Pakistan Khyber Pakhtunkhwa Bus Accident : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં શુક્રવારે એક બસ ખીણમાં ખાબકતાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા હતા. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં આઠ લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા.
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે બસ બલુચિસ્તાનની રાજધાની ક્વેટાથી પેશાવર જઈ રહી હતી. બસ ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાંથી પસાર થઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને ડ્રાઇવરે વળાંક લેતી વખતે વાહન પર કાબુ ગુમાવ્યુ હશે, જેના કારણે બસ લપસીને ખીણમાં પડી ગઈ હતી. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
અકસ્માત સમયે બસમાં કુલ 48 મુસાફરો સવાર હતા
બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીના સહયોગી શાહિદ રિંદે જણાવ્યું હતું કે પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે 40 લોકો માર્યા ગયા છે અને આઠ ઇજાગ્રસ્ત થયા છે. તેમણે કહ્યું કે બંને પ્રાંતોના જિલ્લા વહીવટીતંત્ર, બચાવ ટીમો અને સંબંધિત વિભાગો બચાવ કામગીરીમાં રોકાયેલા છે. 1122 રેસ્ક્યુ ટીમ અનુસાર અકસ્માત સમયે બસમાં કુલ 48 મુસાફરો સવાર હતા.
ડોન અખબારે અહેવાલ આપ્યો છે કે જ્યારે બસ ક્વેટાથી રવાના થઈ ત્યારે બસમાં 36 મુસાફરો હતા. બાકીના મુસાફરો બસમાં અધવચ્ચેથી બેઠા હતા. શેરાની જિલ્લાના ડેપ્યુટી કમિશનર વલી ખાન કાકડે જણાવ્યું હતું કે મૃતકો અને ઘાયલોની ઓળખ કરવામાં આવી રહી છે.
પીએમ મોદીએ જાપાનના પીએમ તાકાઇચી સાથે રક્ષા સમજુતી પર કરી વાતચીત, તકનીકી સહયોગ ઉપર પણ ભાર
તમને જણાવી દઇએ કે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના પર્વતીય પ્રદેશમાં મુશ્કેલ અને ખરાબ રસ્તાઓ, વાહનોની ખરાબ સ્થિતિ, ખરાબ હવામાન, ટ્રાફિક નિયમોનું પાલન ન કરવું અને અયોગ્ય ડ્રાઇવરોને કારણે આવા અકસ્માતો વારંવાર થાય છે.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો અને અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવા નિર્દેશ કર્યો હતો. તેમણે કહ્યું કે આખો દેશ આ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા અને ઘાયલ થયેલા લોકોના પરિવારો સાથે ઉભો છે.
