મણિપુરમાં પરિસ્થિતિ ફરી એકવાર કાબૂ બહાર જતી જણાય છે. ત્રણ વર્ષ પહેલાં શરૂ થયેલી વંશીય હિંસા સાથે સંકળાયેલી ઘટનાઓ ફરી સામે આવી છે. છેલ્લા બે દિવસમાં રાજ્યમાં દસ લોકોના મોત થયા છે. નાગા અને કુકી સમુદાયો વચ્ચે ચાલી રહેલા વંશીય સંઘર્ષ દરમિયાન શુક્રવાર અને શનિવારે આ મૃત્યુ થયા હતા. વધતા તણાવને કારણે કાંગપોકપી અને કામજોંગ જિલ્લામાં 24 કલાકનો કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. બજારો બંધ કરી દેવામાં આવ્યા હતા અને હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન નાગા સિવિલ સોસાયટીના એક સંગઠને સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. તેઓ મણિપુરના કાંગપોકપી જિલ્લામાં સશસ્ત્ર જૂથો દ્વારા કથિત રીતે માર્યા ગયેલા એક વ્યક્તિના કપાયેલા માથાને પાછું લાવવાની માંગ કરી રહ્યા છે.
‘માથું પાછું ન મળે ત્યાં સુધી પોસ્ટમોર્ટમ નહીં’
કાંગપોકપી જિલ્લામાં 52 વર્ષીય અજિનબોઉ આર (Ajinbou R) ની હત્યા બાદ શનિવારે તેમનો માથા વગરનો મૃતદેહ મળી આવ્યો હતો. નાગા સંગઠન ‘જોઇન્ટ ટ્રાઇબ્સ કાઉન્સિલ મણિપુર’ એ કેન્દ્ર અને રાજ્ય સરકારોને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે અને જણાવ્યું છે કે જ્યાં સુધી માથું પાછું ન મળે ત્યાં સુધી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા થવા દેવામાં આવશે નહીં.
વાયરલ વીડિયોમાં અજિનબોઉનું માથું જોવા મળ્યું
સમાચાર એજન્સી પીટીઆઈ (PTI) અનુસાર, અજિનબોઉનો માથા વગરનો મૃતદેહ શનિવારે મળી આવ્યો હતો. કાંગપોકપી જિલ્લાના માકુઈ અશાંગ ગામમાં શંકાસ્પદ ઉગ્રવાદી હુમલામાં તેમની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. રવિવારે રાત્રે પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ઇમ્ફાલની જવાહરલાલ નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં લાવવામાં આવ્યો હતો. શનિવારે એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કેમફ્લેજ ગિયર (લશ્કરી પોશાક) પહેરેલા ભારે હથિયારોથી સજ્જ ઉગ્રવાદીઓની વચ્ચે અજિનબોઉનું માથું જોવા મળ્યું હતું.
આ પણ વાંચો: ગાંધીનગરમાં જિગ્નેશ મેવાણી સામે FIR, પેથાપુર પોલીસ સ્ટેશનમાં હંગામો અને સરકારી કામમાં અડચણનો આક્ષેપ
‘ઉગ્રવાદીઓ તેના માથાનો ઉપયોગ ટ્રોફીની જેમ કરી રહ્યા છે’
આ વીડિયો સામે આવ્યા બાદ ‘જોઇન્ટ ટ્રાઇબ્સ કાઉન્સિલ ઓફ મણિપુર’ એ રવિવારે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે અજિનબોઉનું માથું હજુ પણ ગુમ છે. જ્યાં સુધી તેમના માથાને સન્માનજનક અંતિમ સંસ્કાર માટે પરિવારને પાછું સોંપવામાં ન આવે ત્યાં સુધી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે નહીં. અમે સરકારી તંત્રને તેમના માથાને વધુ નુકસાન પહોંચાડવા દઈશું નહીં, જ્યારે ઉગ્રવાદીઓ તેનો ઉપયોગ ટ્રોફીની જેમ કરી રહ્યા છે.
48 કલાકનું અલ્ટીમેટમ
કાપવામાં આવેલું માથું શોધી કાઢવા અને પરત લાવવા માટે કાઉન્સિલે “સમજોતાની કોઈ શક્યતા વિનાનું 48 કલાકનું અલ્ટીમેટમ” જાહેર કર્યું હતું અને ચેતવણી આપી હતી કે તેમ કરવામાં નિષ્ફળતા મળ્યે ન્યાય સુનિશ્ચિત કરવા માટે “સૌથી કડક પગલાં” લેવામાં આવશે. શુક્રવાર અને શનિવારે મણિપુરના કામજોંગ, ઉખરુલ અને કાંગપોકપી જિલ્લાઓમાં ગોળીબારની અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયાં હતાં.
