Final Up to date:
સોશિયલ મીડિયાની ઝાકઝમાળ ભરેલી દુનિયા પાછળ કેટલું અંધારું હોઈ શકે છે, તેનો જીવંત અને ચોંકાવનારો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામના આભાસી મિત્રોના ભરોસે ઘર છોડી નીકળી ગયેલી BBAની એક વિદ્યાર્થિનીને જ્યારે વાસ્તવિકતાની ઠોકર લાગી, ત્યારે તેને સમજાયું કે લોહીના સંબંધોથી મોટું બીજું કંઈ નથી. સાળંગપુર દર્શનનું કહીને ગોવા જવું, ત્યાં નશો અને છેડતીનો ભોગ બનવું અને અંતે જે મિત્રો માટે ઘર છોડ્યું તેમણે જ મદદ કરવાની ના પાડી દેવી. આ આખી ઘટના આજના યુવાવર્ગ માટે એક મોટો બોધપાઠ છે.
સુરત: સોશિયલ મીડિયાની આભાસી દુનિયા કેટલી ભ્રામક બની શકે છે તેનો ચેતવનારો એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સખી વન સ્ટોપ સેન્ટર સુરતની ટીમે ખોટી સંગત અને સોશિયલ મીડિયાના પ્રભાવમાં આવી ઘર છોડીને નીકળી ગયેલી BBAની વિદ્યાર્થિનીને સમજાવી તેના માતા-પિતા સાથે પુનઃમિલન કરાવ્યું હતું. આ ઘટના નવી પેઢી માટે આંખ ઉઘાડનારો બોધપાઠ સમાન બની છે.
મળતી માહિતી મુજબ BBAના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી મુક્તિ (નામ બદલ્યું છે) પોતાના માતા-પિતાનું એકમાત્ર સંતાન છે. તેને સોશિયલ મીડિયા, ખાસ કરીને Instagramનો ભારે શોખ લાગ્યો હતો. અભ્યાસ કરતા વધુ સમય તે સોશિયલ મીડિયામાં વિતાવતી હતી. ઇન્સ્ટાગ્રામ પર બે યુવતીઓ અને ચાર યુવકો સાથે તેની મિત્રતા થઈ હતી અને સતત ચેટિંગમાં વ્યસ્ત રહેવા લાગી હતી. એટલું જ નહીં ફરવાની શોખીન મુક્તિ માતા-પિતાને જૂઠું બોલીને મિત્રો જોડે ફરવા જતી રહી હતી. મુક્તિએ માતા-પિતાને સાળંગપુર દર્શન કરવા જવાની વાત કરી હતી, જોકે ત્યાં ન જતાં તે ગોવા ગઈ હતી. ત્યાં મિત્રોની સાથે તેણે નશો પણ કર્યો હતો અને એક મિત્ર યુવક દ્વારા છેડતીનો અનુભવ પણ થયો હતો.

ઘરે પરત ફર્યા બાદ માતા-પિતાને દીકરી સાળંગપુર નહીં પરંતુ ગોવા ગઈ હોવાની જાણ થતાં તેઓએ તેને ઠપકો આપ્યો અને તેનો મોબાઈલ લઈ લીધો. જેના કારણે મુક્તિ ગુસ્સે થઈ ઘર છોડીને નીકળી ગઈ અને સોશિયલ મીડિયામાં મળેલા મિત્રો પર ભરોસો રાખી તેમની સાથે રહેવા લાગી. આ દરમિયાન સમગ્ર મામલો 181 અભયમ વુમન હેલ્પલાઇન મારફતે સખી વન સ્ટોપ સેન્ટર સુધી પહોંચ્યો હતો. સેન્ટરની ટીમે મુક્તિને સેન્ટરમાં લાવી ચાર દિવસ સુધી આશ્રય આપ્યો અને તેનું કાઉન્સેલિંગ કર્યું હતું.
કાઉન્સેલિંગ દરમિયાન સેન્ટરના સ્ટાફે સોશિયલ મીડિયામાં મુક્તિ સાથે મિત્રતા ધરાવતા લોકોને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાયદાકીય મુશ્કેલીમાં ન ફસાવા માટે સૌએ મુક્તિને ઓળખવાનો જ ઇનકાર કરી દીધો. આ સત્ય સામે આવતા મુક્તિને પોતાની ભૂલનો અનુભવ થયો અને તેણે માતા-પિતાની માફી માગી હતી. સેન્ટરના સ્ટાફે માત્ર મુક્તિને જ નહીં પરંતુ તેના માતા-પિતાને પણ સમજાવ્યું હતું કે સંતાનોને અતિશય લાડકોડ કરવાને બદલે તેમના અભ્યાસ સાથે વર્તન અને દૈનિક પ્રવૃત્તિઓ પર પણ નજર રાખવી જરૂરી છે. બાળકો પર આંધળો વિશ્વાસ રાખવાથી તેઓ સ્વચ્છંદ બની ખોટી સંગતમાં ફસાઈ શકે છે.
મુક્તિને સમજાવવામાં આવ્યું હતું કે સોશિયલ મીડિયાના આભાસી મિત્રો કરતાં માતા-પિતાનો નિઃસ્વાર્થ પ્રેમ જ સાચો હોય છે. ક્ષણિક મોજ-મજા અને ભૌતિક સુખ-સુવિધા જીવનનું સાચું ધ્યેય નથી. સમયસર સમજ આવે તો જીવન સુધરી શકે, નહીંતર વાસ્તવિકતા સમજાતાં ઘણી વાર મોડું થઈ જાય છે.
સાળંગપુરનું કહીને ગોવા પહોંચી ગઈ BBAની વિદ્યાર્થિની, ઇન્સ્ટાગ્રામના મિત્રોએ જરૂર પડી ત્યારે જે કર્યું તે જાણી ચોંકી જશો

