Gujarat : રાજ્યના ખેડૂતો, જમીન માલિકો અને ડેવલપર્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે આઝાદી પછી પ્રથમવાર 75 વર્ષ જૂના ‘ટુકડા ધારા-1947’માં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. આ સુધારાને રાજ્યપાલ તેમજ રાષ્ટ્રપતિ તરફથી મંજૂરી મળી ગઇ છે.
આ સુધારાથી રાજ્યના લાખો ખેડૂતો અને જમીન ધારકોને મોટી રાહત મળશે. જમીન સંબંધી વિવાદોમાં જે નાણાં અને સમયનો વ્યય થતો હતો તેનો આવશે કાયમી અંત આવશે.
રાજ્યમાં હવે 10 ગુંઠાનો એકસમાન નિયમ લાગુ પડશે
1948 થી અત્યાર સુધી થયેલા તમામ ટુકડા ધારાના ભંગ કોઈપણ પેનલ્ટી વિના વિનિયમિત કરાશે. સમગ્ર રાજ્યમાં હવે 10 ગુંઠાનો એકસમાન નિયમ લાગુ પડશે. જેથી જમીન લે-વેચમાં સ્થાનિક ગૂંચવાડા દૂર થશે. શહેરી વિસ્તારો ટુકડા ધારાની અસરમાંથી સંપૂર્ણ મુક્ત થશે અને શહેરોના વિકાસને ગતિ મળશે. ગુંઠા જમીન એટલે 1,089 સ્કવેર ફૂટ થાય, તેથી 10 ગુંઠા જમીન હોય તો 10,890 સ્કવેર ફૂટ થાય.
સરકારના આ નિર્ણયથી શહેરી વિસ્તારોમાં બિનખેતી (NA)ની પ્રક્રિયા, બાંધકામ અને જમીન લે-વેચના વ્યવહારો અત્યંત ઝડપી અને પારદર્શક બનશે, જેનાથી સર્વાંગી વિકાસને વેગ મળશે.
સુરત પૂરના અસરગ્રસ્ત વેપારીઓ માટે ગુજરાત સરકારનું મોટું પુનર્વસન પેકેજ; જાણો કોને કેટલી મળશે આર્થિક સહાય
પહેલા અલગ-અલગ નિયમો હતા
અગાઉ ગુજરાતમાં ખેતીની જમીનના વેચાણ માટે પિયત અને બિનપિયત જમીન માટે અલગ-અલગ નિયમો હતા. અગાઉ બિનપિયત વિસ્તારમાં 80.84 ગુંઠા અને પિયત ધરાવતા ક્ષેત્રોમાં 20.24 ગુંઠાથી ઓછી જમીનનું વેચાણ પ્રતિબંધિત હતું. હવે આ કાયદામાં સુધારો કરીને પિયત અને બિનપિયતનો ભેદ નાબૂદ કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ સમગ્ર રાજ્યમાં એક સમાન 10 ગુંઠાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ખેતીની જમીનમાં 10 ગુંઠા કરતાં વધારે ટુકડો પડ્યો હશે તો તેના વેચાણને એક રૂપિયાનો પણ દંડ કે પ્રીમિયમ વસૂલ્યા વગર નિયમિત કરી શકાશે.
