Mayawati Tweet Una Dalit Flogging Case: વર્ષ 2016 માં ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે ચાર દલિત યુવાનો પર થયેલા અમાનુષી અત્યાચાર અને મારપીટની ઘટનાએ સમગ્ર દેશમાં ભારે આક્રોશ જગાડ્યો હતો. આ ચર્ચિત ઉના દલિત અત્યાચાર કાંડના કેસમાં માર્ચ મહિનામાં સ્થાનિક અદાલતે 40 માંથી 35 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો ચુકાદો આપ્યો હતો. આ બાબત પર બહુજન સમાજ પાર્ટી (BSP) ના સુપ્રિમો માયાવતીએ ટ્વીટ કરીને પોતાની ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને ગુજરાત સરકાર સમક્ષ પીડિતો માટે કાનૂની સહાયની માંગ કરી છે.
માયાવતીએ ટ્વીટ કરીને ચિંતા વ્યક્ત કરી
માયાવતીએ પોતાના એક્સ હેન્ડલ પરથી ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, સ્થાનિક કોર્ટ દ્વારા આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા બાદ પીડિત દલિત પરિવારો ન્યાય મેળવવા માટે હાઈકોર્ટમાં અપીલ કરવા માંગે છે પરંતુ તેમની પાસે પૂરતા નાણાકીય સાધનો નથી.
તેમણે કહ્યુ, “2016 ના ઉના દલિત કાંડના લગભગ તમામ આરોપીઓને માર્ચ મહિનામાં સ્થાનિક કોર્ટે બરી કરી દીધા હતા. આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારીને ન્યાય મેળવવા માટે પીડિત દલિત પરિવારોએ ભારે આર્થિક અને અન્ય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આવી વિચલિત કરનારી કડવી સચ્ચાઈથી ‘બહુજન સમાજ’ ના લોકોમાં ભારે ચિંતા વ્યાપેલી છે.”
1. गुजरात राज्य के ज़िला गिर सोमनाथ के ऊना में सन् 2016 में हुये दलितों पर जघन्य अन्याय-अत्याचार काण्ड के लगभग सभी अभियुक्तों को मार्च में स्थानीय कोर्ट द्वारा बरी करने के फैसले को हाईकोर्ट में चुनौती देकर न्याय पाने के लिये पीड़ित दलित परिवारों को वित्तीय आदि का भारी चुनौतियों…
— Mayawati (@Mayawati) August 7, 2026
“સરકારી ઉદાસીનતાનું પરિણામ” – માયાવતી
માયાવતીએ પોતાની પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો કે આ ઘટના બની ત્યારે તેઓ પોતે ઉના જઈને પીડિત પરિવારોને મળ્યા હતા અને તત્કાલીન સરકાર સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં ભારે રોષ હોવા છતાં 40 માંથી 35 આરોપીઓ બરી થઈ જાય તે બીજું કંઈ નહીં પરંતુ દલિતો પ્રત્યે સરકારી દ્વેષ, તેમના હિત અને સુરક્ષા પ્રત્યેની બેદરકારી અને ઉદાસીનતાનું પરિણામ દર્શાવે છે.
ગુજરાત સરકાર પાસે બે મુખ્ય માંગણીઓ
પીડિત પરિવારોને સાચો ન્યાય મળે તે માટે માયાવતીએ ગુજરાત સરકાર સમક્ષ બે મહત્વની માંગણીઓ મૂકી છે, જેમાં 1. હાઈકોર્ટમાં મજબૂત પેરવી કરવી. ગુજરાત સરકાર પોતાની ભૂલ સુધારીને આ કેસમાં હાઈકોર્ટમાં યોગ્ય અને મજબૂત પેરવી કરે જેથી તમામ દોષિતોને સખત સજા મળે અને સમાજમાં દાખલો બેસે. 2. સરકારી ખર્ચે વકીલ અને કાનૂની સહાય. પીડિત પરિવારના સંતોષ મુજબ સરકારી ખર્ચે વકીલ ઉપલબ્ધ કરાવવામાં આવે.
આ પણ વાંચો: ઊના દલિત અત્યાચાર કેસ: હાઈકોર્ટમાં ન્યાયની લડત માટે પીડિત પરિવાર પાસે હવે પૈસા નથી!
માયાવતીએ આ સંદર્ભમાં ઉત્તર પ્રદેશમાં તેમની બસપા સરકારના શાસનકાળનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, જે રીતે ઉત્તર પ્રદેશમાં તેમની સરકારે ગરીબો માટે ફ્રી લીગલ એઇડ (ફ્રી કાનૂની સહાય) ની કાનૂની જોગવાઈ કરી હતી, તે જ રીતે ગુજરાત સરકારે પણ આ પીડિતોને આર્થિક મદદ કરવી જોઈએ.
