Final Up to date:
રાજુ કરપડાએ કથિત રીતે ભાજપ નેતા સાથે વાતચિત કરી હોવાની ઓડિયો ક્લિપ વાયરલ કરવા બદલ આપના ડોક્ટર કરણ બારોટ, વિપુલ ઠાકોર, સ્વયં સાલવી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
રાજકોટ: આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડા હાલ ફરી ચર્ચામાં આવ્યા છે. કથિત રીતે તેમની કોઈ ભાજપ નેતા સાથે વાતચીત અને ભાજપમાં જોડાવા અંગેના વાયરલ ઓડિયો ક્લિપ અંગે તેમને હાલ સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 336 (3), 336 (4), 340, 356(2), 54 તેમજ આઇટી એક્ટની કલમ મુજબ ડોક્ટર કરણ બારોટ, વિપુલ ઠાકોર, સ્વયં સાલવી તેમજ તપાસમાં ખુલ્લે તે તમામ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે.
વિગતે વાત કરીએ તો, તાજેતરમાં આપ છોડ્યા બાદ રાજુ કરપડા અંગે રાજકીય ગરમાવો જામ્યો છે. જે ચર્ચાઓ વચ્ચે ગઈકાલે 14 ફેબ્રુઆરી 2026ના રોજ માધવી પાર્ટી ગુજરાત પ્રદેશના મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરણ બારોટ, વિપુલ ઠાકોર તેમજ સ્વયં સાલવી સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી અને તેમાં તેમને એક ઓડિયો ક્લિપ પ્લે કરી કથિત રીતે રાજુ કરપડાની કોઈ ભાજપ નેતા સાથે વાતચીત થતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
આ પત્રકાર પરિષદમાં એક ઓડિયો ક્લિપ પ્લે કરીને સંભળાવવામાં આવી હતી. જે ઓડિયો ક્લિપ રાજુ કરપડા તેમજ અન્ય કોઈ વ્યક્તિ સાથે વાતચીત થઈ હોય તે પ્રકારનું રેકોર્ડિંગ દર્શાવવામાં આવ્યું હતું. ઓડિયો ક્લિપમાં રાજુ કરપડાનો અવાજ હોય તેવું દર્શાવી, તેઓ ભાજપ પક્ષના કોઈ નેતા સાથે વાતચીત કરતા હોવાનો દાવો રજૂ કરવામાં આવ્યો હતો. સાથે જ રાજુ કરપડાએ ખેડૂતો સાથે ગદ્દારી કરી છે અને તે ભાજપ પક્ષમાં જોડાવાની વાત રજૂ કરવામાં આવતા રાજકારણમાં હલચલ જોવા મળી હતી.
ત્યારે, હાલ આ તમામ આરોપોને રાજુ કરપડાએ પાયા વિહોણા અને અર્થવિહીન ગણાવ્યા છે. રાજુ કરપડાએ કહ્યું કે, પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરેલ રેકોર્ડિંગ બાબતે પણ અમે કંઈ જાણતા નથી, તેમજ અમારો કોઈ અવાજ નથી. રેકોર્ડિંગ જોતા જણાઈ આવે છે કે આમ આદમી પાર્ટીના પ્રવક્તા ડોક્ટર કરણ બારોટ સહિતના વ્યક્તિઓએ ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરી અથવા તો એઆઇ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ઊભું કર્યું છે.
પોલીસને આપેલી ફરિયાદમાં સુરેન્દ્રનગરના મુળી તાલુકાના દુધઈ ખાતે રહેતા રાજુ કરપડા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ઓડિયો ક્લિપમાં મારો જ અવાજ છે તે રીતે તેનો ઉપયોગ કરી પ્રેસ પરિષદમાં સંભળાવી આમ આદમી પાર્ટીના ઓફિશિયલ પેજ તેમજ ડોક્ટર કરણ બારોટ નામના ફેસબુક આઇડી પર શેર કરીને મને બદનામ કરાયો છે, જેથી મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. માટે આ મામલે જરૂરી કાર્યવાહી થવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, બોટાદમાં ચાલી રહેલી કડદા પ્રથા મામલે રાજુ કરપડા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યા હતા. તેમજ હડદડ ગામ ખાતે પોલીસ ઉપર પથ્થરમારા સહિતની ઘટના બનતા ત્રણ મહિનાથી પણ વધુ સમય રાજુ કરપડા સહિતના નેતાઓએ જેલવાસ વિતાવવો પડ્યો હતો. તેમજ ગત સપ્તાહે રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવામાં આવ્યું હતું. તેમજ ત્યારબાદ ગોપાલ ઇટાલીયા સહિતના નેતાઓ વિરુદ્ધ આક્ષેપો પણ કરવામાં આવતા રાજકારણમાં હલચલ શરૂ થઈ છે.
Surendranagar,Gujarat

