ગુજરાત હાઈકોર્ટે આમ આદમી પાર્ટી (AAP) ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને મોટી રાહત આપતા 7 દિવસના હંગામી શરતી જામીન મંજૂર કર્યા છે. ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસુ સત્રમાં હાજરી આપવા અને જનહિતના પ્રશ્નો રજૂ કરવા માટે અદાલતે આ મંજૂરી આપી છે. જોકે કોર્ટે ગાંધીનગરની હદ ન છોડવા અને મીડિયા સમક્ષ નિવેદનબાજી ન કરવા જેવી કડક શરતો પણ લાદી છે.
ગુજરાત હાઈકોર્ટે જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને સાત દિવસના વચગાળાના જામીન આપ્યા છે, જેનાથી તેઓ ત્રણ દિવસના ચોમાસા સત્રમાં ભાગ લઈ શકશે. ચૈતર વસાવ હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે. નર્મદા જિલ્લા સેશન્સ કોર્ટે તેમને ફોજદારી હુમલો અને ખંડણીના કેસમાં સાત વર્ષની જેલની સજા ફટકારી છે.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ વિમલ કે. વ્યાસે સોમવારે તેમની અરજી સ્વીકારી હતી અને સુનાવણી બાદ તેમને સાત દિવસના જામીન આપ્યા હતા.
આ પણ વાંચો: 6 દિવસના લગ્ન, સમાન આવક: હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે પત્નીની 40,000 રૂપિયાના ભરણપોષણની અરજી ફગાવી દીધી
ગુજરાત હાઈકોર્ટ દ્વારા નક્કી કરાયેલી શરતો હેઠળ, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ગાંધીનગર છોડવા પર પ્રતિબંધ છે અને તેઓ આ સમયગાળા દરમિયાન મીડિયા કે કોઈપણ જાહેર સભાને સંબોધિત કરી શકશે નહીં.
ગુજરાત સરકારે કર્યો વિરોધ
પીટીઆઈની રિપોર્ટ અનુસાર, ગુજરાત સરકારે ચૈતર વસાવાની અરજીનો વિરોધ કર્યો. રાજ્ય સરકારે આ અરજીનો વિરોધ કરતા તર્ક આપ્યું કે ખુબ જ વધુ સમય પહેલા તેમને તક આપવામાં આવી હતી છતા તેમણે વિધાનસભા માટે કોઈ સવાલ રજુ કર્યા નહીં, માટે અદાલતે આ અરજી પર વિચાર કરવો જોઈએ નહીં.
ગુજરાત સરકારે કહ્યું કે, જો હાઈકોર્ટ તેમની અરજી પર વિચાર કરે છે તો પણ તે ત્રણ દિવસથી વધુ ના હોવું જોઈએ અને તેની સાથે યોગ્ય શરતો પણ હોવી જોઈએ. જેમ કે તેઓ મીડિયા સાથે વાતચીત ના કરે, રાજકીય સભાઓમાં ભાગ લે નહીં અને ગાંધીનગર છોડે નહીં.
