Final Up to date:
અમદાવાદમાં આવેલ ખોખરા સબ રજિસ્ટ્રારની કચેરીમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અશાંતધારાના બનાવટી દસ્તાવેજો ઊભા કરીને મકાન પચાવી પાડવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. જોકે આ મામલે સબ રજિસ્ટ્રાર કચેરીમાં અધિકારીઓને જાણ થઈ જતા આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદ: ખોખરાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. દસ્તાવેજ બનાવવા આવેલા શખ્સે અશાંતધારાના બનાવટી દસ્તાવેજો ઊભા કરી આ ઉપરાંત સાક્ષીઓ પણ બનાવટી ઊભા કરીને મકાન પચાવવાનું કાવતરું ઘડ્યું હોવાની શંકાના આધારે મકાન વેચનાર અને ખરીદનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે પોલીસે મોહમંદ નદીમ લિયાકત બાગબાન સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો, ખોખરા રુક્ષ્મણીબેન હોસ્પિટલ નજીક આવેલા નારોલ રજિસ્ટ્રાર કચેરીમાં પ્રીતિબહેન બારોટ સબ રજિસ્ટ્રાર તરીકે નોકરી કરે છે. ગત વર્ષે જુલાઈ મહિનાની 28મી તારીખે બપોરના સમયે તેઓ તેમની ફરજ પર હાજર હતા. આ સમયે દાણીલીમડા જૂના ઢોર બજાર પાસે રહેતો એક શખ્સ આવ્યો અને અશાંતધારાની પરમિશન સાથે દસ્તાવેજ બનાવવા માટે અધિકારી સમક્ષ ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા.
જે ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા તેમાં મિલકત વેચાણ આપનાર અને મિલકત ખરીદનારના બંને પક્ષોના વિડીયોગ્રાફી નિવેદન નોંધીને ફાઈલ જમા લીધી હતી. બાદમાં મહિલા કર્મીએ દસ્તાવેજ બનાવવા માટે આવેલી ફાઈલમાં અશાંતધારા સર્ટિફિકેટ ઉપર લાગેલા બારકોડ સ્ટીકરને સ્કેન કરતા માલુમ પડ્યું કે જમીન તો કોઈ બીજાના નામે બોલે છે અને વેચનાર અને ખરીદનાર બંને અલગ વ્યક્તિઓ હોવાનું સામે આવ્યું હતું.
ત્યારબાદ મહિલાએ તેમના સિનિયર અધિકારીઓને આ અંગે જાણ કરીને દસ્તાવેજ બનાવવા માટે આવેલા સાક્ષીઓને બોલાવતા તેઓ બહાનું બતાવીને છટકી ગયા હતા. ત્યારે આ મામલે ખોખરા પોલીસ અશાંતધારા અને જમીનના બનાવટી દસ્તાવેજ બનાવવાના આરોપ હેઠળ મોહમંદ નદીમ લિયાકત બાગબાન વિરુદ્ધ ખોખરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ત્યારે ફરિયાદ બાદ પોલીસ તપાસ શરૂ કરી છે અને તપાસમાં ખુલાસો થશે કે આ સમગ્ર ઘટના પાછળની હકીકત શું છે અને અન્ય કોણ કોણ સામેલ છે.
Ahmedabad,Gujarat
Jan 29, 2026 10:49 PM IST

