ગુજરાતમાં ગૂમ થતાં બાળકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ગુજરાત વિધાનસભામાં મિસિંગ ચિલ્ડ્રનનો મુદ્દો ગાજ્યો હતો. વિપક્ષે માનવ તસ્કરીની આશંકા સાથે સરકારને આડેહાથ લીધી હતી. ખુદ સરકારે સ્વીકાર્યું કે 24 જિલ્લામાં ગૂમ થયેલા 553 બાળકોને લઈ હજુ પણ કોઈ જાણકારી નથી. 2 વર્ષ પછી પણ ગૂમ થયેલા બાળકોને પોલીસ શોધી શકી નથી.
ગાંધીનગર વિધાનસભા ગૃહમાં કાયદા વ્યવસ્થાને લઈને ગરમાગરમ બહસ જામી હતી. વિપક્ષે રાજ્યમાં ગૂમ થતાં બાળકોને લઈને ચિંતા વ્યક્ત કરી કે, ગૂમ થયેલા બાળકોને શોધવા માટે ગૃહવિભાગે ખાસ ડ્રાઈવ કરવી જોઈએ. પોલીસે સક્રિય થવું જોઈએ. તેનું કારણ એ છે કે છેલ્લાં 2 વર્ષમાં ગુજરાતમાં 24 જિલ્લામાં ગૂમ થયેલા બાળકોની સંખ્યા 6240 છે જે પૈકી હજુ 553 બાળકો મળી આવ્યા નથી જે ચિંતાનું કારણ છે.
ગુમ થયેલા બાળકોનો શહેર પ્રમાણે આંકડો
જિલ્લો |
ગૂમ બાળકો |
શોધવાના બાકી |
| અમદાવાદ | 809 | 41 |
| સુરત | 841 | 76 |
| રાજકોટ | 477 | 36 |
| વડોદરા | 352 | 18 |
| પંચમહાલ | 176 | 25 |
| દાહોદ | 263 | 52 |
| આણંદ | 166 | 26 |
| ગાંધીનગર | 208 | 51 |
| છોટાઉદેપુર | 107 | 13 |
| મહેસાણા | 296 | 46 |
| ભરૂચ | 160 | 10 |
| ખેડા | 188 | 29 |
| સાબરકાંઠા | 150 | 15 |
| અરવલ્લી | 170 | 16 |
| કચ્છ | 242 | 14 |
ગૂમ થયેલી 67 મહિલાઓ, ઘરે પાછી આવી ગઈ
છેલ્લાં બે વર્ષમાં કુલ મળીને 67 મહિલાઓ ગૂમ થઈ હતી. અમદાવાદમાં સૌથી વધુ 20 અને સુરતમાં 15 મહિલાઓ ગૂમ થઈ હતી. 15થી વધુ જિલ્લામાં મહિલા ગૂમ થયાની ફરિયાદો મળી હતી. જોકે ગૃહવિભાગે દાવો કર્યો કે, ગૂમ થયેલી મહિલાઓ સલામત રીતે પરત ફરી છે. હવે એકેય મહિલા શોધવાની બાકી નથી.
