NEET UG Re-Examination Updates : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) રવિવારેને 21 જૂને યોજાનારી નીટ-યુજી ના રી-એક્ઝામ પહેલા દેશભરમાં મોક ડ્રીલ કરી રહી છે. NTAએ જણાવ્યું હતું કે તે NEET-UG રી-એક્ઝામ માટે સંપૂર્ણપણે તૈયાર છે. એનટીએએ જણાવ્યું હતું કે પરીક્ષા સામગ્રીને સુરક્ષિત રીતે લઇ જવાની જવાબદારી જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ દળો અને એસ્કોર્ટ ટીમને સોંપવામાં આવી છે.
પ્રશ્નપત્ર લીક થવાના કારણે પરીક્ષા રદ કરી હતી
આ વર્ષે 3 મે ના રોજ નીટ-યુજી પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ પ્રશ્નપત્ર લીક થવાના આરોપો વચ્ચે એનટીએ દ્વારા 12 મે ના રોજ રદ કરવામાં આવી હતી. સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી છે.
એનટીએના જણાવ્યા અનુસાર રી-એક્ઝામ બપોરે 2 વાગ્યાથી સાંજના 5.15 વાગ્યા સુધી યોજાશે. દેશના 551 શહેરો અને વિદેશના 14 શહેરોમાં 22.79 લાખથી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા માટે રજીસ્ટર્ડ છે.
6,669 નિરીક્ષકો તૈનાત કરવામાં આવ્યા
એનટીએના જણાવ્યા અનુસાર રી-એક્ઝામ લેવા માટે વિવિધ એજન્સીઓ અને વહીવટીતંત્ર વચ્ચે સંકલન કરવામાં આવ્યું છે. એજન્સીએ જણાવ્યું હતું કે શહેર સ્તરે વ્યવસ્થાઓ પર નજર રાખવા માટે 674 શહેર સંયોજકોની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે પરીક્ષા કેન્દ્રો પર સ્વતંત્ર દેખરેખ માટે 6,669 નિરીક્ષકો તૈનાત કરવામાં આવ્યા છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર અધિક્ષક અને નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે.
બે લાખથી વધુ કર્મચારીઓ તૈનાત
એનટીએએ જણાવ્યું હતું કે પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સહિત બે લાખથી વધુ કર્મચારીઓને રી-એક્ઝામના સરળ અને નિષ્પક્ષ સંચાલન માટે તૈનાત કરવામાં આવ્યા છે.
એનટીએએ કહ્યું કે આમાં સીલબંધ પ્રોટોકોલ હેઠળ પરીક્ષા સામગ્રીનું સુરક્ષિત હેન્ડલિંગ, પરીક્ષા સામગ્રીના પરિવહન માટે પોલીસ એસ્કોર્ટ સાથે જીપીએસ-સક્ષમ વાહનોની વ્યવસ્થા, તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી સર્વેલન્સ અને આધાર આધારિત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનનો સમાવેશ થાય છે.
સ્વિસ બેંકનો નવો ખુલાસો : ભારતીયોના પૈસા ઘટ્યા પણ ખાતામાં જમા રકમ વધી ગઇ, જાણો આંકડા
NTAએ માહિતી આપી હતી કે પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશતા પહેલા ઉમેદવારોનું મેટલ ડિટેક્ટર સાથે સ્ક્રિનિંગ કરવામાં આવશે અને દરેક કેન્દ્ર પર વધારાના ઉપકરણો તૈનાત કરવામાં આવ્યા છે.
ધર્મેન્દ્ર પ્રધાને તૈયારીઓની સમીક્ષા કરી
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગુરુવારે શિક્ષણ મંત્રાલય, રાજ્ય સરકારો, એનટીએ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે નીટ રી-એક્ઝામની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
પ્રધાને તમામ અધિકારીઓને સતર્ક રહેવા અને નિષ્પક્ષ અને પારદર્શક રીતે રી-એક્ઝામ લેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે રાજ્ય સરકારોના નોડલ અધિકારીઓને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે જેથી તેઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે. આ બેઠકમાં હાજર રહેલા NTAના મહાનિદેશક અભિષેક સિંહે જણાવ્યું હતું કે, NTA તમામ હિતધારકો સાથે મળીને કામ કરી રહી છે.
એનટીએ સમક્ષ મોટો પડકાર
નીટ-યુજી પેપર લીક થવાના આરોપોને લઈને ભૂતકાળમાં દેશભરમાં ભારે રાજકીય હોબાળો થયો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષી દળોએ આ મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કોકરોચ જનતા પાર્ટીએ પણ પરીક્ષામાં અનિયમિતતા બદલ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી છે. આવી સ્થિતિમાં પરીક્ષા સરળ અને પારદર્શક રીતે યોજવા માટે એનટીએ સામે મોટો પડકાર છે.
