Mehsana Election Information: મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જંગી લોહિયાળ બની છે. મહેસાણાના વોર્ડ નંબર 4માં તાવડિયા રોડ પર ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે અથડામણમાં ભાજપ ઉમેદવારના ભાણા મિતેન ચૌધરીની છરીના ઘા છીંકી હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ સમગ્ર મહેસાણામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ છે.
પ્રાપ્ત વિગત મુજબ, શુક્રવારે મોડી રાતે મહેસાણાના વોર્ડ નં- 4 તાવડિયા રોડ વિસ્તારમાં કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. જેમા 4 થી 5 અજાણ્યા શખ્સો તીક્ષ્ણ હથિયાર અને લાકડીઓ લઇ ભાજપ ઉમેદવારના ભાણિયા મિતેન ચૌધરી પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં મિતેન ચૌધરીને ગંભીર ઇંજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યું થયું છે. આ હુમલામાં 3 થી 4 લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા.
આ ઘટના વિશે DYSP મિલાપ પટેલે જણાવ્યું કે, આ હિંસક ઘટના શુક્રવાર રાતે મહેસાણા શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા માનવઆશ્રમ ચોકડીથી તાવડિયા તરફ જવાના રસ્તા પર બની હતી. મિતેન ચૌધરી અને તેના અન્ય 2 થી 3 મિત્રો ગાડી બેસી ત્યાંથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે 4 થી 5 અજાણ્યા શખ્સોએ તેમની ગાડને આંતરીને અટકાવી હતી. હુમલાખોરોએ યોજનાબદ્ધ રીતે ધારદાર હથિયાર અને લાકડીઓ વડે આ યુવકો પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં મિતેન ચૌધરીને ગંભીર ઇજા પહોંચી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. અન્ય 2 થી 3 યુવકોને ઇજા પહોંચી છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
મહેસાણામાં પોલીસનો કાફલો ખડકાયો
મહેસાણા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હિંસક ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં પરિસ્થિતિ તંગ છે. મહેસાણામાં પોલીસનો કાફલો ખડકાયો છે. પોલીસ સીસીટીવી ફુટેજ અને કોલ ડિટેલ રેકોર્ડના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે.
