ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ આવતીકાલે 23મી એપ્રિલ ગુરૂવારના રોજ સવારે 7-00 કલાકથી સાંજના 06-00 કલાક સુધી યોજાશે. જ્યારે મત ગણતરી તારીખ 04 મે, સોમવારના રોજ યોજાશે.
ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમરેઠ તાલુકો અને આણંદ ગ્રામ્ય વિસ્તારના મળીને કુલ 46 ગામોનો સમાવેશ થાય છે અને 03 નગરપાલિકાઓ ઓડ, ઉમરેઠ અને બોરીયાવીનો પણ સમાવેશ થાય છે. આ પેટાચૂંટણીમાં કુલ 06 હરીફ ઉમેદવારો મેદાને છે. તદુપરાંત 18 થી 19 વર્ષની વય ધરાવતા 4,174 યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. જ્યારે 85 વર્ષ કરતા વધુ વયના સુપર સિનિયર સિટીઝન 1,556 મતદારો પણ પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. આ ઉપરાંત 1,546 જેટલા દિવ્યાંગ મતદારો પણ મતદાન કરશે. જ્યારે 85 વર્ષથી વધુ વયના 88 અને 13 દિવ્યાંગો ઘરેથી મતદાન કરી ચુક્યા છે. આમ 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં 1,26,545 પુરુષ મતદારો, 1,19,072 મહિલા મતદારો અને અન્ય 06 મતદારો મળીને કુલ 2,45,623 મતદારો નોંધાયા છે, જે ચૂંટણીમાં મતદાન કરી શકશે.
ECI દ્વારા માન્ય 12 પૈકી કોઈપણ એક દસ્તાવેજને આધારે મતદાન કરી શકાશે
- આધાર કાર્ડ
- મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ
- બેંક અથવા પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક
- શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ/આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- પાનકાર્ડ
- એન.પી.આર.(નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર) અન્વયે આરજીઆઈ દ્વારા અપાતા સ્માર્ટ કાર્ડ
- ભારતીય પાસપોર્ટ
- ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ
- કેન્દ્ર /રાજ્ય સરકાર/ જાહેર ક્ષેત્ર ઉપક્રમો /જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખ પત્રો
સંસદ સભ્યો/ ધારાસભ્યો/ વિધાન પરિષદના સભ્યોને ઇશ્યૂ કરેલા સરકારી ઓળખ પત્રો અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા યુનિક ડિસેબિલીટી આઈડી કાર્ડ પૈકી કોઈ પણ 01 દસ્તાવેજ રજૂ કરવાનો રહેશે. - વધુમાં બિન નિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી થયેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત “અસલ પાસપોર્ટ” રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.
શહેરી વિસ્તારમાં 68 અને ગ્રામ્ય વિસ્તારમાં 238 એમ કુલ 306 મતદાન મથકો સજ્જ
ઉલ્લેખનીય છે કે, ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં શહેરી વિસ્તારમાં 68 મતદાન મથકો અને ગ્રામ્ય વિસ્તારમાં 238 મતદાન મથકો મળી કુલ 306 મતદાન મથકો સજ્જ કરવામાં આવ્યા છે. જ્યાં થતી તમામ ગતિવિધીઓ પર નજર રાખવા માટે વેબકાસ્ટિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ મતદાનો પૈકી 1 મતદાન મથક દિવ્યાંગો દ્વારા સંચાલિત, 2 યુવાઓ દ્વારા સંચાલિત તથા 2 મહિલાઓ દ્વારા સંચાલિત મતદાન મથકો રહેશે. જ્યારે 5 આદર્શ મતદાન મથક પણ તૈયાર કરવામાં આવ્યા છે. મતદાનની સમગ્ર પ્રક્રિયામાં કુલ 1,348 મતદાન સ્ટાફ, 22 માઇક્રો ઓબ્ઝર્વર અને 19 જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓ સહિત અંદાજે 1,500 જેટલો મોટો કર્મચારીગણ કાર્યરત છે. જેમને ત્રણ તબક્કામાં સઘન તાલીમ પણ આપવામાં આવી છે.
“ટ્રમ્પ સાહેબ જ્યારે પણ રાષ્ટ્રપતિ બને છે…”, જર્મનીમાં રાજનાથ સિંહે એવું શું કહ્યું કે બધા હસી પડ્યા?
શાંતિ અને સલામતી માટે સુરક્ષાદળો ખડેપગે
મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ છે. જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીની આગેવાનીમાં 02 ડીવાયએસપી, 04 પોલીસ ઇન્સ્પેક્ટર, 500 જેટલા પોલીસ અને હોમગાર્ડના જવાનો ઉપરાંત સીઆરપીએફની 03 કંપની મતદાન મથકો ખાતે ફરજ બજાવશે.
23 એપ્રિલના રોજ પેટા-ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીને ધ્યાને રાખીને ઉમરેઠ મતવિસ્તારના કર્મચારીઓ કોઈપણ અવરોધ વગર લોકશાહીના પર્વમાં સહભાગી થઈ મતદાન કરી શકે તે માટે મતદાનના દિવસ એટલે કે, 23 એપ્રિલના રોજ રજા જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણીમાં કોઈપણ વ્યક્તિને ચૂંટણીલક્ષી ફરિયાદ કે રજૂઆત કરવી હોય તો જિલ્લા કક્ષાએ ટોલ ફ્રી નંબર 1950 ઉપર અથવા 111- ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી માટે ઓડ ખાતે કંટ્રોલરૂમ નંબર 02692 298071 શરૂ કરવામાં આવ્યો છે.
