વસ્તી ગણતરી 2027 અંતર્ગત દેશભરમાં જનગણના એપ દ્વારા દેશની વસ્તી ગણતરી કરવામાં આવશે. બે તબક્કામાં થનાર આ વસ્તી ગણતરી માટે ગુજરાતમાં જૂન માસમાં પ્રથમ તબક્કાની ગણતરી હાથ ધરાશે. જોકે એ પૂર્વે 15 દિવસ સુધી સ્વ ગણતરી કરાશે. જેમાં દરેક વ્યક્તિ જાતે ઓનલાઇન પોતાની વિગતો ભરી શકશે.
જન ગણના 2027 પ્રથમ તબક્કામાં ગણતરીદાર ઘર ઘર મુલાકાત લે એ પૂર્વે સ્વ ગણતરી (self enumeration) માટે પોર્ટલ ખુલ્લુ રહેશે. જેમાં નાગરિકો પોતાની વિગતો ઓનલાઇન ભરી શકશે. કુટુંબની નોંધણી સહિતની વિગતો આમાં આપવાની રહેશે. હવે સવાલ એ છે કે સ્વ ગણતરી કેવી રીતે કરવી? તો અમે અહીં એની પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ સરળ રીતે સમજાવી છે. તો ચાલો જાણીએ કે સ્વ ગણતરી કેવી રીતે કરવી.
વેબ સાઇટ ઓપન કરો
વસ્તી ગણતરી માટે ભારત સરકાર દ્વારા અલગથી વેબ પોર્ટલ બનાવાયું છે. જેમાં સ્વ ગણતરી માટે https://se.census.gov.in/ લિંક ઓપન કરવાની રહેશે. આ લિંક ઓપન કર્યા પછી એમાં રાજ્ય કે સંઘ પ્રદેશ પસંદ કરો. અહીં આપેલ કેપ્ચા દાખલ કરો. સ્વ ગણતરી 17 મેથી 31 મે દરમિયાન આ લિંક પર કરી શકાશે.
કુટુંબની નોંધણી કરો
અહીં ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે અહીં કુટુંબના મુખ્ય માણસનું નામ દાખલ કરવાનું છે. જે એકવાર દાખલ કર્યા પછી નામ બદલી શકાશે નહીં, બીજુ એ કે એક કુટુંબ માટે એક જ મોબાઈલ નંબર આપવો. વધુમાં વૈકલ્પિક તરીકે તમે તમારુ ઈમેલ આઇડી પણ નોંધાવી શકશો.
ભાષા પસંદગી અને OTP
કુટુંબના વડા અને મોબાઈલ નંબર બાદ અહીં તમને ભાષા પસંદગીનો વિકલ્પ મળે છે. અહીં તમે તમારી ભાષા પસંદ કરી શકો છો. જે પછીથી બદલી શકાશે નહીં. ત્યાર બાદ તમારા મોબાઈલ પર આવેલ OTP અહીં દાખલ કરો.
રહેણાંક સહિત વિગતો ભરો
અહીં તમે તમારો જિલ્લો પસંદ કરો. તાલુકો, ગામ કે શહેર, વિસ્તાર અને નજીકનું કોઇ લેન્ડમાર્ક દાખલ કરો. અહીં તમે વૈકલ્પિક રીતે પીન પણ દાખલ કરી શકશો.
નકશામાં ઘર બતાવો
અહીં તમારી સ્ક્રિન પર તમને એક મેપ દેખાશે. જ્યાં નકશામાં લાલ માર્કરને તમારા ઘર પર લાવો. સેવ કરો અને આગળ પર ક્લિક કરી આગળના પેજ પર જાવ.
ઘર સહિતની વિગતો, પ્રશ્નાવલી ભરો
અહીં તમને ઘરયાદી, મકાન સહિતની વિગતો માટે પ્રશ્નાવલી આપવામાં આવશે. જેની સાચી વિગતો ભરો. તમારા ઘરે જે ગણતરીદાર આવશે એ જે તમને સવાલો પુછશે એ તમામ પ્રશ્નો અહીં હશે. જેની વિગતો તમારે અહીં ઓનલાઇન ભરવાની રહેશે.
માહિતી સેવ ડ્રાફ્ટ કરો
અત્યાર સુધી તમે જે માહિતી ભરી છે એ તમામ માહિતી તમને અહીં દેખાશે, એ બધી વિગતો ચેક કરો અને ખાતરી કરો કે તે સાચી છે. જો કોઇ ભૂલ જણાય તો એને સુધારી માહિતી સેવ ડ્રાફ્ટ કરો.
સબમિટ કરો
અહીં તમને તમે ભરેલી માહિતી અંતિમ રીતે સબમિટ કરવાની છે એટલે તમારી માહિતી સાચી ભરાઇ છે એની ચકાસણી કરી લો. એકવાર સબમિટ કર્યા પછી એમાં કોઇ સુધારો કરી શકાશે નહીં.
11 અંકનો SE ID મેળવો
અંતિમ સબમિટ કર્યા બાદ તમને 11 અંકનો સ્વ ગણતરી કોડ (SE ID) મળશે. આ અંક તમને SMS/Electronic mail દ્વારા મળશે. જેનો સ્ક્રીનશોટ લઈને સાચવી રાખો. ગણતરીદાર જ્યારે તમારા ઘરે આવે ત્યારે આ અંક બતાવો. જો ID મેચ થશે તો તમારી માહિતી માન્ય થશે. નહીં તો ગણતરીદાર નવી માહિતી લેશે.
સહાય હેલ્પલાઈન નંબર
વસ્તી ગણતરી અંતર્ગત સ્વ ગણતરી માટે કોઇ સહાય કે મૂંઝવણ હોય તો તમે હેલ્પલાઈન નંબર 1885 પર સંપર્ક કરી શકો છો અથવા વસ્તી ગણતરીની સત્તાવાર વેબસાઈટ censusindia.gov.in ની મુલાકાત લો.
આ પણ વાંચો । ચીનને પછાડી ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો, વસ્તી વધારાનું શું છે કારણ?
અહીં નોંધનિય છે કે, ગુજરાતના 34 જિલ્લાના 18 હજારથી વધુ ગામડાઓમાં 1 લાખથી વધુ ગણતરીદા દ્વારા વસ્તી ગણતરી પ્રક્રિયા કરાશે. 1લી જૂનથી ઘરે ઘરે ફરીને પ્રથમ તબક્કાની ગણતરી કરાશે. જે પૂર્વે 15 દિવસ સુધી વેબ પોર્ટલ પર ઓનલાઇન સ્વ ગણતરી કરી શકાશે. જ્યારે આગામી વર્ષે 2027માં બીજા તબક્કાની કામગીરી કરાશે.
