ઓપરેશન વિજય સફળ સાબિત થતાં તમિલનાડુ રાજકારણમાં ફરી એકવાર મોટી ઉથલપાથલ થઇ છે. ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ કઝગમ (AIADMK) માં બળવો થયો છે. ધારાસભ્ય વેલુમણી અને સીવી ષણમુગમના નેતૃત્વવાળા જુથે વિજય થલાપતિની તમિલગા વેત્રી કઝગમ (TVK) પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. જેને પગલે રાજકીય માહોલ ગરમાયો છે અને એઆઈએડીએમકેનો આંતરિક જુથવાદ સપાટી પર આવ્યો છે.
તમિલનાડુ AIADMK વરિષ્ઠ નેતા ષણમુગમએ કહ્યું કે, એઆઈએડીએમકેના એક જુથના ધારાસભ્યો તમિલનાડુ સરકારને સમર્થન આપવા માટે મુખ્યમંત્રી વિજય સાથે મુલાકાત કરશે.અહીં ખાસ વાત એ છે કે, વધુ બેઠકો જીત્યા બાદ પણ વિજય થલાપતિ માટે સરકાર બનાવવી મુશ્કેલ બની રહી હતી એવા સમયે એઆઇએડીએમકેમાં થયેલો બળવો ફ્લોર ટેસ્ટ પહેલા થયો છે જે વિજય માટે સારા સમાચાર છે.
ષણમુગમે વધુમાં કહ્યું કે, અમે ટીવીકેને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. અમે આ પાર્ટીના સ્થાપના ડીએમકે વિરુદ્ધ કરી હતી. છેલ્લા 53 વર્ષોમાં અમારી રાજનીતિ ડીએમકે વિરુદ્ધની રહી છે. એવામાં એઆઈએડીએમકેએ ડીએમકેના સમર્થનથી સરકાર બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. પરંતુ અમારા મોટાભાગના સભ્યોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.
ગઠબંધન મામલે ખેંચમતાણ
અહીં મહત્વની વાત એ છે કે, ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ તમિલનાડુમાં સરકાર બનાવવા માટે કોઇ પક્ષને સ્પષ્ટ બહુમત ન મળતાં સરકાર બનાવવા માટે ભારે ખેંચમતાણ થઇ હતી.
રાજ્યની 234 બેઠકો પૈકી 108 બેઠકો પર જીત મેળવી ટીવીકે સૌથી મોટી પાર્ટી બની છે. જ્યારે એઆઈએડીએમકેની વાત કરીએ તો એડપ્પાડી કે પલાનીસ્વામી પાસે 23 જ્યારે સીવી ષણમુગમના નેતૃત્વવાળા જુથ પાસે 24 ધારાસભ્યો છે. ચૂંટણી 2026માં AIADMK 47 બેઠકો પર જીતી હતી.
પક્ષ પલટો માટે કાયદો શું છે?
બંધારણની 10મી અનુસુચી મુજબ પાર્ટી છોડવી અયોગ્યતાનો આધાર માનવામાં આવે છે. પરંતુ અનુચ્છેદ 4માં વિલયનો અપવાદ પણ છે. જેમાં જો બે તૃતીયાંશ સભ્યો પાર્ટી છોડીને બીજી કોઇ પાર્ટીમાં વિલય કરે તો એમની સામે કોઇ કાર્યવાહી થઇ શકતી નથી અને એમનું સભ્ય પદ કાયમ રહે છે.
બહુમતીનો જાદુઈ આંકડો
તમિલનાડુ વિધાનસભામાં 234 બેઠકો છે. સરકાર બનાવવા માટે વિજયને 118 બેઠકોની જરૂર છે. તેની પાસે 108 બેઠકો છે. જો AIADMK નું એક જૂથ તેમને ટેકો આપે અથવા મતદાનથી દૂર રહે, તો વિજય આસાનીથી મુખ્યમંત્રી બની શકે છે.
તમિલનાડુ રાજકારણ વિશે આ પણ વાંચો
TVKના 93 નેતાઓ પહેલીવાર ધારાસભ્ય બન્યા, 40 સામે કેસ, જાણો વિજય થલાપતિ કેટલું ભણેલા છે?
વિજય અને રાહુલ ગાંધીની મિત્રતા: 17 વર્ષ જૂની કેમિસ્ટ્રી બની TVK – કોંગ્રેસ ગઠબંધનનું કારણ
હવે જ્યારે વિજય પાસે અન્ય પક્ષોના સમર્થનનો આંકડો વધી રહ્યો છે, ત્યારે રાજ્યપાલ પર તેમને શપથ લેવડાવવા માટેનું દબાણ વધશે અને ટૂંક સમયમાં તમિલનાડુમાં વિજય સરકાર બનશે.
