Gujarat Native Physique Election 2026 : ગુજરાતમાં 26મી એપ્રિલને રવિવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થશે. મતદાનને લઇને રાજ્યભરમાં ઉત્સાહ છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.રાજ્યમાં કુલ 2.10 કરોડ પુરુષ મતદારો, 1.97 કરોડ સ્ત્રી મતદારો અને 848 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે લોકોને વધુમાં વધુ સંખ્યામાં બહાર આવીને મતદાન કરવાની અને લોકશાહીને મજબૂત બનાવવાની અપીલ કરી છે. 28 એપ્રિલને મંગળવારનો રોજ પરિણામ જાહેર થશે.
15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતમાં મતદાન
આ વખતે રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. 11 નગરપાલિકાઓની પેટા ચૂંટણી પણ યોજાશે. ચૂંટણીના કારણે રાજકીય ગરમાવો વધ્યો છે.
15 મહાનગરપાલિકામાં કુલ 261 વોર્ડ અને 1044 બેઠકો છે. જેમાંથી 43 બેઠકો બિનહરીફ થઇ છે. 84 નગરપાલિકાની 2624 બેઠકોમાંથી 385 બેઠકો બિનહરીફ છે. 34 જિલ્લા પંચાયતની 1090 બેઠકોમાંથી 52 બિનહરીફ છે અને 1038 બેઠકો પર મતદાન થશે. 260 તાલુકા પંચાયતની 5234 બેઠકોમાંથી 4976 બેઠકો પર મતદાન થશે. કુલ મળીને 25,537 ઉમેદવારો મેદાનમાં છે.
રાઘવ ચઢ્ઢા સહિત 6 સાંસદોએ પાર્ટી છોડતા ‘ગુજરાત મિશન’નું શું? હવે અરવિંદ કેજરીવાલ સામે મોટો પડકાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં મતદાન કરશે
કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ રવિવારે અમદાવાદમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. રવિવારે સવારે 11 વાગે નારણપુરા સબ ઝોનલ ઓફિસ, કામેશ્વર મહાદેવ પાસે, અંકુર ચાર રસ્તા, નારણપુરા ખાતે વોટ કરશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 10 વાગે શીલજ પ્રાથમિક શાળા, રૂમ નં-2, શીલજ, અમદાવાદ ખાતે મતદાન કરશે. ભાજપા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સવારે 8 કલાકે ઠક્કરબાપાનગર, અમદાવાદ ખાતે મતદાન કરશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સવારે 8 વાગે સેન્ટ્રલ સ્કૂલ, રૂમ નં-5, SVR કોલેજ સામે, ઈચ્છાનાથ, સુરત ખાતે મતદાન કરશે.
