Final Up to date:
અમદાવાદમાં જીએસટી વિભાગ દ્વારા ફાર્મા ગ્રુપ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં કુલ 20 કરોડથી વધુની કરચોરીનો મામલો સામે આવ્યો છે. જેને લઈને 2 વ્યક્તિઓની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ: શહેરના ફાર્મા ગ્રુપ પર GST વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે. એક ફાર્માસ્યુટિકલ ગ્રુપની કુલ 11 સંબંધિત પેઢીઓ દ્વારા કરવામાં આવેલી મોટાપાયે GST ચોરીનો પર્દાફાશ થયો છે. કુલ 114.89 કરોડના કરપાત્ર વ્યવહારો અને રૂ. 20.68 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હોવાનું સામે આવ્યું છે. GST વિભાગે અલગ અલગ ટિમ બનાવી 32 જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું.
કેટલીક ફાર્મા કંપનીઓએ પોતાના GST રજીસ્ટ્રેશનની વિગતોમાં ફેરફાર કરીને આયર્ન એન્ડ સ્ટીલ/ઇંગોટ્સના ટ્રેડિંગને ધંધાકીય પ્રવૃત્તિ તરીકે દર્શાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગુજરાત રાજ્ય GST વિભાગે અમદાવાદ સ્થિત એક ફાર્માસ્યુટિકલ ગ્રુપની કુલ 11 સંબંધિત પેઢીઓ દ્વારા કરવામાં આવેલી મોટાપાયે GST ચોરીનો પર્દાફાશ કર્યો છે.
કુલ 32 જગ્યાઓમાં આયોજનબદ્ધ રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ધ્યાને આવ્યું કે ઘણી પેઢીઓ અમદાવાદમાં એક જ જગ્યાએથી સંચાલિત થતી હતી. કેટલીક ફાર્મા કંપનીઓએ પોતાના GST રજીસ્ટ્રેશનની વિગતોમાં ફેરફાર કરીને આયર્ન એન્ડ સ્ટીલ/ઇંગોટ્સના ટ્રેડિંગને ધંધાકીય પ્રવૃત્તિ તરીકે દર્શાવી હતી. જ્યારે હકીકતમાં આવી પેઢીઓ માલની હેરફેર કર્યા વિના ખોટા બિલો અને ઇ-વે બિલોના આધારે ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં સંડોવાયેલી હતી.
RFID, ઇ-વે બિલો અને ટોલ પ્લાઝા પરના ડેટા વેરિફિકેશન સહિતના અદ્યતન ડેટા એનાલિટિક્સ દ્વારા આ વ્યવહારો માત્ર કાગળ પર થયા હોવાનો પર્દાફાશ થયો છે. આ ઉપરાંત કેટલાક ધંધાના સ્થળ તરીકે દર્શાવેલ સ્થળો પર પેઢીઓ હકીકતમાં કાર્યરત ન હોવાનું પણ ધ્યાને આવ્યું છે. વધુમાં અન્ય રેકોર્ડ તપાસતા અત્યાર સુધીમાં કુલ રૂ.114.89 કરોડના કરપાત્ર વ્યવહારો શોધી કાઢવામાં આવ્યા છે, જેમાં રૂ. 20.68 કરોડની ITC ખોટી રીતે મેળવવામાં આવ્યા હતા.
આમ, આ તપાસો દરમિયાન કર ચોરીની રકમ રૂ.5 કરોડથી વધુ હોઈ CGST/GGST અધિનિયમની કલમ 132 હેઠળ આ ગુનો Cognizable અને બિન-જામીનપાત્ર છે. કેસની ગંભીરતાને ધ્યાને લઈ બે વ્યક્તિઓની ધરપકડ કરી, નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, અમદાવાદ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જેઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ મામલે વધુ તપાસ હાલ ચાલુ છે, જેમાં જપ્ત કરાયેલા દસ્તાવેજો, ડિજિટલ પુરાવા, નાણાકીય વ્યવહારો, આંતરરાજ્ય કડીઓની તપાસનો સમાવેશ થાય છે.
Ahmedabad,Gujarat
Jan 21, 2026 10:12 PM IST

