતો કે હા, ઘણી વખત તેને આવી લાગણી થઈ હતી. તેના જણાવ્યા મુજબ, ઘણી વખત કોઈ વ્યક્તિ તમને સીધું કંઈ કહેતી નથી, પરંતુ તેના વર્તન અથવા એક નજરથી જ તમને સમજાઈ જાય છે કે તમે હજી તે વર્તુળનો ભાગ નથી.
યામીએ પોતાના પતિ આદિત્ય ધર (Aditya Dhar) અને પરિવારને પોતાની સૌથી મોટી તાકાત ગણાવ્યા હતા. તેમની માતા, બહેન અને પતિએ તેમને સતત ભાવનાત્મક ટેકો આપ્યો હોવાનું તેણે જણાવ્યું હતું.
કોઈ ગ્રુપમાં ‘બહારના હોવાની લાગણી’ કેમ થઇ શકે?
સંસ્થાકીય મનોવિજ્ઞાની ગુરલીન બરુઆહ (Gurleen Baruah) ના જણાવ્યા મુજબ, ગ્રુપ અને નાના વર્તુળો માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ નહીં, પરંતુ લગભગ દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. આ પાછળનું એક કારણ સમાનતા પૂર્વગ્રહ (Similarity Bias) હોઈ શકે છે. એટલે કે, માણસ ઘણી વખત એવા લોકો સાથે વધુ સરળતાથી જોડાય છે જે તેના જેવા દેખાય, વિચારે અથવા વર્તે.
આ ઉપરાંત, કોઈ જૂથમાં પોતાની અસર, સંપર્કો અથવા સ્થાન ગુમાવવાનો ભય પણ લોકોને પોતાના જેવા લોકોની આસપાસ રહેવા પ્રેરિત કરી શકે છે. આ રીતે કોઈ ક્ષેત્રમાં એક પ્રબળ જૂથ બની જાય ત્યારે તેની બહાર રહેલી વ્યક્તિને તક મળવામાં વિલંબ થઈ શકે છે અથવા તેને અવગણવામાં આવી રહી હોવાની લાગણી થઈ શકે છે.
હંમેશા ઈરાદાપૂર્વક ભેદભાવ હોય એવું જરૂરી નથી આ પ્રકારની સ્થિતિમાં સૌથી મહત્વની બાબત એ છે કે દરેક અવગણના પાછળ જાણી જોઈને કરવામાં આવતો ભેદભાવ હોય એવું જરૂરી નથી. ઘણી વખત લોકો અજાણતાં જ પોતાના પરિચિત અથવા વિશ્વાસપાત્ર લોકો તરફ વધુ વળે છે.
આ નિર્ણય પ્રક્રિયામાં ‘આપણા લોકો’ અને ‘બીજા લોકો’ વચ્ચેનો તફાવત ઊભો કરી શકે છે. આ જ કારણસર કોઈ વ્યક્તિને નવી જગ્યાએ પ્રવેશ મેળવવા માટે શરૂઆતમાં વધુ મહેનત કરવી પડી શકે છે.
આ પણ વાંચો । 16 કલાક ઉપવાસ કરતી, 8 કલાકમાં ભોજન લેતી, સમીરા રેડ્ડી ફિટનેસ સિક્રેટ
તો આવી સ્થિતિમાંથી બહાર કેવી રીતે આવવું?
નિષ્ણાત મુજબ, આવી સ્થિતિમાં માત્ર એ વિચારવું પૂરતું નથી કે ‘બીજાઓ મને સ્વીકારતા નથી’. તેના બદલે વ્યક્તિએ પોતાનું સ્થાન ધીમે ધીમે બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ.
1. સતત હાજર રહો
એકાદ વખત પ્રયાસ કર્યા પછી પરિણામ ન મળે તો પાછળ હટી જવાને બદલે સતત અને વિશ્વાસપૂર્વક કામ કરતા રહેવું જરૂરી છે. લોકો ઘણી વખત તમારી પ્રતિભા કરતાં પહેલાં તમારી વિશ્વાસપાત્રતા ઓળખે છે.
2. બીજાના કામમાં રસ દાખવો
સારા વ્યાવસાયિક સંબંધો માત્ર પોતાના ફાયદા માટે બનાવવામાં આવતા નથી. અન્ય લોકો શું કામ કરે છે, તેમની મુશ્કેલીઓ શું છે અને તેમની કુશળતા શું છે તે સમજવાનો પ્રયાસ સંબંધોને મજબૂત બનાવી શકે છે.
3. સહકાર આપો
દરેક તક માટે સ્પર્ધા કરવાને બદલે યોગ્ય જગ્યાએ અન્ય લોકોને સહયોગ આપવો પણ મહત્વપૂર્ણ છે. સહકારથી વિશ્વાસ ઊભો થાય છે અને ધીમે ધીમે પોતાનું વ્યાવસાયિક વર્તુળ બની શકે છે.
4. પોતાની ઓળખ જાળવો
કોઈ જૂથમાં સામેલ થવા માટે પોતાની વ્યક્તિગતતા અથવા મૂલ્યો સાથે સમાધાન કરવાની જરૂર નથી. નિષ્ણાતના જણાવ્યા મુજબ, લોકો લાંબા ગાળે તમારી પાર્ટીમાં હાજરી કરતાં તમારી પ્રામાણિકતા અને કામ કરવાની રીતને વધુ યાદ રાખે છે.
5. પોતાની કુશળતા સતત સુધારો
જો કોઈ ક્ષેત્રમાં શરૂઆતના દરવાજા સંપર્કો અથવા પરિવારની ઓળખના કારણે ઝડપથી ખુલે છે, તો લાંબા ગાળે કારકિર્દી જાળવી રાખવા માટે પ્રતિભા, વ્યાવસાયિકતા અને સતત મહેનત જરૂરી બને છે.
‘નેપોટિઝમ’ હોય તો બહારની વ્યક્તિ શું કરી શકે?
કેટલાક ક્ષેત્રોમાં પરિવાર અથવા જૂના સંપર્કો ધરાવતા લોકોને શરૂઆતમાં લાભ મળી શકે છે. તેને પરિવારવાદ (Nepotism) અથવા ‘ઇનસાઇડર કલ્ચર’ સાથે જોડવામાં આવે છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે બહારથી આવનાર વ્યક્તિ સફળ થઈ જ ન શકે.
ગુરલીન બરુઆહના જણાવ્યા મુજબ, બહારથી આવનાર લોકો પોતાની કુશળતા વધુ મજબૂત બનાવી, સતત કામ કરીને અને પોતાના સહયોગીઓનું વર્તુળ ઊભું કરીને પોતાની જગ્યા બનાવી શકે છે. મેન્ટર, સહકર્મી, સહયોગી અથવા પોતાના કામને પસંદ કરનારા લોકોનું નાનું પરંતુ મજબૂત નેટવર્ક પણ વ્યક્તિને લાંબા ગાળે આગળ વધવામાં મદદ કરી શકે છે.
આ પણ વાંચો । નખ કેમ ચાવીએ છીએ? આ બીમારીઓ થઈ શકે છે, જાણો આદત છોડવાની રીત
યામી ગૌતમની વાતમાંથી શું શીખી શકાય?
યામી ગૌતમનો અનુભવ માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત નથી. નવી કંપનીમાં જોડાયેલા કર્મચારીથી લઈને નવા શહેરમાં પોતાનો વ્યવસાય શરૂ કરનાર વ્યક્તિ સુધી, કોઈપણ વ્યક્તિને ક્યારેક એવું લાગી શકે છે કે તે અન્ય લોકોની સરખામણીમાં ‘બહારની’ છે.
આવી સ્થિતિમાં દરેક અસ્વીકારને પોતાની ક્ષમતાની નિષ્ફળતા માનવી યોગ્ય નથી. ઘણી વખત નવા વાતાવરણમાં વિશ્વાસ અને સંબંધો બનવામાં સમય લાગે છે. પોતાની કુશળતા સુધારવી, સતત દેખાતા રહેવું, સારા સંબંધો બનાવવું અને પોતાની ઓળખ જાળવી રાખવી. આ ચાર બાબતો લાંબા ગાળે સૌથી વધુ મહત્વની બની શકે છે.
યામી ગૌતમના કિસ્સામાં પણ પરિવાર અને પતિ તરફથી મળેલો ભાવનાત્મક ટેકો મહત્વપૂર્ણ રહ્યો. આ બતાવે છે કે કારકિર્દીમાં સફળતા મેળવવા માટે માત્ર વ્યાવસાયિક પ્રતિભા જ નહીં, પરંતુ યોગ્ય સહયોગી વર્તુળ અને ભાવનાત્મક મજબૂતી પણ મહત્વની છે.
આ પણ વાંચો । Relationship Cold Plunge શું છે? સંબંધમાં મુશ્કેલ વાતોથી ભાગવાને બદલે તેનો સામનો કેમ કરવો જોઈએ?
કોઈ ગ્રુપમાં તમને સ્થાન ન મળે તો તેનો અર્થ એ નથી કે તમારી કિંમત ઓછી છે. ક્યારેક પોતાની જગ્યા તૈયાર કરવામાં થોડો વધુ સમય લાગે છે. પરંતુ સતત સારા કામથી બનાવેલી ઓળખ લાંબા સમય સુધી ટકી શકે છે.
