Pakistan Gurdwara Demolition: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 125 વર્ષ જૂના ઐતિહાસિક ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા સાહિબને તોડી પાડવાની ભારતે સખત નિંદા કરી છે. એક સ્થાનિક ઉદ્યોગપતિએ ગુરુદ્વારાને તોડી પાડવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટનાથી પાકિસ્તાનના શીખ સમુદાયમાં વિરોધ શરૂ થયો છે. અહેવાલો અનુસાર સંબંધિત વિભાગ પાસેથી જરૂરી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવ્યા વિના 24 જૂનની રાત્રે ગુરુદ્વારાને તોડી પાડવામાં આવ્યું હતું. પાકિસ્તાની અધિકારીઓએ પણ પુષ્ટિ આપી છે કે નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું.
ભારતે શું કહ્યું?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદન જારી કરીને આ ઘટનાને “અત્યંત નિંદનીય અને એક આદરણીય શીખ ધાર્મિક સ્થળ સામે ઇરાદાપૂર્વક તોડફોડનું કૃત્ય” ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારતે પાકિસ્તાનના ફારુખાબાદમાં 125 વર્ષ જૂના પવિત્ર ગુરુદ્વારાને તોડી પાડવાના અહેવાલો પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું કે ગુરુદ્વારાને થયેલું નુકસાન અને સ્થાનિક વહીવટીતંત્ર અને ઇવેક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ETPB) દ્વારા નક્કર કાર્યવાહીનો અભાવ ગંભીર ચિંતાનો વિષય છે.
ગુનેગારો સામે કાર્યવાહીની માંગ
ભારતે પાકિસ્તાન સરકારને આ મામલાની ઝડપી તપાસ કરવા, ગુનેગારોને ન્યાય અપાવવા અને ગુરુદ્વારાના ક્ષતિગ્રસ્ત ભાગોને વહેલી તકે ફરીથી બનાવવા વિનંતી કરી છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ કોઈ અલગ ઘટના નથી. પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓ અને તેમના પૂજા સ્થાનોને નિશાન બનાવવાની અગાઉની ઘટનાઓ નોંધાઈ છે.
ભારતે પાકિસ્તાન સરકારને તેના લઘુમતી સમુદાયો અને તેમના ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સાંપ્રદાયિક હિંસા અને ધાર્મિક અસહિષ્ણુતાના વાતાવરણને સમાપ્ત કરવા માટે અસરકારક પગલાં લેવા અપીલ કરી હતી.
પાકિસ્તાનમાં વિરોધ
પાકિસ્તાનની પંજાબ પ્રાંતીય સરકારના એક અધિકારીના જણાવ્યા અનુસાર, લાહોરથી લગભગ 70 કિલોમીટર દૂર ફારૂખાબાદમાં ઐતિહાસિક ગુરુદ્વારા સિંહ સભાને તાજેતરમાં એક સ્થાનિક ઉદ્યોગપતિ દ્વારા તોડી પાડવામાં આવી હતી.
અધિકારીઓએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, “ઉદ્યોગપતિએ સંબંધિત વિભાગ પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવ્યા વિના ગુરુદ્વારાને તોડી પાડ્યો હતો.” તેમણે કહ્યું કે પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે આ વિસ્તારમાં શીખ સમુદાયના વિરોધ બાદ આ બાબતની નોંધ લીધી છે.
બુધવારે, પંજાબ લઘુમતી બાબતોના મંત્રી રમેશ સિંહ અરોરાએ ફારુખાબાદમાં ગુરુદ્વારા સિંહ સભાની મુલાકાત લીધી અને તેના તાત્કાલિક પુનર્નિર્માણની જાહેરાત કરી.
અરોરાની સાથે શેખુપુરાના ડેપ્યુટી કમિશનર, સહાયક કમિશનર ઇમરાન અલી હરાલ, મ્યુનિસિપલ કમિટીના મુખ્ય અધિકારી, ઓકાફ વિભાગના અધિકારીઓ અને અન્ય વહીવટી અધિકારીઓ હતા. તેમણે સ્થાનિક શીખ સમુદાય સાથે મુલાકાત કરી અને તેમની ફરિયાદો સાંભળી.
મીડિયા સાથે વાત કરતા મંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રી મરિયમ નવાઝે સ્પષ્ટ કર્યું છે કે સરકાર લઘુમતીઓના મૂળભૂત અધિકારો અને તેમના ધાર્મિક સ્થળોનું કોઈપણ કિંમતે રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
તેમણે ઓકાફ વિભાગને ગુરુદ્વારા સિંહ સભાની જમીનની માલિકી અને કાનૂની સ્થિતિની તાત્કાલિક તપાસ કરવાનો નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું કે પ્રારંભિક માહિતી અનુસાર, મિલકત ઓકાફ વિભાગના નામે નોંધાયેલ નથી.
અરોરાએ કહ્યું, “મેં વ્યક્તિગત રીતે સ્થળનું નિરીક્ષણ કર્યું છે અને સંબંધિત અધિકારીઓને શક્ય તેટલી વહેલી તકે તથ્ય આધારિત અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.”
તેમણે એમ પણ કહ્યું કે ગુરુદ્વારા સિંહ સભાનું પુનર્નિર્માણ કાર્ય તાત્કાલિક શરૂ થશે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે પંજાબ સરકાર રાજ્યના ઐતિહાસિક ધાર્મિક વારસાને જાળવવા અને લઘુમતી સમુદાયોના પૂજા સ્થાનોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચોઃ- ભારત અને પાકિસ્તાનના 100થી વધુ નેતાઓએ પીએમ મોદી અને શહબાઝ શરીફને લખ્યો પત્ર
આ સંકુલ 80 વર્ષથી ત્યજી દેવાયું હતું
ગુરુદ્વારાની આસપાસ કાર્યરત સ્થાનિક વેપારીઓએ પુનર્નિર્માણ યોજના સામે વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે આ સંકુલ લગભગ 80 વર્ષથી ત્યજી દેવાયું હતું. આ સમય દરમિયાન ઘણા પરિવારો ત્યાં સ્થાયી થયા અને મોટી સંખ્યામાં દુકાનો પણ બનાવવામાં આવી. વેપારીઓનું કહેવું છે કે જો ગુરુદ્વારાનું પુનઃનિર્માણ કરવામાં આવે તો ડઝનબંધ પરિવારો વિસ્થાપિત થઈ શકે છે.
