જો તમે બજારમાંથી તાજા શાકભાજી ખરીદવા માંગતા હોવ તો તેની તાજગી પારખવા માટે અહીં કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ આપવામાં આવી છે. જેમાં સ્પર્શ અને રંગથી લઈને દાંડીની સ્થિતિ સુધીની બાબતોનો સમાવેશ થાય છે.
શાકભાજી ખરીદતી વખતે લોકો ઘણીવાર માત્ર તેના રંગને જોઈને જ તે સારું હોવાનું માની લે છે અને ખરીદી કરે છે. ઘરે લાવ્યા પછી અને રાંધવાનું શરૂ કર્યા બાદ જ તેમને ખબર પડે છે કે શાકભાજી બગડી ગઈ છે. શાકભાજીની તાજગી જાણવા માટે તેના રંગ, દાંડી, ટેક્સચર અને વજન જેવી બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. પ્રમાણિત ન્યુટ્રિશનિસ્ટ અને વજન ઘટાડવાના નિષ્ણાત લિમા મહાજન બજારમાંથી તાજા શાકભાજી કેવી રીતે પસંદ કરવા તે અંગે કેટલીક ટિપ્સ આપી છે.
શાકભાજી ખરીદતા પહેલા આ બાબતો ધ્યાનમાં રાખો
રીંગણ: રીંગણ ખરીદતા પહેલા તેને હળવા હાથે દબાવીને તપાસો. જો દબાવ્યા પછી તે પાછું તેના મૂળ આકારમાં આવી જાય તો તે તાજું છે. જો તે તેના આકારમાં પાછું ન આવે અથવા ત્યાં ખાડો પડી જાય તો તેને ખરીદશો નહીં. આવા રીંગણ સ્વાદમાં કડવા હોઈ શકે છે.
શાકભાજીની દાંડી તપાસો
જે શાકભાજીમાં દાંડી હોય તેની દાંડી હંમેશા તપાસો. લીલી દાંડી તાજગી સૂચવે છે, જ્યારે કાળી દાંડી સૂચવે છે કે શાકભાજી બગડી ગઈ છે અથવા વાસી થઈ ગઈ છે.
ગવાર: ગવાર ખરીદતી વખતે ખાતરી કરો કે તે બહુ મોટા કે બહુ જાડા ન હોય. નાની અને પાતળી શીંગો પસંદ કરવાનો પ્રયાસ કરો કારણ કે તેનો સ્વાદ વધુ મીઠો હોય છે.
આ પણ વાંચો: રસોડાના વાસણો અને ટાઇલ્સ પરથી જિદ્દી ચીકણાશ દૂર કરવાના આસાન ઉપાયો
ટીંડોળા: જો તમને ઘરે ટીંડાળા બનાવવાનું પસંદ હોય તો ખાતરી કરો કે તમે ખરીદો છો તે ટીંડોળા બહુ સખત ન હોય. હંમેશા એવા ટીંડોળા પસંદ કરો જેની છાલ પર ઝીણા રુંવાડા હોય. તે નરમ અને મીઠા હોય છે જેનાથી સ્વાદિષ્ટ વાનગી બને છે.
શક્કરિયાં: શક્કરિયાં બધાને ગમે છે પરંતુ ક્યારેક ખરીદ્યા પછી તે સ્વાદહીન નીકળે છે. તેથી શક્કરિયાં ખરીદતી વખતે હંમેશા તેના રંગ પર ધ્યાન આપો. ઘાટા લાલ કે લાલાશ પડતી છાલવાળા શક્કરિયાં પસંદ કરવાનો પ્રયાસ કરો. સામાન્ય રીતે આવા શક્કરિયાં વધુ મીઠા માનવામાં આવે છે.
