Final Up to date:
અમદાવાદ SOG ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2019માં ગાંજો પકડવાના કેસમાં સ્પેશિયલ NDPS કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. વટવા રોપડા રોડ વિસ્તારમાંથી લાખો રૂપિયાના ગાંજાનો વિશાળ જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. આ કેસને લઈને અમદાવાદની સ્પેશિયલ NDPS કોર્ટએ ચાર આરોપીઓને 15 વર્ષની સખત કેદ અને દરેક આરોપીને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
અમદાવાદ : શહેર એસ.ઓ.જી ક્રાઇમે ત્રીજી ઓક્ટોબર 2019ના રોજ બાતમીના આધારે વટવા રોપડા રોડ પાસેથી 32 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપ્યો હતો. તપાસ આગળ વધતા અલગ અલગ જગ્યાઓ પરથી એસ.ઓ.જી ક્રાઇમની ટીમે કુલ 332 કિલો જેટલો ગાંજાનો જથ્થો સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરતા સમગ્ર કૌભાંડનો ભંડાફોડ થયો હતો. બાદમાં આ કેસની કાર્યવાહી સ્પે. NDPS કોર્ટમાં ચાલવા પર આવી હતી. જેમાં સરકારી વકીલ દિલીપસિંહ એમ. ઠાકોર દ્વારા કોર્ટ સમક્ષ આરોપીઓ સામે કુલ 15 સાક્ષી અને 36થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.
તમામ સાક્ષીઓના નિવેદન, જપ્તી પંચનામા, ફોરેન્સિક રિપોર્ટ અને અન્ય દસ્તાવેજોનું સઘન મૂલ્યાંકન કર્યા બાદ સરકારી વકીલની દલીલો ધ્યાને લઈ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. સ્પેશિયલ NDPS કોર્ટના જજ વી.બી. રાજપૂત સાહેબે આરોપી અબ્દુલ શેખ, નોમાન શેખ, સુનિલ મલિક અને સુશાંત બિશ્વાલને દોષિત ઠેરવ્યા હતા. જ્યાં કોર્ટે ચારેય આરોપીઓને 15 વર્ષની સખત કેદ અને પ્રત્યેક આરોપીને 2 લાખનો દંડ ફટકાર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં મૂળ ફરિયાદ 3 ઓક્ટોબર 2019ના રોજ અમદાવાદ SOG ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નોંધવામાં આવી હતી. તે સમયે બાતમીના આધારે વટવા રોપડા રોડ પરથી 32 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી લેવાયો હતો. બાદમાં તપાસ દરમિયાન ખુલ્યું હતું કે આરોપીઓનું નેટવર્ક અલગ અલગ વિસ્તારોમાં ફેલાયેલું હતું અને ત્યાંથી પણ મોટી માત્રામાં NDPS પદાર્થનો જથ્થો સંગ્રહિત રાખવામાં આવ્યો હતો.
કોર્ટના આ ચુકાદાને ડ્રગ્સના ગેરકાયદે વેપાર સામે કાયદાની કડક કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યો છે. તપાસ એજન્સીઓનું કહેવું છે કે આ ચુકાદો ભવિષ્યમાં આવા ગુનાઓમાં સંડોવાયેલા તત્વો માટે ચેતવણીરૂપ સાબિત થશે. NDPS એક્ટ હેઠળ આપવામાં આવેલી કઠોર સજા સમાજમાં નશીલા પદાર્થોના દુષણ સામે મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહી છે.
Ahmedabad,Gujarat
Feb 11, 2026 11:21 PM IST

