mahalaxmi temple Ratlam madhya pradesh : દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મમાં સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંથી એક છે. આ દિવસે દરેક ઘરમાં દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. દિવાળી પછી ઘણી જગ્યાએ ખાસ પરંપરાઓ પણ મનાવવામાં આવે છે. આવી જ એક અનોખી પરંપરા મધ્ય પ્રદેશના મહાલક્ષ્મી મંદિરમાં જોવા મળે છે. અહીં દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી ભક્તોને પ્રસાદ તરીકે પૈસા-રુપિયા વહેંચવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે. પ્રસાદના રુપમાં રુપિયા મેળવવા માટે મંદિરમાં ભક્તોની લાંબી કતારો લાગે છે.
પ્રસાદમાં વહેંચવામાં આવે છે રુપિયા
ભાઇ બીજના દિવસે આ મંદિરમાં ભક્તોની લાંબી લાઇન લાગે છે, જેઓ પ્રસાદના રુપમાં પૈસા લેવા આવે છે. માન્યતા છે કે ભક્ત અહીં જે રૂપિયા-પૈસા ચડાવે છે, તે પ્રસાદના રુપમાં પરત લેવા આવે છે. એવું કહેવાય છે કે માતા પાસેથી પ્રસાદ તરીકે મળેલા આ પૈસાને તિજોરીમાં રાખવાથી આશીર્વાદ મળે છે.
માતા લક્ષ્મી સાથે ભગવાન કુબેર પણ છે બિરાજમાન
મહાલક્ષ્મી મંદિરમાં માતા લક્ષ્મીની સાથે ભગવાન કુબેર પણ બિરાજમાન છે. દિવાળી પર આ મંદિરમાં બંને દેવી-દેવતાઓની પૂજા કરવા માટે ભક્તો દૂર-દૂરથી આવે છે. ભક્તોનું માનવું છે કે આ મંદિરમાંથી મળેલા પૈસા રાખવાથી ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી.
આ મંદિર ક્યાં આવેલું છે?
મધ્ય પ્રદેશના રતલામના માણિક ચોક ખાતે સ્થિત દેવી મહાલક્ષ્મીનું મંદિર ઘણું ભવ્ય છે. દિવાળી અને ભાઇ બીજ દરમિયાન મંદિરને સુંદર રીતે શણગારવામાં આવે છે અને દેવીને ચલણી નોટોથી શણગારવામાં આવે છે. અહીં ભક્તો દિવાળીના દિવસે માતાને રુપિયા, ઘરેણાં અને સોના-ચાંદીના સિક્કા શ્રદ્ધાથી ચડાવે છે.
300 વર્ષ જૂની પરંપરા
એવું કહેવાય છે કે આ મંદિરમાં આ પરંપરા લગભગ 300 વર્ષ જૂની છે. આ મંદિર રજવાડાના કાળથી સ્થાપિત છે. મહારાજા રતન સિંહ રાઠોડે રતલામ શહેરની સ્થાપના કરી હતી. તેઓ દિવાળી અને ધનતેરસના દિવસે માતાના દરબારમાં શણગાર માટે શાહી ખજાનામાંથી સોનું, ચાંદી અને ઘરેણાં ચઢાવતા હતા. ત્યારથી આ મંદિરમાં ધન અર્પણ કરવાની અને પછી તેને ભક્તોમાં વહેંચવાની પરંપરા સ્થાપિત થઈ છે.
શ્રી મહાલક્ષ્મી મંદિર કેવી રીતે પહોંચવું
મધ્ય પ્રદેશના રતલામ શહેરમાં સ્થિત શ્રી મહાલક્ષ્મી મંદિર માણક ચોક વિસ્તારમાં બનેલું છે. અહીં રોડ, રેલ અને હવાઈ માર્ગે સરળતાથી પહોંચી શકાય છે. મહાલક્ષ્મી મંદિર પહોંચવા માટેનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન રતલામ જંકશન છે. અહીં સ્ટેશનથી તમે ઓટો લઈ શકો છો. જો તમે ફ્લાઇટથી આવવા માંગો છો તો નજીકનું એરપોર્ટ ઇન્દોરમાં દેવી અહિલ્યાબાઈ હોલકર એરપોર્ટ છે, જે અહીંથી લગભગ 130 કિલોમીટર દૂર છે. ઇન્દોર, ઉજ્જૈન અથવા ભોપાલથી તમે બસ દ્વારા સરળતાથી રતલામ પહોંચી શકો છો અને પછી ત્યાંથી કેબ અથવા ટેક્સી લઈ શકો છો.
