Rosy Starling Murmurations । ચોમાસાની સાથે ગુજરાતના આકાશમાં રોઝી સ્ટાર્લિંગ પક્ષીઓના ‘મર્મ્યુરેશન્સ’ ફરી જોવા મળી રહ્યા છે. પ્રાણીસૃષ્ટિમાં સામૂહિક પ્રતિક્રિયાઓ અંગે ટોચના પિયર-રિવ્યૂ જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધનપત્રમાં આ સ્થળાંતરિત પક્ષીઓના ટોળાં દ્વારા રચાતી 12 અલગ-અલગ આકૃતિઓની ઓળખ કરવામાં આવી છે.
આ દિવસોમાં જો તમે સાબરમતી નદી પાર કરીને અમદાવાદના પૂર્વ કાંઠે આવેલા કોટ વિસ્તાર તરફ જઈ રહ્યા હો, તો તમને એક મંત્રમુગ્ધ કરી દે તેવું દૃશ્ય જોવા મળી શકે છે.
સેંકડો પક્ષીઓનાં ઘેરા રાખોડી રંગનાં ટોળાં સતત આકાર બદલતાં એકસાથે ઊડે છે. ક્યારેક તેઓ પાણીની સપાટી નજીક નીચે ઊતરે છે તો ક્યારેક આકાશમાં ઊંચે ચઢે છે. પાણીની ઉપર વારંવાર આગળ-પાછળ વળાંકો લેતા આ પક્ષીઓના સતત કલરવથી આખું વાતાવરણ ગુંજી ઊઠે છે. આ જાદુઈ સંગીત અચાનક ત્યારે અટકી જાય છે, જ્યારે પક્ષીઓ નદીકાંઠે આવેલા અનેક ફિકસ વૃક્ષોમાંથી કોઈ એકની ડાળીઓ પર બેસી જાય છે.
આ પક્ષીઓ છે રોઝી સ્ટાર્લિંગ (Pastor roseus). ચોમાસું હવે તેના બીજા તબક્કામાં પ્રવેશી રહ્યું છે ત્યારે આ પક્ષીઓનાં વિશાળ ટોળાં શિયાળા માટે ગુજરાત આવવા લાગ્યાં છે.
તેમના ‘મર્મ્યુરેશન્સ’ એટલે કે એકસાથે તાલબદ્ધ રીતે ગોળ-ગોળ ફરતાં ઉડાન ભરવાની એવી પ્રક્રિયા, જેમાં આ પક્ષીઓનું આખું ટોળું આકાશમાં લહેરાતા એક જ પ્રવાહી જીવ જેવું દેખાય છે. આ દૃશ્ય મોટાભાગે સાંજના સમયે જોવા મળે છે, જોકે ઘણીવાર વહેલી સવારે પણ તે જોવા મળે છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/08/18/rosy-starling-murmuration-study-ahmedabad-2026-08-18-11-21-52.jpg)
પક્ષીઓનું ટોળું આકાર કેમ બદલે છે?
ધબકતા અને વળાંકો લેતા એક જીવ જેવા દેખાતા આ પક્ષીઓના ટોળાનો આકાર આખરે શા માટે બદલાય છે? સ્ટાર્લિંગ પક્ષીઓના મર્મ્યુરેશનનો અભ્યાસ કરતા વૈજ્ઞાનિકોએ વર્ષોથી આ અંગે અનેક સિદ્ધાંતો રજૂ કર્યા છે.
હવે અમદાવાદ યુનિવર્સિટીના સંશોધકોએ મર્મ્યુરેશનના કદ અને આકાર તથા આકાશમાં રહેલા શિકારી પક્ષીના જોખમ અને તેની નજીકતા વચ્ચે સંબંધ સ્થાપિત કર્યો છે.
ભારતમાં આ પ્રકારનો આ પહેલો અભ્યાસ છે. તેને પ્રાણીશાસ્ત્ર, ઓર્ગેનિઝમલ બાયોલોજી અને કમ્પેરેટિવ ફિઝિયોલોજીના આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત જર્નલ Integrative and Comparative Biology (ICB) ના એપ્રિલ અંકમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ જર્નલ અગાઉ American Zoologist તરીકે ઓળખાતું હતું.
અમદાવાદ યુનિવર્સિટીની સ્કૂલ ઑફ આર્ટ્સ એન્ડ સાયન્સિસના વેણુ દિવિન અને જિતેશ ઝાવર દ્વારા લખાયેલા આ સંશોધનપત્રમાં શિકારી પક્ષીની હાજરી અને ગેરહાજરીમાં રોઝી સ્ટાર્લિંગના ટોળાંના આકારમાં થતા ફેરફારોનું પ્રમાણાત્મક વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
સંશોધકો એવા તારણ પર પહોંચ્યા છે કે શિકારી પક્ષીની હાજરી મર્મ્યુરેશનની ભૌમિતિક રચનાને અસર કરે છે.
યુરોપ અને ઉત્તર અમેરિકામાં પણ જોવા મળે છે મર્મ્યુરેશન
સ્ટાર્લિંગ પક્ષીઓના મર્મ્યુરેશન સામાન્ય રીતે સાંજના સમયે જોવા મળે છે. તે કેટલીક મિનિટથી લઈને એક કલાક સુધી ચાલી શકે છે. યુરોપ અને ઉત્તર અમેરિકામાં પાનખર અને શિયાળા દરમિયાન આ દૃશ્ય સામાન્ય છે.
ભારતમાં પણ સ્ટાર્લિંગ પક્ષીઓના કેટલાક અદ્ભુત મર્મ્યુરેશન જોવા મળે છે. તેમાં ગુજરાત સૌથી જાણીતું હોટસ્પોટ છે અને જામનગરનું લાખોટા તળાવ સૌથી નોંધપાત્ર સ્થળ છે.
ભારતમાં જોવા મળતા રોઝી સ્ટાર્લિંગ યુરોપિયન સ્ટાર્લિંગથી અલગ છે. આ પક્ષીઓ મધ્ય અને પશ્ચિમ એશિયા તેમજ પૂર્વ યુરોપમાં પ્રજનન કરે છે અને લગભગ જુલાઈ-ઓગસ્ટથી ભારતીય ઉપખંડ તરફ સ્થળાંતર શરૂ કરે છે. તેઓ માર્ચ સુધી અહીં શિયાળો વિતાવે છે.
મોટાભાગનાં સ્થળાંતરિત પક્ષીઓ ઉત્તરથી દક્ષિણ તરફ પ્રવાસ કરે છે, પરંતુ રોઝી સ્ટાર્લિંગનો પ્રવાસ અસામાન્ય રીતે પશ્ચિમથી પૂર્વ તરફ થાય છે. આ પક્ષીઓ માત્ર વૃક્ષો પર જ ખોરાક શોધે છે, જમીન પર નહીં. આ વર્ષે જુલાઈના અંતથી ગુજરાતમાં તેમનાં ટોળાં જોવા મળ્યાં છે.
ગુજરાત ઉપરાંત રાજસ્થાન, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં પણ સ્ટાર્લિંગ પક્ષીઓ જોવા મળે છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/08/18/rosy-starling-murmuration-study-report-express-2026-08-18-11-23-06.jpg)
અમદાવાદ યુનિવર્સિટી કેમ્પસમાં થયો અભ્યાસ
આ અભ્યાસ 2 જાન્યુઆરી, 2025થી 13 ફેબ્રુઆરી, 2025 દરમિયાન અમદાવાદ યુનિવર્સિટીના કેમ્પસમાં કરવામાં આવ્યો હતો. વૃક્ષોની ઊંચાઈ કરતાં ઉપર આવેલા એક બિલ્ડિંગના ટોચના ભાગેથી પક્ષીઓના વીડિયો અને તસવીરો લેવામાં આવ્યાં હતાં. ત્યારબાદ મર્મ્યુરેશનને તેના અલગ-અલગ આકારોના આધારે વિવિધ શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યાં હતાં.
કુલ 28 દિવસ સુધી ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો. દરરોજ સૂર્યાસ્તના એક કલાક પહેલાંથી લઈને તમામ પક્ષીઓ તેમના રાત્રિવાસના સ્થળે પહોંચી ગયાની પાંચ મિનિટ પછી સુધી અવલોકન કરવામાં આવ્યું હતું.
સંશોધકોએ પેપરમાં લખ્યું છે કે, “અમે ટોળાના આકાર, તેમાં રહેલા પક્ષીઓની અંદાજિત સંખ્યા, અવલોકનનો સમય, ટોળું કઈ દિશામાં જઈ રહ્યું હતું, ટોળાં એકબીજામાં ભળી રહ્યાં હતાં કે અલગ પડી રહ્યાં હતાં, આકારમાં થઈ રહેલા ફેરફાર અને ટોળાની નજીક કોઈ શિકારી પક્ષી હાજર હતું કે નહીં સહિતની વિગતો નોંધવામાં આવી હતી.”
3,023 ટોળાંનો અભ્યાસ, 12 અલગ આકાર મળ્યા
સેમ્પલિંગના સમયગાળા દરમિયાન કુલ 3,023 પક્ષીઓનાં ટોળાં નોંધવામાં આવ્યાં હતાં. સંશોધકોએ તેમાં 12 અલગ અને સ્પષ્ટ પ્રકારની આકૃતિઓ ઓળખી હતી. તેમાં ‘Small Highway’, ‘Small Oval’, ‘Globular’, ‘Wave Form’, ‘Ovoidal’, ‘Snake’ અને ‘C-Form’ જેવી રચનાઓનો સમાવેશ થાય છે.
અભ્યાસ કરવામાં આવ્યો તે સ્થળે પક્ષીઓનો સૌથી સામાન્ય શિકારી બ્લેક કાઇટ (Milvus migrans) એટલે કે કાળો ચીલ હતો. અભ્યાસ દરમિયાન એવા 181 કિસ્સા નોંધાયા હતા, જેમાં કોઈ શિકારી પક્ષી રોઝી સ્ટાર્લિંગના ટોળાથી 10 મીટરની અંદર હાજર હતું.
શિકારી ન હોય ત્યારે ‘Small Oval’, જોખમ આવે ત્યારે ‘Small Highway’
જ્યારે આસપાસ કોઈ શિકારી પક્ષી ન હતું ત્યારે ‘Small Oval’ આકાર 27.9 ટકા અને ‘Mini Flock’ આકાર 27.7 ટકા સાથે સૌથી વધુ જોવા મળ્યા હતા. પરંતુ શિકારી પક્ષીની હાજરીમાં આ સ્થિતિ નોંધપાત્ર રીતે બદલાઈ ગઈ. એવા સમયે ‘Small Highway’ આકાર સૌથી વધુ જોવા મળ્યો અને શિકારીની હાજરીમાં નોંધાયેલી કુલ રચનાઓમાં તેનો હિસ્સો 71.3 ટકા હતો.
અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, “Small Highway રચનામાં પ્રમાણમાં મોટો સપાટી વિસ્તાર હોય છે અને તેના આગળ તથા પાછળના છેડા અણીદાર હોય છે. આ લાક્ષણિકતાઓ પક્ષીઓને વધુ ઝડપથી ઉડવામાં મદદરૂપ થઈ શકે છે.”
સંશોધનમાં વધુમાં જણાવાયું છે કે, “ભાલા જેવા આકારની રચનાઓની સરખામણીમાં આવી રચનાઓ વધુ ઝડપથી બચીને નીકળવામાં મદદરૂપ થઈ શકે છે.”
માત્ર શિકારીની હાજરીથી જ મર્મ્યુરેશન થાય એવું નથી
જોકે મર્મ્યુરેશનમાં થતો ફેરફાર હંમેશાં એકસરખો કે અગાઉથી અનુમાન કરી શકાય એવો નહોતો. સંશોધકોએ નોંધ્યું છે કે, “અભ્યાસના વિસ્તારમાં મોટાભાગના દિવસોમાં બ્લેક કાઇટ હાજર હોવા છતાં માત્ર શિકારીની હાજરીથી જ દરેક વખતે મર્મ્યુરેશન જોવા મળ્યું નહોતું.
આ અવલોકન એ સામાન્ય ધારણાથી અલગ છે કે શિકારીની હાજરી સીધી રીતે મર્મ્યુરેશનને જન્મ આપે છે.”
આ અભ્યાસનાં તારણો યુરોપિયન સ્ટાર્લિંગ પર થયેલાં અગાઉનાં સંશોધનો સાથે પણ સુસંગત છે. તે સંશોધનો સૂચવે છે કે જ્યારે ટોળામાં પક્ષીઓની સંખ્યા લગભગ 400થી 500થી વધુ થાય, ત્યારે મર્મ્યુરેશન થવાની શક્યતા વધી જાય છે.
જંગલમાં પક્ષીઓના સામૂહિક વર્તનને સમજવામાં મદદ મળશે
આ અભ્યાસનું મહત્ત્વ સમજાવતા જિતેશ ઝાવરે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું, “પક્ષીઓના સામૂહિક જીવનના દૃષ્ટિકોણથી આ અભ્યાસની વ્યાપક અસરો છે. અત્યાર સુધી સામૂહિક જીવન અંગેના અભ્યાસ મુખ્યત્વે લેબોરેટરીમાં થયા છે.
સીધા ફિલ્ડમાંથી કરવામાં આવેલા આવા અભ્યાસ ખૂબ ઓછા છે. આ દૃષ્ટિએ આ અભ્યાસ પોતાની રીતે અનોખો છે. અમે દર્શાવ્યું છે કે સામૂહિક જીવનનો અભ્યાસ આ રીતે પણ થઈ શકે છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે જંગલી પરિસ્થિતિમાં પક્ષીઓ દ્વારા બનાવવામાં આવતા આકારોનો અભ્યાસ પણ ખૂબ ઓછો થયો છે.
ઝાવરે કહ્યું, કે, આ પ્રકારના અભ્યાસ બહુ ઓછા છે, ખાસ કરીને જંગલી પરિસ્થિતિમાં. ભવિષ્યમાં તેમના વર્તનનું અનુમાન કરવું હોય તો આવા અભ્યાસ જરૂરી છે.
આ પણ વાંચો । દુનિયાના 7 સૌથી નાના પક્ષીઓ: કદ નાનું, પરંતુ તેમની ક્ષમતા જોઈને તમે પણ ચોંકી જશો
જ્યાં સુધી આપણે આ ગતિશીલતાને સમજીશું નહીં, ત્યાં સુધી કુદરતી વાતાવરણમાં તેમની પ્રતિક્રિયાઓનું અનુમાન કરી શકીશું નહીં. સામૂહિક પ્રતિક્રિયા મહત્વપૂર્ણ છે, કારણ કે ઘણીવાર પ્રજાતિઓ વ્યક્તિગત રીતે પ્રતિક્રિયા આપતી નથી.”
