મોરબી જિલ્લામાં હાલમાં રાજ્યની વિકાસગાથા અને ખેડૂતોની વેદના વચ્ચેનો સીધો સંઘર્ષ દેખાઇ રહ્યો છે. કાળઝાળ ગરમી અને અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે, હળવદ અને જેતપર સહિત વિસ્તારોના ખેડૂતો ભૂખ હડતાળ પર ઉતરી આવ્યા છે. આ આંદોલન અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડના હાઈ-વોલ્ટેજ પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટ સામે છે, જ્યાં ખેડૂતો તેમની કિંમતી જમીન ગુમાવવાના બદલામાં નજીવું વળતર મળવાને કારણે ભારે રોષે ભરાયા છે. ખેડૂતો ‘બજાર કિંમતના 400% વળતર’ની માંગ સાથે સરકાર સામે આકરા પાણીએ છે. તો બીજી તરફ સરકાર આ મામલે સારો નિર્ણય આવશે એવી આશા વ્યક્ત કરી રહી છે.
40 ડિગ્રીની કાળઝાળ ગરમીમાં, લગભગ સો જેટલા લોકો, જેમાં અડધાથી વધુ મહિલાઓ છે, એક શામિયાણા નીચે બેઠા છે. ત્યાં યોજાયેલા ડાયરામાં સંગીત અને ઘોડાઓની પરેડ જોવા મળી રહી છે, જે ગુજરાતના ઝાલાવાડ પ્રદેશની સંસ્કૃતિની ઝાંખી કરાવે છે, જેનો મોરબી અને સુરેન્દ્રનગર પણ એક ભાગ છે.
આ સભામાં એકઠા થયેલા લોકો વિરોધ પ્રદર્શન માટે આવ્યા છે. કેટલાક પુરુષોએ મુંડન કરાવ્યું છે. આંદોલનકારીઓમાંથી એક નાનો પરંતુ સતત વધતો જૂથ 17 જૂનથી ભૂખ હડતાળ પર છે; જેમાંથી કેટલાકને તબીબી સારવારની પણ જરૂર પડી છે.
વિરોધ પ્રદર્શન કરનારાઓમાં મોટાભાગના પાટીદાર ખેડૂતો છે અને તેઓ કચ્છ જિલ્લાના ખાવડા રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી વીજળી વહન કરવા માટે હાઈ-વોલ્ટેજ ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે તેમની જમીનના ઉપયોગના બદલામાં વધુ વળતરની માંગ કરી રહ્યા છે.
હાઈ-ટેન્શન પાવર ટ્રાન્સમિશન કેબલ્સ માટેના ટાવર્સ હળવદ ટ્રાન્સમિશન લિમટેડ દ્વારા સ્થાપિત કરવામાં આવી રહ્યા છે, જે દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) ની સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) છે.
હાઈ-ટેન્શન ટ્રાન્સમિશન લાઈન અને ટાવર્સ સામે વિરોધ પ્રદર્શન રાજ્યમાં 9 જૂનના રોજ વિવિધ સ્થળોએ શરૂ થયા હતા, અને તે મોરબી જિલ્લામાં કેન્દ્રિત થયા છે, જ્યાં ખેડૂતોનો દાવો છે કે તેઓ આ પ્રોજેક્ટથી “સૌથી વધુ પ્રભાવિત” થયા છે.
15 જૂનના રોજ, ગુજરાત કોંગ્રેસે ગાંધીનગરમાં રાજ્યવ્યાપી વિરોધ રેલી શરૂ કરી હતી અને પક્ષની એક માંગણી મોરબીના આંદોલન સાથે સુસંગત હતી. હાલ અન્ય જિલ્લાઓમાંથી પસાર થઈ રહેલી આ રેલીમાં મોરબીના મોટી સંખ્યામાં ખેડૂતો જોવા મળ્યા છે.
શાસક પક્ષ ભાજપ હજુ સુધી પ્રદર્શનકારીઓ સાથે ગંભીરતાથી જોડાયો નથી, પરંતુ તે તેમની સામે હોય તેવું ન દેખાય તેની કાળજી રાખી રહ્યો છે. આ આંદોલનનું કેન્દ્રબિંદુ અને પાટીદાર બહુમતી ધરાવતા એવા મોરબીએ ઐતિહાસિક રીતે પ્રાદેશિક ચૂંટણીઓ અને રાષ્ટ્રીય રાજકીય આંદોલનો બંનેમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
બજાર ભાવ વીઘે 40 લાખ અને વળતર મામુલી…
65 વર્ષીય રામજીભાઈ નાનજીભાઈ ભાડજા જણાવે છે કે મોરબી જિલ્લાના જેતપર ગામમાં આવેલી તેમની 12 વીઘા જમીનમાંથી લગભગ 70% જમીનનો ઉપયોગ ટ્રાન્સમિશન ટાવર અને કેબલ માટે થશે. તેમની જમીન રાજ્ય ધોરીમાર્ગ (સ્ટેટ હાઈવે) ની બાજુમાં આવેલી છે જે ઉત્તરમાં કચ્છ તરફ જાય છે, અને હાલમાં તેની કિંમત પ્રતિ વીઘા અંદાજે 40 લાખ રુપિયા છે. વીજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયા પછી, તેઓ તેની કિંમતમાં મોટો કડાકો આવવાની અપેક્ષા રાખે છે.
રામજીભાઈ જેવા ખેડૂતો તેમની જમીનનો કાયમી કબજો ગુમાવશે નહીં, પરંતુ તેઓ અપેક્ષા રાખે છે કે આ બાંધકામથી ખેતી કરવી અશક્ય બનશે અને ખરીદદારો માટે તે બિનઆકર્ષક બની જશે. અને આ નુકસાન માટે તેમને જે વળતર આપવામાં આવી રહ્યું છે તે ખૂબ જ ઓછું છે. રામજીભાઈએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, તેમની 8.3 વીઘા જમીન માટે તેમને માત્ર 30 લાખ રુપિયાની આસપાસ જ મળશે.
રામજીભાઈના મોટા પુત્ર અમિતભાઈએ જણાવ્યું હતું કે, અમે લાચારીના કારણે ભૂખ હડતાળ પર બેઠા છીએ. રાજ્ય સરકાર અમારી માંગણીઓ પર કોઈ ધ્યાન આપી રહી નથી. છેલ્લા કેટલાક દિવસોમાં નાના બાળકો અને મહિલાઓ સહિત અનેક ખેડૂતોની વિરોધ સ્થળો પરથી અટકાયત કરવામાં આવી છે.
સંવેદનશીલ મુદ્દો, ખેડૂતોની અટકાયત
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક (SP) એમ. એન. પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન માટે મંજૂરી લીધી ન હતી, તેમ છતાં પોલીસ તેમની સામે નરમ વલણ અપનાવી રહી છે કારણ કે આ એક સંવેદનશીલ મુદ્દો છે.
એસપીએ જણાવ્યું હતું કે, હળવદ માળિયા હાઈવે બ્લોક કરવાનો પ્રયાસ કરવા અને અવરોધો ઊભા કરવા બદલ કેટલાક ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. અમે કોઈ સગીરોની અટકાયત કરી નથી; બાળકો તેમની માતાઓ સાથે આવવાનો આગ્રહ રાખતા હતા અને જાતે જ પોલીસ વાહનોમાં ચઢી ગયા હતા. આ દરમિયાન કેટલીક મહિલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થઈ હતી.
આ પણ વાંચો । ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, જાણો ક્યાં કેટલો થયો વરસાદ
જેતપરમાં વિરોધ પ્રદર્શન કચ્છના ખાવડામાં આવેલા KPS-2 પૂલિંગ સ્ટેશનથી મોરબીના હલવદમાં નવા સ્વિચિંગ સ્ટેશન સુધી 246 કિમીના અંતરે હળવદ ટ્રાન્સમિશન લિમટેડ દ્વારા 756 કેવી ડીસી (kV DC) લાઇન નાખવા સામે છે.
મંગળવારે વિરોધ પ્રદર્શનના 13મા દિવસે, જ્યારે ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા ગામની મુલાકાત લેવામાં આવી ત્યારે નવ ખેડૂતો ભૂખ હડતાળ પર બેઠા હતા. ગામના મુખ્ય બજારમાં બસ સ્ટેન્ડ નજીક આવેલી “ઉપવાસ છાવણી” તરફ ત્રિરંગો લહેરાવતા પુરુષો અને મહિલા પ્રદર્શનકારીઓને લઈને મિની ટ્રકો અને ટ્રેક્ટર ટ્રોલીઓ આવી રહી હતી.
સરકારના મંત્રીના ભાઇ પણ વિરોધ પ્રદર્શનમાં
ભૂખ હડતાળ પર બેઠેલા પ્રદર્શનકારીઓમાં 57 વર્ષીય રાકેશભાઈ શિવલાલ અમૃતિયા અને 51 વર્ષીય ભરતભાઈ અમૃતિયાનો સમાવેશ થાય છે, જેઓ મોરબીના બહુ-ટર્મ ભાજપ ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાના ભાઈઓ છે.
રાકેશભાઈએ જણાવ્યું હતું કે, અમારા ભાઈ કે જે મંત્રી છે તે અમે ભૂખ હડતાળ પર બેઠા તેના થોડા દિવસો પહેલા અમારી મુલાકાતે આવ્યા હતા અને આ મુદ્દાને ઉકેલવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા. પરંતુ એવું લાગે છે કે સરકારના ઉચ્ચ અધિકારીઓને આમાં કોઈ રસ નથી. અમે બંને દુઃખી છીએ. હું એક ખેડૂત છું અને ખેડૂતોને સમર્થન આપવું મારી ફરજ છે. મારી કોઈ રાજકીય આકાંક્ષાઓ નથી.
ભરતભાઈએ ઉમેર્યું: ટ્રાન્સમિશન લાઇન મારી ખેતીની જમીનને અસર કરી રહી નથી. પરંતુ હું અહીં એવા ખેડૂતોના સમર્થન માટે આવ્યો છું જેમની પાસે માંડ 3-4 વીઘા જમીન છે અને તેમના પરિવારો અને નાના બાળકોનું પેટ ભરવાનું છે.
35થી વધુ ગામોના ખેડૂતોનું સમર્થન
મોરબી જિલ્લાના 35થી વધુ ગામોના સરપંચોએ પ્રદર્શનકારીઓ પ્રત્યે એકતા દર્શાવી છે. મોરબી જિલ્લા સરપંચ એસોસિએશનના પ્રમુખ અને નીચી માંડલ ગામના સરપંચ રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, “ખેડૂતોના સમર્થનમાં અમે બીજી વખત જેતપર આવ્યા છીએ. જો જરૂર પડશે તો અમે ફરી આવીશું.
ખેડૂતોએ છ માંગણીઓની યાદી રજૂ કરી છે, જેમાં જમીન માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા જંત્રી દર મુજબ નહીં, પરંતુ રાજસ્થાન દ્વારા તેના ખેડૂતોને આપવામાં આવતા વળતરની તર્જ પર બજાર કિંમતના 400% લેખે વળતર આપવાની માંગ સામેલ છે.
આ પણ વાંચો । સુરત નાસિરનગર ડિમોલિશન વિવાદ પ્રકરણમાં 5 અધિકારીઓ સસ્પેન્ડ
17 જૂનથી ભૂખ હડતાળ પર બેઠેલા નવ ખેડૂતોમાંના એક નેહુલકુમાર ધીરજલાલ અમૃતિયા (31) એ જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકારના 14 જૂન, 2024 ના પરિપત્રની માર્ગદર્શિકા જણાવે છે કે માર્કેટ રેટ કમિટી (MRC), જે પાવર ટ્રાન્સમિશન કોરિડોર બનાવવા માટે જમીન વળતરનું મૂલ્ય નક્કી કરે છે, તે ટાવર વિસ્તાર માટે બજાર કિંમતના 200% નક્કી કરશે.
જો કે, આ હાઈ-વોલ્ટેજ લાઈન હોવાથી, રાજસ્થાન સરકાર આવા કિસ્સામાં વધારાના 200% ઓફર કરે છે. તેથી અમે પણ જંત્રી દર નહીં પરંતુ બજાર કિંમતના 400% ની માંગણી કરી છે.
આ બાબતો સંવાદ દ્વારા જ ઉકેલી શકાય: કલેક્ટર
ડિસ્ટ્રિક્ટ લેવલ વેલ્યુએશન કમિટી (DLVC) ના અધ્યક્ષ અને મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “સરકારે 28 જૂનના રોજ ખેડૂતોને વાટાઘાટો માટે આમંત્રિત કર્યા હતા અને જણાવ્યું હતું કે તમામ માંગણીઓ વિચારણા હેઠળ છે અને બાબતો માત્ર સંવાદ દ્વારા જ ઉકેલી શકાય છે. પરંતુ તેમની તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.
જો કે, વિરોધ કરી રહેલા ખેડૂતો આગ્રહ રાખી રહ્યા છે કે સરકાર પહેલા તેમની તમામ માંગણીઓ સ્વીકારે. મોરબીથી ૩૫ કિમી દૂર આવેલા ટીકર ગામના ખેડૂત નિલેશભાઈ એરવાડિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા નથી અને અમને તેમના પર વિશ્વાસ કરતા ડર લાગે છે. તેથી અમે વિનંતી કરી છે કે, પહેલા અમને લેખિતમાં આપો કે આ છ માંગણીઓ સ્વીકારવામાં આવી છે.
એરવાડિયાએ જણાવ્યું હતું કે ભૂખ હડતાળ દરમિયાન તેમનું વજન 16 કિલો ઘટી ગયા બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને બે દિવસ માટે આઈસીયુ (ICU) માં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રતિકાત્મક ઉપવાસ પ્રદર્શન ભૂખ હડતાળમાં ફેરવાયું
આ વિરોધ પ્રદર્શન 9 જૂને પુરુષો અને મહિલાઓ દ્વારા પ્રતીકાત્મક ઉપવાસ તરીકે શરૂ થયું હતું, પરંતુ સ્થાનિક પોલીસ સાથેની અવારનવાર અથડામણો પછી 17 જૂને તે અણનમ ભૂખ હડતાળમાં ફેરવાઈ ગયું હતું. આશરે 15 ખેડૂતોએ 19 જૂને મુંડન કરાવ્યું હતું.
ઉપવાસ છાવણી પર દરરોજ સાંજે ભીડ ઉમટી પડે છે, કિસાન ઝિંદાબાદ ના નારા લગાવવામાં આવે છે, અને પ્રદર્શનકારીઓ શેરી નાટકો અને સમુદાયના અગ્રણીઓના પ્રેરણાદાયી પ્રવચનો દ્વારા ન્યાયની માંગ કરે છે.
ગુરુવારે સવારે, ખેડૂતો વરસાદથી બચવા માટે વિરોધ સ્થળને નજીકના હોલ ‘રામ વાડી’ ખાતે લઈ ગયા હતા. છાવણીના સ્થળે “રેઈન-પ્રૂફ ડોમ” બનાવવાની કામગીરી ચાલુ હતી.
કૃષિ મંત્રીએ કહ્યું, ખેડૂતો માટે સારો નિર્ણય લેવાશે
બુધવારે ગાંધીનગરમાં કૃષિ મંત્રી અને ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ખેડૂતોની માંગણીઓ અંગે ટૂંક સમયમાં “સારો નિર્ણય” લેવામાં આવશે.
વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી કક્ષાએ સતત ચર્ચાઓ થતી રહે છે અને તે ચાલુ છે. જે પણ નિર્ણય લેવામાં આવશે, તે ખેડૂતોના હિતમાં સારો નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રી આ મુદ્દાને ખૂબ જ સંવેદનશીલતાથી લઈ રહ્યા છે… ખેડૂતોનું હિત અમારી પ્રાથમિકતા છે.
અદાણી જૂથનું શું કહેવું છે?
અદાણી જૂથના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર વળતરની ઓફર કરવામાં આવી છે.
AESL ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, AESL એ પ્રવર્તમાન નિયમો હેઠળ સરકારી માર્ગદર્શિકા મુજબ જમીનમાલિકોને વળતરની ઓફર કરી છે. જો કે, કેટલાક જમીનમાલિકોએ સરકારી માર્ગદર્શિકા કરતાં વધુ વળતરની માંગ કરી છે.
તેમણે ઉમેર્યું કે, વૈધાનિક પ્રક્રિયાના ભાગરૂપે, અમે નિર્દેશો માટે જિલ્લા અધિકારીઓનો સંપર્ક કર્યો હતો, જેમણે તમામ હિતધારકો સાથે અનેક તબક્કાની સુનાવણી બાદ વળતર નક્કી કર્યું છે અને AESL ને કામ ચાલુ રાખવા માટે અને જો જરૂર પડે તો પોલીસ સુરક્ષા હેઠળ મંજૂરી આપી છે.
AESL જમીનમાલિકો સાથે જોડાવા અને વહીવટીતંત્ર દ્વારા કાયદા હેઠળ નક્કી કરાયા મુજબ યોગ્ય વળતર ચૂકવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે પરંતુ કેટલાક સ્થાપિત હિતો જમીનમાલિકોને ઉશ્કેરી રહ્યા છે.
ખેડૂતોની મુખ્ય માંગણીઓ
જમીનની બજાર કિંમત નક્કી કરવા માટે માર્કેટ રેટ કમિટી (MRC) ની રચના કરવામાં આવે.
ટાવર વિસ્તાર માટે, MRC દ્વારા નક્કી કરાયેલી જમીનની બજાર કિંમતના 400% વળતર આપવામાં આવે.
સેફ્ટી કોરિડોર એટલે કે RoW (રાઈટ ઓફ વે) વિસ્તાર માટે, ગ્રામીણ, નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં MRC દ્વારા નક્કી કરાયેલી બજાર કિંમતના અનુક્રમે 230%, 285% અને 260% વળતર આપવામાં આવે.
સંપૂર્ણ વળતર અગાઉથી અને એક જ હપ્તામાં ચૂકવવામાં આવે.
ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડર આદેશ જાહેર કરે તે પછી કલેક્ટરે વળતર આપવાની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરવી જોઈએ.
ઉપરોક્ત સિવાયના તમામ મુદ્દાઓ પર, ગુજરાત ઊર્જા વિભાગે કેન્દ્ર સરકારની 2024ની માર્ગદર્શિકા મુજબ પરિપત્ર બહાર પાડવો જોઈએ.
