Abhishek Sharma : ભારતીય ઓપનર અભિષેક શર્મા તેની આક્રમક બેટીંગ માટે જાણીતો છે, પણ તેની બેટીંગ માત્ર સહજ શૈલી અને મોટા શોટ ફટકારવાની ક્ષમતા નથી. અભિષેક શર્મા મેદાનમાં ઉતરતા પહેલા એ પણ વિચારે છે કે વિરોધી બોલરો તેની સામે કઈ રણનીતિ અપનાવી શકે છે અને તેને કેવી રીતે જવાબ આપવાનો છે.
ઈન્દોરમાં રમાયેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 30 બોલમાં 69 રન ફટકાર્યા બાદ અભિષેક શર્માએ તેની તૈયારીનો આ ખાસ પાસું જાહેર કર્યું હતું.
પોતાને તૈયાર કરવો જરૂરી છે: અભિષેક શર્મા
અભિષેક શર્માએ જણાવ્યું કે પાવરપ્લેનો મહત્તમ લાભ લેવા માટે બોલરોની યોજના સમજવી અને પ્રેક્ટિસ દરમિયાન મુશ્કેલ પરિસ્થિતિઓ માટે પોતાને તૈયાર કરવું કેટલું મહત્વનું છે. અભિષેક શર્માની વિચારસરણી ઈન્દોરમાં સ્પષ્ટપણે જોવા મળી હતી. અભિષેક શર્માએ 18 બોલમાં અડધી સદી પુરી કરી હતી.
અભિષેક શર્માની તાજેતરની ઈનિંગે બતાવી દીધું કે જ્યારે તે લયમાં હોય ત્યારે તે શું કરી શકે છે. મેચ પછીના તેના શબ્દોએ તેની આક્રમક રમત પાછળની સખત મહેનતની ઝલક આપી હતી.
અભિષેક શર્માએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તૈયારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો મારે ટીમની અપેક્ષા મુજબ બેટીંગ જારી રાખવી હોય અને પાવરપ્લેનો ફાયદો ઉઠાવવો હોય તો તૈયારી મહત્વની છે.
વિરોધી બોલરોને ધ્યાનમાં રાખીને તૈયારી કરું છું: અભિષેક શર્મા
અભિષેક શર્માએ કહ્યું કે હું જે ટીમ સામે રમવા જઈ રહ્યો છું તો તે બોલરોને ધ્યાનમાં રાખીને તૈયારી કરું છું. મારી પાસે એક અઠવાડિયાનો સમય હોય કે થોડા દિવસો કે માત્ર બે-ત્રણ દિવસનો સમય હોય, મારી તૈયારી હંમેશા એ બાબતે જ રહેતી રહે છે કે કયો બોલર મારી સામે કઇ રણનીતિ અપનાવી શકે છે અને હું મારા પ્લાનને કેવી રીતે અમલમાં મૂકી શકું અને તેના પર પ્રભુત્વ મેળવી શકું. આ રીતે હું હંમેશાં તૈયારી કરું છું.
અભિષેક શર્માની તૈયારીનો અર્થ એ પણ છે કે જ્યારે બોલરો તેના મનપસંદ શોટ રમવાની શક્યતાઓ ઘટાડવાનો પ્રયાસ કરે છે ત્યારે પરિસ્થિતિઓ માટે પોતાને તૈયાર કરવો. તે મેચમાં પહેલી વખત આવા પડકારનો સામનો કરવાને બદલે પ્રેક્ટિસ દરમિયાન તેની તૈયારી કરવા માગે છે.
249 રન ડિફેન્ડ ના કરી શકતા ભારતીય ટીમ પર ભડક્યો આ પૂર્વ ક્રિકેટર, કહ્યું – આપણી બોલિંગમાં ક્વોલિટી નથી
અભિષેક શર્માએ કહ્યું કે આ મારા માટે ખૂબ જ અંગત મામલો છે. આક્રમક બેટ્સમેન તરીકે જ્યારે તમારે વિશ્વના શ્રેષ્ઠ બોલરોનો સામનો કરવો પડે છે ત્યારે તમારે તેમની તમામ રણનીતિ માટે તૈયાર રહેવું પડશે. અભિષેક શર્માએ કહ્યું કે આ બધુ મારી તૈયારી પર નિર્ભર છે. હું પ્રેક્ટિસ દરમિયાન મારી જાતને એવી પરિસ્થિતિઓમાં મૂકવા માંગુ છું કે જ્યાં મને થોડી મુશ્કેલી પડે જેથી મેચમાં અચાનક કંઇક નવું જોઈને મને આશ્ચર્ય ના થાય.
અભિષેક શર્માએ કહ્યું કે પ્રેક્ટિસ અને ટ્રેનિંગ દરમિયાન મેં જાણી જોઈને મારી જાતને આવી સ્થિતિમાં મૂકી દીધી હતી જેથી જ્યારે બોલર કે વિરોધી ટીમ મેચમાં મારી વિરુદ્ધ સમાન રણનીતિ અપનાવે ત્યારે હું તેના માટે તૈયાર છું.
અભિષેક શર્માએ રવિવારે ઇન્દોરમાં લેગ સાઇડ પર આક્રમક શોટ્સ રમવા પર આધાર રાખવાને બદલે ઓફ સ્ટમ્પની બહાર ખાલી જગ્યા શોધીને રન બનાવ્યા હતા.
ફિલ્ડરો મેદાન પર ક્યાં છે તેનું પણ ધ્યાન અભિષેક શર્મા રાખે છે
અભિષેક શર્માએ કહ્યું કે ફિલ્ડરોને મેદાન પર ક્યાં રાખવામાં આવ્યા છે તેના પર આ ઘણું નિર્ભર છે. હું જાણી જોઈને આવા શોટ રમવાનો પ્રયાસ કરતો નથી. જ્યારે હું ફિલ્ડિંગ પોઝિશન જોઉં છું અને મને જગ્યા મળે છે ત્યારે હું તે મુજબ શોટ રમું છું.
ઓફ સ્પિનર રોસ્ટન ચેઝે છેલ્લી બે મેચમાં અભિષેક શર્માને આઉટ કર્યો હતો પણ ભારતીય બેટ્સમેને વધુ સારી વ્યુહરચના સાથે ઈન્દોરમાં તેની સામે બેટીંગ કરી હતી. અભિષેક શર્માએ વિકેટની બંને બાજુ રન બનાવવાની તકો શોધી હતી. આ કારણે રોસ્ટન ચેઝ માટે સમાન લાઈન અને લેન્થ પર બોલિંગ કરવી મુશ્કેલ બની હતી.
મોટી ઈનિંગ રમવાની પોતાની રીત વિશે વાત કરતાં અભિષેક શર્માએ કહ્યું કે તેનું લક્ષ્ય માત્ર સિક્સર ફટકારવાનું નથી, પણ એક ઓવરમાં શક્ય તેટલા રન બનાવીને વિરોધી ટીમ પર દબાણ લાવવાનું છે.
