તમે જે બ્રાન્ડેડ વસ્તુઓ અસલી સમજીને આંધળો વિશ્વાસ મૂકી ઘરે લાવો છો તે નકલી તો નથી ને? આ સવાલ એટલા માટે થાય છે કારણ કે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે શહેરમાં અસલી બ્રાન્ડના નામે વેચાતા ડુપ્લીકેટ સામાનના એક મસમોટા કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય અને ખિસ્સા બંને સાથે ચેડાં કરતું આ આખું નેટવર્ક છેલ્લા દોઢ વર્ષથી પોલીસની નજર બહાર ધમધમી રહ્યું હતું.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે અમદાવાદ ક્રાઈમ બ્રાંચને માર્કેટમાં કેન્સરની વૈધાનિક ચેતવણી વગરની નકલી સિગરેટો વેચાઈ રહી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ચાંદલોડિયા વિસ્તારમાંથી અરુણકુમાર ગુપ્તા અને સચિન ગુપ્તા નામના બે સગા ભાઈઓને ₹3.25 લાખની નકલી સિગરેટો સાથે ઝડપી લીધા હતા. જોકે આ તો માત્ર નકલી સામાનનું માત્ર ટ્રેલર હતું. બંને ભાઈઓની કડક પૂછપરછ બાદ આ રેકેટના મુખ્ય સૂત્રધાર સુજીત પોદારનું નામ સામે આવ્યું હતું. પોલીસે જ્યારે સુજીત પોદારના બે ગોડાઉનો પર દરોડો પાડ્યો ત્યારે ત્યાંનો નજારો જોઈને ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.
ગોડાઉનમાં માત્ર સિગરેટ જ નહીં પરંતુ સામાન્ય માણસ સવારે ઉઠીને જે ચા-કોફી પીવે છે ત્યાંથી લઈને રાતના ભોજનમાં વપરાતા મસાલા અને કપડાં ધોવાના પાવડર સુધીની તમામ પ્રખ્યાત બ્રાન્ડ્સનો નકલી જથ્થો ખડકાયેલો હતો. પોલીસે આ મામલે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કુલ ₹20 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગુજરાતમાં ડીઝલની અછતથી મીઠાના ઉત્પાદકો મુશ્કેલીમાં, અગરીયાઓનું કામ ઠપ થવાની ભીતિ
રાજસ્થાન કનેક્શન અને નાની દુકાનોમાં સપ્લાય
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ તમામ નકલી સામાન રાજસ્થાનમાં તૈયાર કરવામાં આવતો હતો. ત્યાંથી આ ગોરખધંધાના નેટવર્ક દ્વારા માલ અમદાવાદ લવાતો અને ગરીબ કે મધ્યમવર્ગીય વસ્તી ધરાવતા વિસ્તારોની નાની-નાની કરિયાણાની દુકાનોમાં અસલી કહીને સસ્તા ભાવે પધરાવી દેવાતો હતો. આ નકલી ખાદ્યપદાર્થો લોકોના લીવર અને સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે તેમ હોવાથી પોલીસે તમામ વસ્તુઓના સેમ્પલ લઈને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે.
જપ્ત કરાયેલા નકલી સામાનની બ્રાન્ડ વાઈઝ યાદી:
- માર્લબોરો સિગરેટ: 1,610 પેકેટ (કિંમત ₹5.34 લાખ)
- વાઘબકરી ચા: 13,658 પેકેટ (કિંમત ₹4.06 લાખ)
- એવરેસ્ટ ચીકન મસાલા: 31,410 પેકેટ (કિંમત ₹1.54 લાખ)
- ટાઈડ, એરિયલ, સર્ફ એક્સેલ: મિક્સ ડિટર્જન્ટ પાવડર (કિંમત ₹1.52 લાખ)
- અમૂલ ઘી પાઉચ: 325 પેકેટ (કિંમત ₹1.02 લાખ)
- ગોલ્ડફ્લેક સિગરેટ: 640 પેકેટ (કિંમત ₹80 હજાર)
- જલારામ મસાલા: લૂઝ જથ્થો (કિંમત ₹64.8 હજાર)
- જશવંતછાપ બીડી: 4,140 પેકેટ (કિંમત ₹61.4 હજાર)
- નેસકેફે કોફી: 3,300 પેકેટ (કિંમત ₹33 હજાર)
- ફેવિક્વિક: 5,400 નંગ (કિંમત ₹27 હજાર)
- સાગર ઘી પાઉચ: 70 પેકેટ (કિંમત ₹23.1 હજાર)
- તાનસેન મસાલા: 100 પેકેટ (કિંમત ₹20 હજાર)
- હારપિક ટોઇલેટ ક્લિનર: 48 નંગ (કિંમત ₹5.2 હજાર)
