Gujarat ATS search operation: અષાઢી બીજના આડે હવે માટ્ર બે દિવસ બાકી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. અષાઢી બીજની રથયાત્રા દરમિયાન કોઈ ખરાબ ઘટના ન બને તે માટે ગુજરાત એટીએસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
અમદાવાદ રથયાત્રાના બે દિવસ પહેલા જ ગુજરાત એટીએસ દ્વારા પાટણના સિદ્ધપુરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગુજરાત ATSની ટીમે પાટણ જિલ્લાના સિદ્ધપુરના વ્યસ્ત વિસ્તાર ઝાંપલીપોળમાં રેડ કરીને 5 શંકાસ્પદ ઈસમોની અટકાયત કરીને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
કટલરીના વેપારીની પૂછપરછ
મળતી માહિતી પ્રમાણે ગુજરાત એટીએસના સર્ચ ઓપરેશન દરમિયાન સિદ્ધપુરના ઝાંપલીપોળ સ્થિત ‘નૂરાની ટેલર્સ’ નામની દુકાનમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. એટીએસની ટીમ આ શંકાસ્પદ ઇસમને વધુ પૂછપરછ અને તપાસ અર્થે અજ્ઞાત સ્થળે લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
કોઈ આતંકી દ્વારા આ કટલરીની દુકાનમાંથી નાના રમકડાંમાં વપરાતી બેટરીઓની ખરીદી કરવામાં આવી હોવાની આશંકાને પગલે એટીએસ દ્વારા આ ઓપરેશન હાથ ધરાયું હતું.
સિદ્ધપુરમાંથી વધુ 5 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત
ગુજરાત એટીએસના આ ઓપરેશનના ભાગરૂપે આજે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી વધુ 5 શંકાસ્પદ વ્યક્તિઓને અટકાયત કરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસને સાથે રાખીને વિવિધ વિસ્તારોમાં મોડી સાંજ સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ- ગિરનાર અભ્યારણ્યમાં યાત્રાળુઓની સુરક્ષા માટે નિયમો જાહેર
ગુજરાત ATS દ્વારા રાજ્યમાં રથયાત્રા જેવા મોટા તહેવારોમાં વિઘ્ન નાખવા અને સંગઠનને ફરી સક્રિય કરવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સંયુક્ત કાર્યવાહી દરમિયાન કુલ 8 શંકાસ્પદ આતંકીઓની અટકાયત કરવામાં આવી છે.
