અમદાવાદના લાલ દરવાજા સ્થિત બહુમાળી બિલ્ડીંગ ખાતે આવેલી સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કચેરી (ઘટક-6) ખાતે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા એક સફળ ટ્રેપ ગોઠવીને બે સરકારી અધિકારીઓને ₹25,000ની લાંચ લેતા રંગેહાથ પકડી પાડવામાં આવ્યા છે.
ગુજરાત એ.સી.બી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અમદાવાદમાં એર કોમ્પ્રેસરના સેલ્સ અને સર્વિસનો વ્યવસાય કરતી કંપની “યુનિક કોમ્પ્રેસર ટેકનોલોજી”ના માલિક નિયમિતપણે કંપનીનું ત્રિમાસિક GST રિટર્ન ફાઈલ કરતા હતા. પરંતુ આર્થિક તંગીના કારણે તેઓ એપ્રિલ 2026 થી જૂન 2026 સુધીનું રિટર્ન અને ટેક્સ ભરી શક્યા ન હતા. જેના પગલે રાજ્ય વેરા કમિશ્નરશ્રીની કચેરી દ્વારા તેમની કંપની તથા સેવિંગ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા.
બેંક એકાઉન્ટ ફ્રીઝ થતાં વેપારીએ કચેરીનો સંપર્ક કર્યો હતો. ત્યાં રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ-3) મોહમંદ અઝીઝ કાદરખાન મન્સુરીએ સ્ટેટ ટેક્ષ ઓફીસર (વર્ગ-2) કમલેશકુમાર બાબુજી ઠાકોર સાથે વાતચીત કરીને બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરી આપવાના બદલામાં ₹25,000ની લાંચની માંગણી કરી હતી.
આ પણ વાંચો: 15મી ઓગસ્ટ નિમિત્તે ગુજરાતના 19 પોલીસ જવાનોને રાષ્ટ્રપતિ મેડલ જાહેર, જુઓ વિજેતાઓનું સંપૂર્ણ લિસ્ટ ફોટો સાથે
ACBએ છટકું ગોઠવ્યું
વેપારી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે ખેડા ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. જે આધારે ACB ટીમે તા. 14/08/2026ના રોજ લાલ દરવાજા બહુમાળી બિલ્ડીંગ સ્થિત સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન બંને આક્ષેપિત અધિકારીઓએ ફરિયાદી પાસેથી રૂ. 25,000ની લાંચ સ્વીકારતા જ ACBની ટીમે તેમને સ્થળ પરથી ઝડપી લીધા હતા અને લાંચની રકમ પણ જપ્ત કરી લીધી હતી.
