Final Up to date:
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાં તમામ પ્રકારની ગુનાખોરીને અંજામ આપતી ઓડિયા ગેંગને ઝડપી પાડવામાં આવી છે. ગુજસીટોકનો ગુનો દાખલ કરીને કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટ: શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે ગુનાખોરીને અંજામ આપનારી વધુ એક ટોળકી વિરુદ્ધ ગુજસીટોક નામનું શસ્ત્ર ઉગામ્યું છે. શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સક્રિય ઓડિયા ગેંગના 10 જેટલા સભ્યો વિરુદ્ધ ગુજસીટોક અંતર્ગત ગુનો દાખલ કરી નવ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ ગેંગ લીડર અવેશ ઓડિયાનો ભાવનગર જેલ ખાતેથી કબજો મેળવીને તેની ધરપકડ કરવામાં આવશે.
સમગ્ર મામલે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી અવેશ ઓડિયા ગુનાહિત પ્રવૃત્તિ ચલાવવા માટે પોતાના ગુનેગાર સાગરીતો સાથે મળીને ઓર્ગેનાઇઝ સિન્ડિકેટ ચલાવતો હતો. જે સિન્ડિકેટ ઓડિયા ગેંગ તરીકે ઓળખાય છે. ઓડિયા ગેંગ દ્વારા વર્ષ 2016 થી 2025 દરમિયાન પોતાની ધાક ઊભી કરવા માટે પ્રાણઘાતક હથિયારોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
આ ગેંગ દ્વારા હત્યા, હત્યાનો પ્રયાસ, ગંભીર ઇજાઓ પહોંચાડવી, ગેરકાયદેસર પ્રવેશ કરી અપહરણ કરવું, લૂંટ કરવી, ગેરકાયદેસર મંડળી રચી હુમલાઓ કરવા, સરકારી અધિકારીઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી તેમના ઉપર હુમલો કરવો તેમજ એટ્રોસિટી અને ગેરકાયદેસર હથિયારો મેળવી તેનો ઉપયોગ કરવા સહિતના ગુના આચરવામાં આવી રહ્યા હતા. છેલ્લા દસ વર્ષમાં ઓડિયા ગેંગના સભ્યો દ્વારા 15 જેટલા ગંભીર પ્રકારના ગુનાને અંજામ આપવામાં આવ્યો છે.
હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અરબાઝ રાઉમા, સબ્બીર ઉર્ફે બોદુ ઓડિયા, ઇમ્તિયાઝ ઓડિયા, નયન દાફડા, આબિદ ઓડિયા, અનીશ ઓડિયા, અબ્દુલ દલ, શાહિદ ઓડિયા, મીત પરમાર સહિતના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓ નવા થોરાળા વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે.
છેલ્લા દસ વર્ષમાં અવેશ ઓડિયા વિરુદ્ધ આઠ ગુના, અરબાઝ રાઉમા વિરુદ્ધ ચાર ગુના, સબ્બીર ઉર્ફે બોદુ વિરુદ્ધ પાંચ ગુના, ઇમ્તિયાઝ ઓડિયા વિરુદ્ધ ચાર ગુના, નયન દાફડા વિરુદ્ધ ચાર ગુના, આબિદ ઓડિયા વિરુદ્ધ ત્રણ ગુના, અનીશ ઓડિયા વિરુદ્ધ ત્રણ ગુના, અબ્દુલ દલ વિરુદ્ધ બે ગુના, શાહિદ ઓડિયા વિરુદ્ધ બે ગુના તેમજ મીત પરમાર વિરુદ્ધ ત્રણ ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે તપાસ દરમિયાન આરોપીઓ દ્વારા ગેરકાયદેસર વસાવવામાં આવેલ મિલકત ટાંચમાં લેવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે.
Jan 20, 2026 10:15 PM IST

