Gujarat Information: ગુજરાતમાં ધુળેટીનો તહેવાર ઘણા પરિવાર માટે માતમમાં ફેરવાઇ ગયો હતો. ગુજરાતમાં ધુળેટીના દિવસે વિવિધ જીલ્લામાં નદી, તળાવ અને નહેરમા ડુબી જવાથી કુલ 27 લોકોના મોત થયા છે. આ ગોઝારી ઘટનાથી મૃતકોના પરિવારોમાં તહેવારના દિવસે શોકનો માહોલ હતો. પાણીમાં ડુબી જવાથી મરનાર મૃતકોની ઉંમર 10 વર્ષથી 35 વર્ષ સુધી હતી. મહીસાગર જિલ્લામાં ગામના તળાવમાં ડુબવાથી 4 લોકોના મોત થયા છે, જેમા બે સગા ભાઇઓના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તુટી પડ્યો છે.
અમદાવાદની સાબરમતીમાં ડુબવાથી 4 યુવકોના મોત
અમદાવાદ માટે ધુળેટીનો તહેવાર ગોઝાર દિવસ બની ગયો હતો. અમદાવાદના કુબેરનગરમાં રહેતા 4 યુવાનોના ધુળેટીના દિવસે સાબરમતી નદીમાં ડુબી જવાથી મોત થયા છે. ફાયર બ્રિગેડને 3 યુવાનોના મૃતદેહ નદી માંથી મળ્યા હતા અને 1 મૃતદેહની શોધખોળ ચાલી રહી છે.
મહીસાગરમાં ડુબી જવાથી બે સગા ભાઇ સહિત કુલ 5 લોકોના મોત
ગુજરાતમાં ધુળેટીનો દિવસ બહુ ગોઝારો દિવસ બની રહયો હતો. ધુળેટીના દિવસે મહીસાગર જિલ્લામાં પાણીમાં ડુબી જવાથી કુલ 5 લોકોના મોત થયા છે, જેમા બે સગા ભાઇ હતા. મહીસાગર જિલ્લાના કંતાર ગામના તળાવમાં નાહવા પડેલા 4 યુવાનોના મોત થયા હતા. મૃતકોના નામ (1) અમિત કુમાર વિનોદભાઇ બારીયા (2) તુષાર કુમાર રુદ્રનાથ બારીયા (3) જયેશ જશવંતભાઇ બારીયા (4) વિપુલ જશવંતભાઇ બારીયા છે. આ મૃતકોમાં જયેશ અને વિપુલ બંને સગા ભાઇ છે, તેમના મોતથી પરિવાર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જિલ્લાની અન્ય એક ઘટનામાં વીરપુર તુલાકાના સુલતાન પગીના મુવાડા ગામે કેનાલમાં એક મૃતદેહ મળી આવ્યો હતો.
સુરતના માંગરોળમાં 3 યુવાનો પાણીમાં ગરકાવ
સુરતના માંગરોળ તાલુકાના પાનસરા ગામમાં રહેતા યુવાનો ધુળેટી રમ્યા બાદ કીમ નદીમાં નાહવા પડ્યા હતા. કીમ નદીમાં નાહતી વખતે 3 યુવાનો અચાનક ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. ફાયર ફાઇટર ટીમની મદદથી નદીમાં ડુબેલા 3 યુવાનોના મૃતદેહો શોધી કાઢ્યા હતા. મૃતકોમાં 1 ગુજરાતી અને 2 પરપ્રાંતિ યુવક છે. મૃતકોના નામ (1) ચંદ્રભૂષણ સિંહ, (2) હેપ્પી ભાઇ સિંહ અને (3) સંજય ધનજી માંગુકિયા છે.
બારડોલીની મિંઢોળ નદીમાં 4 યુવકો ડુબ્યા
બારડોલીની મિંઢોળ નદીમાં ધુળેટીના દિવસે 5 યુવકો નાહવા ગયા હતા. જેમાથી 4 યુવકોના ડુબી જવાથી મોત થયા છે અને 1 યુવકનો ચમત્કારિક બચાવ થયો છે. નદી માંથી 4 યુવકો માંથી 3 યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા અને 1 મૃતદેહની શોધ ચાલી રહી છે.
અરવલ્લી અને ધનસુરામાં 4 યુવાનોના ડુબી જવાથી મોત
ધુળેટીના દિવસે અરવલ્લી જિલ્લાના માલુપર તાલુકાના જાંબુ ફળી ગામના તળાવમાં નાહવા પડેલા બે બાળકોના પાણીમાં ડુબી જવાથી કરુણ મોત થયા હતા. બંને મૃતકો પિતરાઇ ભાઇઓ હતા અને તેઓ ધોરણ 5 અને 6માં અભ્યાસ કરતા હતા. મૃતક પિતરાઇ ભાઇના નામ રાયચંદ ડામોર અને જૈમીન ડામોર છે. આ ઘટના બાદ ગામમાં શોકનો માહોલ હતો. તો ધનસુરા તાલુકામાં માઝુમ નદીમાં નાહવા પડેલા બે મિત્રોનું પાણીમાં ડુબી જવાથી મૃત્યું થયું છે.
માંડલ તાલુકામાં તળાવમાં ડુબવાથી 3 બાળકોના મોત
અમદાવાદના માંડલ તાલુકાના સીતાપુર ગામમાં ધુળેટીનો તહેવાર શોકમાં ફેરવાઇ ગયો હતો. સીતાપુર ગામના 3 બાળકો ઝોલાસર તળાવમાં નાહવા પડ્યા હતા. નાહતી વખતે તળાવમાં ડુબી જવાથી ત્રણેય બાળકોના કરુણ મોત થયા છે. આ ઘટના બાદ ગારમમાં શોંકનું મોજું ફરી વળ્યું હતું. મૃતકોના નામ (1) પાર્થ મહેશભાઇ રાઠોડ, (2) કૌશિક લાલભાઇ રાઠોડ, (3) સૌરભ અશોકભાઇ રાઠોડ છે. આ ત્રણેય બાળકોની ઉંમર 9 વર્ષની આસપાસ છે.
મહેસાણામાં 3 યુવકના મોત
મહેસાણા જીલ્લાની મોટીદઉ ગામ નજીકથી પસાર થતી કેનાલમાં 4 યુવાનો નાહવા પડ્યા હતા, જેમાથી બે યુવાનોના કરુણ મોત થયા છે. મૃતકોની ઓળખ (1) જયરાજ ઠાકોર (14 વર્ષ) અને (2) વિજયજી ઠાકોર (23 વર્ષ) તરીકે થઇ છે. ફાયર બ્રિગેડ ટીમની મદદથી મૃતકોના મૃતદેહો કેનાલ માંથી બહાર કાઢ્યા હતા. અન્ય એક ઘટનામાં કડી નજીકથી પસાર થતી કેનાલમાં ડુબી જવાથી એક 35 વર્ષીય યુવાનનું મોત થયું છે. મૃતકની ઓળખ શેરૂભાઇ હરચંદભાઇ સરાણીયા તરીકે થઇ છે.
શેત્રુંજી નદીમાં 1 યુવાન તણાયો
અમરેલી જિલ્લાના બહારપરા ગામનો રહેવાસી 20 વર્ષીય સમીર મહેશભાઇ સોલંકી ધુળેટીના દિવસે શેત્રુંજી નદીમાં નાહવા પડ્યો હતો. જો કે નદીના પાણીમાં ગરકામ થતા કરુણ મોત થયું છે.
