Immediate Mithai Recipe : તહેવાર દરમિયાન, માત્ર બજારોમાં જ નહીં પરંતુ ઘરોમાં પણ એક અલગ જ ચમક જોવા મળે છે. ઘરની સફાઈ અને સજાવટની સાથે સાથે મીઠાઈ બનાવવાનું કામ પણ શરૂ થઈ જાય છે. તહેવારમાં કેટલાક લોકો બજારમાંથી મીઠાઈ ખરીદે છે, તો અમુક ઘરે બનાવવાનું પસંદ કરે છે. જેની તૈયારીઓ અગાઉથી શરૂ થઈ જાય છે.
જો આ વખતે દિવાળી માટે જાતે જ મીઠાઈ બનાવવી હોય તો તમે કંઈક અલગ કરી શકો છો. જો તમે મોહનથાળ, ગુલાબ જાંબુ, રસગુલ્લા, બરફી અથવા લાડુ ખાઇને કંટાળી ગયા છો, તો આ વખતે કાજુ મિલ્ક પેડા બનાવી શકો છો.
આ મીઠાઈ કાજુ અને દૂધના પાવડર માંથી ઘરે સરળતાથી બનાવી શકાય છે. ખાસ વાત એ છે કે આ મીઠાઇ બનાવવામાં વધુ સમય લાગશે નહીં. જો તમે દિવાળીના અન્ય કામોમાં વ્યસ્ત છો અને તમારી પાસે મીઠાઈ બનાવવાનો સમય નથી, તો તમે દિવાળીના એક બે દિવસ પહેલા પણ બનાવીને મૂકી શકો છો. ચાલો જાણીએ કાજુ મિલ્ક પેંડા બનાવવાની સરળ રીત.
પેંડા બનાવવા માટે સામગ્રી
- કાજુ : 1/2 કપ
- દૂધનો પાવડર : દોઢ કપ
- ખાંડ : 1/2 કપ
- દૂધ : 1/2 કપ
- ઘી : 1 ચમચી
- લીલી એલચી : 2
- પિસ્તા : સજાવટ માટે
કાજુ દૂધના પેંડા કેવી રીતે બનાવવા?
સૌ પ્રથમ એક મિક્સર જારમાં અડધો કપ કાજુ, અડધો કપ ખાંડ અને બે લીલી એલચી ઉમેરી સારી રીતે પીસી લો. ખાંડ ઉમેરવાથી કાજુ સારી રીતે પીસશે અને એલચી સારો સ્વાદ લાવશે. એક સરસ મિશ્રણ બનાવ્યા પછી, તેને એક બાઉલમાં કાઢી લો.
હવે તેમાં દૂધનો પાવડર ઉમેરો. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. દૂધ ઉમેરતા પહેલા તેને ગરમ કરીને ઠંડુ કરો. તેનું સુંવાળું મિશ્રણ તૈયાર કરો. હવે નોન સ્ટીક પેનમાં એક ચમચી ઘી ઉમેરો. હવે તેમાં મિશ્રણ ઉમેરો અને ગેસની આંચ ધીમી રાખો. ચમચી વડે મિશ્રણને સતત હલાવતા રહો. જો તેને સતત હલાવવામાં ન આવે તો મિશ્રણ તળિયે ચોંટી શકે છે. તેથી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહો.
તમે આ મીઠાઇમાં માવાનો પણ ઉપયોગ કરી શકો છો. જ્યારે મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે ગેસ બંધ કરી દો. તેને ચેક કરવા માટે હાથમાં થોડું મિશ્રણ લો. જો તે આંગળી પર ચોંટી રહ્યું નથી, તો તેનો અર્થ એ છે કે તે બરાબર રંધાઇ ગયું છે.
આ પણ વાંચો | દશેરા પર ફાફડા ઘરે બનાવો, પાપડ જેવા પાતળા બનાવવા માટે સિક્રેટ ટીપ્સ
હવે આ મિશ્રણને થોડું ઠંડુ થવા દો જેથી પેંડા તૈયાર કરવામાં સરળતા રહે. તેને સંપૂર્ણપણે ઠંડું ન થવા દો, જ્યારે તે સહેજ નવશેકું હોય ત્યારે તેના પેડા બનાવી લો. ગોળ રીંગ કે સાંચા વડે પેંડા તૈયાર કરો. હવે તેને ગાર્નિશ કરવા માટે તેની ઉપર પિસ્તાના ટુકડા મૂકો. પેંડા પર ડિઝાઇન બનાવવા માટે બજારમાં ઉપલબ્ધ પેંડા મોલ્ડનો ઉપયોગ કરો, જે પેંડાની ટોચ પર સરળતાથી ડિઝાઇન બનાવશે. આ રીતે, બજારના ભેળસેળ વાળા પેંડાના બદલે ઘરે જ શુદ્ધ પેંડા બનાવી શકાય છે.
