Final Up to date:
રાજ્યમાં ગેરકાયદેસર વ્હાઇટ LED અને HID લાઈટો સામે વાહન વ્યવહાર વિભાગે કડક ઝુંબેશ શરૂ કરી, અમદાવાદ, વડોદરા, સુરત સહિત શહેરોમાં દંડ અને લાઈટ દૂર કરવાની કાર્યવાહી.
ગાંધીનગર: રાજ્યમાં વધતા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતી અત્યંત તેજસ્વી વ્હાઇટ LED અને HID લાઈટો સામે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે કડક વલણ અપનાવ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના મહાનગરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારની લાઈટોને કારણે અકસ્માતોના કેસ વધતા હોવાથી હવે ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા રાજ્યના તમામ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીઓ (ARTO) અને સંબંધિત કચેરીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે વાહનમાં કંપની દ્વારા ફિટ કરેલી લાઈટમાં ગેરકાયદેસર ફેરફાર કરીને લગાવવામાં આવેલી વ્હાઇટ LED અથવા HID લાઈટ સામે તાત્કાલિક કાર્યવાહી કરવી. મોટર વાહન અધિનિયમ મુજબ નિર્ધારિત વોટથી વધુ પાવરની અથવા અન્ય વાહનચાલકોને અસુવિધા પહોંચાડે તેવી લાઈટ લગાવવી ગુનાહિત કૃત્ય ગણાય છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી થયેલા માર્ગ અકસ્માતોના વિશ્લેષણમાં સામે આવ્યું છે કે, સામેથી આવતા વાહનની અત્યંત તેજસ્વી સફેદ લાઈટના કારણે વાહનચાલકની આંખો થોડી ક્ષણો માટે અંજાઈ જાય છે. આ ‘મોમેન્ટરી બ્લાઈન્ડનેસ’ જેવી સ્થિતિ ગંભીર અકસ્માતોનું મુખ્ય કારણ બની રહી છે, ખાસ કરીને રાત્રિના સમયે હાઈવે અને શહેરના મુખ્ય માર્ગો પર.
આ ઝુંબેશ અંતર્ગત આગામી દિવસોમાં શહેરોના મુખ્ય સર્કલો, વ્યસ્ત રોડ અને રાજ્યના હાઈવે પર સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે. તપાસ દરમિયાન જે વાહનમાં અનઅધિકૃત LED, HID અથવા એક્સ્ટ્રા ફેન્સી લાઈટ મળી આવશે, તેમને સ્થળ પર જ મેમો ફટકારી દંડ વસૂલવામાં આવશે. સાથે જ ગેરકાયદેસર રીતે લગાવેલી લાઈટો તાત્કાલિક દૂર કરાવવામાં આવશે.
વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે વધુ કડક કાર્યવાહી કરવાની પણ તૈયારી છે. આવા કેસોમાં સંબંધિત આરટીઓને ડ્રાઈવિંગ લાયસન્સ ત્રણ મહિના સુધી સસ્પેન્ડ કરવાની ભલામણ કરવામાં આવશે. ખાસ કરીને ટુ-વ્હીલર અને લક્ઝરી કારોમાં વધારાની તેજસ્વી લાઈટો લગાવવાનો વધતો ક્રેઝ અન્ય વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે.
વાહન વ્યવહાર વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના વાહનમાં કંપની ફિટેડ લાઈટિંગ સિસ્ટમમાં કોઈપણ પ્રકારનો ગેરકાયદેસર ફેરફાર ન કરે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ દંડ વસૂલવાનો નહીં પરંતુ માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો લાવવાનો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023 દરમિયાન પણ આ મુદ્દે અનેક વખત સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ અમલ નબળો રહેતા અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર અને ભાવનગર જેવા મહાનગરોમાં આજે પણ મોટા પ્રમાણમાં મોડિફાઈડ વ્હાઇટ LED લાઈટ ધરાવતા વાહનો જોવા મળે છે. હવે સરકાર દ્વારા કડક અમલની તૈયારી સાથે આ મુદ્દે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે.
Ahmedabad,Gujarat

