16,086 MW સ્થાપિત ક્ષમતા સાથે પવન ઊર્જામાં ગુજરાત દેશમાં નંબર-1, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે નવો કીર્તિમાન

16,086 MW સ્થાપિત ક્ષમતા સાથે પવન ઊર્જામાં ગુજરાત દેશમાં નંબર-1, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે નવો કીર્તિમાન

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


ગુજરાતે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે અગ્રણી રાજ્ય તરીકેની પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી છે. મિનિસ્ટ્રી ઑફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ગુજરાતે પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા અને વીજ ઉત્પાદન બંનેમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. 30 જૂન 2026ના આંકડા મુજબ ગુજરાતમાં પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા 16,086 મેગાવોટ સુધી પહોંચી છે, જે દેશના તમામ રાજ્યોમાં સર્વાધિક છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન રાજ્યએ પવન ઊર્જામાંથી 33,706 મિલિયન યુનિટ (MU) વીજ ઉત્પાદન કર્યું છે, જે દેશના કુલ પવન ઊર્જા ઉત્પાદનના લગભગ એક-તૃતીયાંશ જેટલું છે.

દેશમાં પવન ઊર્જાના વિકાસને નવી દિશા આપવામાં ગુજરાત અગ્રેસર રાજ્ય છે. ભારતની કુલ પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા 57,443 મેગાવોટ સુધી પહોંચી છે, જ્યારે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન તેનું વાર્ષિક વીજ ઉત્પાદન વધીને 106 અબજ યુનિટ થયું છે. આ રાષ્ટ્રીય સિદ્ધિમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે, જે ટકાઉ વિકાસ, ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા અને આબોહવા પરિવર્તનના પડકારોને પહોંચી વળવા માટે રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ભારતે પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા વર્ષ 2030 સુધીમાં દેશની 50 ટકા વીજળી નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતોમાંથી મેળવવાનો સંકલ્પ કર્યો છે. આ રાષ્ટ્રીય વિઝનને સાકાર કરવામાં ગુજરાતે પવન, સૌર અને રૂફટોપ સોલાર ઊર્જા ક્ષેત્રે દેશના અગ્રણી રાજ્ય તરીકે સ્થાન મેળવ્યું છે. રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ, રોકાણકારોને અનુકૂળ ઇકોસિસ્ટમ અને પ્રગતિશીલ નીતિઓના અસરકારક અમલના પરિણામે રાજ્ય આજે નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રે સતત નવા સીમાચિહ્નો સ્થાપિત કરી રહ્યું છે.

આ પણ વાંચો: ₹25 ના બિસ્કિટમાં 24 ગ્રામ ઓછું વજન નીકળતા કન્ઝ્યુમર કોર્ટે કંપની અને દુકાનદારને ફટકાર્યો ₹50,000 નો દંડ

ઉલ્લેખનીય છે કે, નવીનીકરણીય ઊર્જાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે વિવિધ યોજનાઓ અને નીતિગત સુધારાઓ અમલમાં મૂક્યા છે. ગ્રીન એનર્જી કોરિડોર યોજના હેઠળ નવી ટ્રાન્સમિશન લાઇનો અને સબસ્ટેશનોના વિકાસથી નવીનીકરણીય ઊર્જાના કાર્યક્ષમ વીજ પરિવહન માટેનું માળખું મજબૂત બન્યું છે. ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ (ISTS) ચાર્જમાં આપવામાં આવેલી રાહતથી રોકાણને પ્રોત્સાહન મળ્યું છે, જ્યારે ‘નેશનલ રીપાવરિંગ એન્ડ લાઇફ એક્સ્ટેન્શન પોલિસી ફોર વિન્ડ પાવર પ્રોજેક્ટ્સ-2023’ દ્વારા હાલના પવન ઊર્જા પ્રોજેક્ટ્સના આધુનિકીકરણને પ્રોત્સાહન મળ્યું છે. આ ઉપરાંત ‘ઓફશોર વિન્ડ એનર્જી લીઝ રૂલ્સ-2023’ અને ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ્સ માટેની વાયબિલિટી ગેપ ફંડિંગ યોજનાના અમલથી ઓફશોર વિન્ડ એનર્જી ક્ષેત્રના વિસ્તરણ માટે નવી તકો ઊભી થઈ છે.

કેન્દ્ર સરકારની આ નીતિઓના અસરકારક અમલ સાથે ગુજરાતે પવન ઊર્જાને રાજ્યના વીજ ગ્રીડમાં સફળતાપૂર્વક એકીકૃત કરી છે. એટલું જ નહીં ભારતમાં પવન ઊર્જા ક્ષેત્રે પ્રથમ પવન ઊર્જા નીતિ અમલમાં મૂકનાર રાજ્ય તરીકે આ ક્ષેત્રના વિકાસમાં અગ્રણી યોગદાન આપ્યું છે. ઇનોવેશનને પ્રોત્સાહન આપતી પહેલો અને રોકાણકારોને અનુકૂળ નીતિઓના પરિણામે રાજ્યમાં નવીનીકરણીય ઊર્જાના વિકાસ માટે મજબૂત ઇકોસિસ્ટમ વિકસી છે. તેના પરિણામે પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતામાં સતત વધારો થયો છે તેમજ વીજ ઉત્પાદનમાં પણ નવા કીર્તિમાનો સ્થાપિત થયા છે. નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે ગુજરાતનું મૉડલ અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ બન્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *