મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. હાઈસ્કૂલથી રાજ્યવ્યાપી 24માં શાળા પ્રવેશોત્સવનો કરાવ્યો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. હાઈસ્કૂલથી રાજ્યવ્યાપી 24માં શાળા પ્રવેશોત્સવનો કરાવ્યો પ્રારંભ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ‘શાળા પ્રવેશોત્સવ’ની 24મી કડીનો રાજ્ય વ્યાપી પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાળા શિક્ષણ મેળવેલી વડનગરની બી.એન. હાઈસ્કુલથી કરાવ્યો હતો. શિક્ષણ સેવા યજ્ઞ સમાન આ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના વડનગરની ઐતિહાસિક બી.એન. હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 390 જેટલા બાળકોનું શાળામાં નામાંકન કરવામાં આવ્યું હતું. 

મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સામાન્ય પરિવારનો વિદ્યાર્થી પણ મહેનત, સંકલ્પ અને શિક્ષણના બળ પર જીવનમાં મોટી સફળતા મેળવી શકે છે, તેનું ઉત્તમ ઉદાહરણ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીનું જીવન છે. તેમના નેતૃત્વમાં શિક્ષણ, કૌશલ્ય અને વિકાસના ક્ષેત્રે નવી તકો ઊભી થઈ છે. 

મુખ્યમંત્રીએ શાળા પ્રવેશોત્સવની ફળશ્રુતિ અંગે કહ્યું કે, 2003માં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે  નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનું મહત્વપૂર્ણ અભિયાન શરૂ કરાવ્યું હતું. તેના પરિણામે રાજ્યના શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. 

એક સમયે મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ અધવચ્ચે છોડી દેતા હતા, પરંતુ સતત પ્રયાસો અને શિક્ષણ પ્રત્યેની સામૂહિક જવાબદારીના કારણે આજે શાળાઓમાં નામાંકન દર 100 ટકા સુધી પહોંચ્યો છે અને ડ્રોપઆઉટ રેશિયો 1 ટકાથી પણ ઓછો થયો છે.

વડનગરની શાળાના 24 બાળકો જેમણે કોઈ કારણોસર શાળા-અભ્યાસ છોડી દીધો હતો તેમને શોધીને પુનઃપ્રવેશ કરાવવામાં આવ્યો છે. તે માટે મુખ્યમંત્રીએ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતાં. 

ટેકનોલોજી અને શિક્ષકોના સતત પ્રયાસોના પરિણામે શાળા બહાર રહેલા બાળકોને શોધી ફરી શિક્ષણ સાથે જોડવામાં આવી રહ્યા છે. કોઈ વિદ્યાર્થી  એકાદ-બે દિવસ ગેરહાજર રહે તો શિક્ષકો વાલીઓનો સંપર્ક કરીને બાળકની ગેરહાજરીની ચિંતા કરે છે. દરેક બાળક શાળાકીય શિક્ષણ પૂરું કરે તે માટે સરકારની સાથે વાલીઓની પણ એટલી જ જવાબદારી છે તેમ પણ મુખ્યમંત્રીએ આ તકે અનુરોધ કર્યો હતો. 

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી યોજનાઓ અમલમાં મૂકી છે તેના સકારાત્મક પરિણામો ટૂંકા ગાળામાં જ મળ્યા છે. ‘નમો લક્ષ્મી’ યોજના હેઠળ ધોરણ ૯ થી ૧૨માં ભણતી દીકરીઓને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય અને ‘નમો સરસ્વતી’ યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓને ૨૫,૦૦૦ રૂપિયાની પ્રોત્સાહક આર્થિક સહાય આપવામાં આવે છે. 

મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતાં કહ્યું કે, મોબાઈલ અને ટીવીનો ઉપયોગ મર્યાદિત રાખી અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સમયનું યોગ્ય આયોજન, માતા-પિતાનો આદર અને શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા દ્વારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. 

આ કાર્યક્રમની વિશેષતા હતી કે, મંચ સંચાલન, મહાનુભાવોનું સ્વાગત અને આભારવિધિ જેવી તમામ વ્યવસ્થાઓ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જ સંભાળવામાં આવી હતી. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓના આ કૌશલ્યની પ્રસંશા કરી હતી. 

કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ કલા અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

શિક્ષણની સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ વાહન વ્યવહારના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમના અંતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. તેમણે શાળા વ્યવસ્થાપન કમિટી અને સંચાલક મંડળના સભ્યો સાથે પણ બેઠક યોજીને શૈક્ષણિક ગુણવત્તા બાબતે પરામર્શ કર્યો હતો.

આ પણ વાંચોઃ- સુરતની હોટલમાં દંપતીનો આત્મહત્યાનો પ્રયાસ, ઝેરી દવા પીતા પત્નીનું મોત અને પતિની હાલત ગંભીર

આ રાજ્યવ્યાપી પ્રવેશોત્સવ પ્રસંગે ધારાસભ્ય  કિરીટભાઈ પટેલ, વડનગર નગરપાલિકાના પ્રમુખ મતી મિતિકા શાહ, તાલુકા પંચાયત પ્રમુખ  કાનુજી ઠાકોર, અગ્રણી  ગીરીશભાઈ રાજગોર,  ભરતભાઈ ડાંગર, જિલ્લા કલેકટર  એસ. કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી સુ અંચુ વિલ્સન, શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ શિક્ષણ ઉત્સવમાં સહભાગી થયા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *