કેપ્ટન સ્મિત મચ્છર: હિંમત અને ફરજની પ્રેરણાદાયી કહાની

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Captain Smit Machchhar | આકાશમાં હજારો ફૂટની ઊંચાઈએ અચાનક જીવન અને મૃત્યુ વચ્ચેની પાતળી રેખા ઊભી થઈ જાય અને એ ક્ષણે માણસ પોતાની જાતને નહીં, પરંતુ બીજા 174 લોકોના જીવનને પ્રાથમિકતા આપે ત્યારે એ માત્ર વ્યાવસાયિક ફરજ રહેતી નથી, તે માનવ હિંમતનું ઉદાહરણ બની જાય છે. ફ્લાયદુબઈની FZ1073 ફ્લાઇટમાં કેપ્ટન સ્મિત મચ્છરે જે કર્યું તેની ચર્ચા આજે માત્ર ભારતમાં નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહી છે. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કોકપિટનો દરવાજો ખોલવામાં તેમની ભૂમિકા નિર્ણાયક રહી અને આખરે વિમાનને સુરક્ષિત રીતે સાઉદી અરેબિયાના તબુક તરફ વાળવામાં આવ્યું.

29 સેકન્ડમાં હજારો ફૂટ નીચે આવ્યું વિમાન

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઇટમાં કોકપિટની અંદર થયેલી ઘટનાની સંપૂર્ણ હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થશે. જોકે હાલ ઉપલબ્ધ અહેવાલો અનુસાર, સહ-પાયલટ સાથેની અથડામણ દરમિયાન કેપ્ટન સ્મિત મચ્છર ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દરમિયાન વિમાનની ઊંચાઈમાં અચાનક મોટો ઘટાડો નોંધાયો હતો અને મુસાફરોમાં અફરાતફરી મચી હતી.

ફ્લાઇટનું અંતિમ ગંતવ્ય તેલ અવીવ હતું, પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિમાનને સાઉદી અરેબિયાના તબુક તરફ વાળવામાં આવ્યું. અન્ય ક્રૂ સભ્યો અને મુસાફરોએ પણ પરિસ્થિતિને કાબૂમાં લેવામાં ભૂમિકા ભજવી અને વિમાનનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.

આ સમગ્ર ઘટનામાં એક બાબત ખાસ નોંધપાત્ર છે કે કેપ્ટન સ્મિત મચ્છર પોતે ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કોકપિટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યા. ત્યારબાદ અન્ય લોકો કોકપિટમાં પ્રવેશી શક્યા અને હુમલો કરનારને કાબૂમાં લેવામાં મદદ મળી.

સ્મિતની હિંમતને દુનિયાની સલામ

સંકટની આ ઘડીમાં કેપ્ટન સ્મિત મચ્છરે બતાવેલી હિંમતની પ્રશંસા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વના ટોચના નેતાઓએ પણ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેપ્ટન સ્મિતની બહાદુરી અને ધૈર્યને બિરદાવતાં કહ્યું કે અત્યંત જોખમી પરિસ્થિતિમાં ગંભીર રીતે ઘાયલ હોવા છતાં તેમણે અન્ય લોકોના જીવ બચાવવા માટે અસાધારણ હિંમત દર્શાવી છે.

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ ભારતીય પાયલટને ‘હીરો’ ગણાવી તેમની બહાદુરી બદલ આભાર વ્યક્ત કર્યો.

આ પ્રશંસા માત્ર એક વ્યક્તિના શૌર્યની નોંધ નથી. પરંતુ તે એ વાતની પણ યાદ અપાવે છે કે કોઈપણ વ્યવસાયમાં તાલીમ, અનુભવ અને જવાબદારીનું સાચું મૂલ્ય ક્યારેક સૌથી કઠિન ક્ષણે જ સામે આવે છે.

ગુજરાત માટે પણ ગૌરવની ક્ષણ

ભલે આ ઘટના વિદેશમાં બની છે પરંતુ એનો રિયલ હીરો કેપ્ટન સ્મિત એક ગુજરાતી છે. ગુજરાત માટે પણ આ ગૌરવની ક્ષણ છે. કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને ગુજરાત સરકારે સન્માન આપવાનું નક્કી કર્યું છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે સ્મિત મચ્છરને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે. આ સન્માન તેમની બહાદુરી અને સંકટની ઘડીમાં દર્શાવેલી ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાની કદર તરીકે આપવામાં આવશે.

મૂળ ગુજરાત સાથે જોડાયેલા સ્મિત મચ્છરની આ ઘટના રાજ્ય માટે ગૌરવની બાબત છે. જોકે, તેમની બહાદુરીને માત્ર ‘ગુજરાતી ગૌરવ’ સુધી સીમિત કરવી યોગ્ય નહીં ગણાય. એક પાયલટ તરીકે તેમણે જે જવાબદારી નિભાવી તે માનવતા અને વ્યાવસાયિક કર્તવ્યની વાત છે અને તેની કોઈ સરહદ નથી.

હિંમતનો અર્થ ડરનો અભાવ નથી

આ ઘટના આપણને હિંમત વિશે પણ એક મહત્વપૂર્ણ વાત શીખવે છે. હિંમતનો અર્થ એ નથી કે વ્યક્તિને ડર લાગતો નથી. હિંમતનો અર્થ એ છે કે જોખમ સામે ઊભા રહીને પણ યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા જાળવી રાખવી. સ્મિત મચ્છર ગંભીર રીતે ઘાયલ થયા હતા. છતાં પરિસ્થિતિને સંભાળવામાં તેમણે જે ભૂમિકા ભજવી તે બતાવે છે કે સંકટની ક્ષણે વર્ષોની તાલીમ, અનુભવ અને ફરજની ભાવના કેટલી મહત્વપૂર્ણ બની શકે છે.

આ સાથે એક બીજી બાબત પણ યાદ રાખવી જરૂરી છે. વિમાનમાં બનેલી આ ઘટનાની તપાસ હજુ ચાલી રહી છે. હુમલાનું ચોક્કસ કારણ, ઘટનાક્રમ અને સુરક્ષા વ્યવસ્થાને લગતા અનેક પ્રશ્નોના જવાબ તપાસ પૂર્ણ થયા પછી જ સ્પષ્ટ થશે. તેથી હાલની માહિતીના આધારે અંતિમ નિષ્કર્ષ પર પહોંચવાને બદલે તપાસના પરિણામની રાહ જોવી જરૂરી છે.

આ પણ વાંચો । કેપ્ટન સ્મિત મચ્છરને તબુકથી એરલિફ્ટ કરવામાં આવ્યા, દુબઈમાં થશે સારવાર

સ્મિત મચ્છરની કહાનીનો સાચો સંદેશ

કેપ્ટન સ્મિત મચ્છરને મળતી પ્રશંસા અને સન્માન નિશ્ચિતપણે યોગ્ય રીતે નોંધવા જેવી બાબતો છે. પરંતુ તેમની કહાનીનો સૌથી મોટો સંદેશ કદાચ એ છે કે ફરજ માત્ર નિયમોનું પાલન કરવાનું નામ નથી; ક્યારેક ફરજ એટલે સૌથી મુશ્કેલ ક્ષણે પોતાની જવાબદારીથી પાછળ ન હટવું.

એક પાયલટની કોકપિટમાં બનેલી ઘટના આજે લાખો લોકો માટે હિંમત, જવાબદારી અને માનવતાની કહાની બની છે. સ્મિત મચ્છરની બહાદુરીને સલામ કરવાની સાથે હવે જરૂરી એ પણ છે કે આ ઘટનામાંથી ઉડ્ડયન સુરક્ષા અંગે જે પ્રશ્નો ઊભા થયા છે તેના જવાબો ગંભીરતાથી શોધવામાં આવે. કારણ કે એક વ્યક્તિની હિંમત મોટી દુર્ઘટના ટાળી શકે છે, પરંતુ સુરક્ષિત ઉડ્ડયન માટે મજબૂત સિસ્ટમ અને જવાબદારીની વ્યવસ્થા એટલી જ જરૂરી છે.

વાંચો Express View । નેતન્યાહૂ અચાનક UAE કેમ પહોંચ્યા? ઈરાનથી પેલેસ્ટાઇન સુધી સમજીએ બદલાતું ગણિત



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *