ODI World Cup 2027 : ભારતના લેજન્ડરી બેટ્સમેન વિરાટ કોહલીએ કહ્યું છે કે આવતા વર્ષે રમાનાર વન ડે વર્લ્ડ કપ ભારત માટે તેનો આખરી વર્લ્ડ કપ હશે, જેમાં તે ટાઈટલ જીતવાના લક્ષ્યને પુરું પાડવા માટે સર્વસ્વ દાવ પર લગાવી દઇશ. 37 વર્ષીય કોહલી હવે માત્ર એક જ વન ડે ફોર્મેટમાં રમી રહ્યો છે. વિરાટે રવિવારથી (26 સપ્ટેમ્બર) શરૂ થનારી વેસ્ટ ઇન્ડીઝ સામેની વનડે શ્રેણી પહેલા ‘જિયોસ્ટાર’ સાથે વાતચીતમાં પોતાના ભવિષ્ય વિશે વાત કરી હતી. રોહિત શર્માએ પણ વન-ડે વર્લ્ડ કપ પર રિએક્શન આપ્યું હતું.
આવતા વર્ષના વર્લ્ડ કપની યજમાની સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયા કરશે. વિરાટ કોહલીએ કહ્યું કે મારા માટે આ છેલ્લો વર્લ્ડ કપ હશે જે હું ભારત માટે રમીશ અને તે જ મારી પ્રેરણા છે. હું મારું સર્વસ્વ દાવ પર લગાવી દઇશ. નિશ્ચિત રુપે જ લક્ષ્ય વર્લ્ડ કપ જીતવાનું છે અને તેના માટે જે પણ કંઈ પણ કરવું પડે હું તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છું.
કોહલીએ જણાવ્યું શું હશે પડકાર
કોહલી મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી હેઠળ 2011માં વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો ભાગ હતો. નવેમ્બરમાં 38 વર્ષનો થઈ રહેલા કોહલીએ કહ્યું કે 50 ઓવરના વર્લ્ડ કપનો પડકાર અને રમતનું દબાણ અન્ય કોઈ પણ ફોર્મેટ કરતાં વધુ છે. હવે તમારે ટી20 સ્તરની તીવ્રતા વાળા લગભગ 10 મુકાબલા રમવાના હોય છે પરંતુ એક દિવસમાં તમે અઢી ટી20 મેચ બરાબર ક્રિકેટ રમી રહ્યા હોવ છો. આટલી મોટી ટૂર્નામેન્ટ અને વર્લ્ડ કપમાં 10 મેચ માટે તે ગતિ જાળવી રાખવી સરળ નથી. આ સિવાય આ વખતે મેચો વિદેશી પરિસ્થિતિમાં રમાશે જે ખૂબ જ પડકારજનક છે.
રોહિત શર્માએ શું કહ્યું?
કોહલીના સાથી ખેલાડી અને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ પણ વન ડે વર્લ્ડ કપ જીતવાના સપનાની વાત કરી હતી. 39 વર્ષીય રોહીતે કહ્યું કે જ્યાં સુધી તે રમી રહ્યો છે, ત્યાં સુધી ભવિષ્યમાં કંઈક પ્રાપ્ત કરવાનું રહેશે. મારા મનમાં ક્યારેય એ વિચાર નહીં આવે કે જે પ્રાપ્ત કરવાનું હતું તે પ્રાપ્ત થઈ ગયું છે. જ્યાં સુધી તમે રમી રહ્યા છો ત્યાં આગળ જોવા માટે હંમેશા કંઈકને કંઇક હોય છે. હું વર્લ્ડ કપ અને તેમાં પોતાના માટે જે શક્યતાઓ છે તેને લઇને ઉત્સાહિત છું.
એશિયન ગેમ્સ 2026 : ભારતની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે રમાશે, મેચ સવારે આ સમયે શરૂ થશે
આઇસીસી ટૂર્નામેન્ટ અનોખો પડકાર છે
રોહિતે કહ્યું કે વર્લ્ડ કપ કે આઇસીસીની કોઈ પણ ટૂર્નામેન્ટના પોતાના પડકારો હોય છે, કારણ કે તેમાં જુદી જુદી ટીમો અને મેદાનો પણ રમવાનો સમાવેશ થાય છે. જ્યારે વર્લ્ડ કપ રમાય છે અથવા આપણે આઈસીસી ટૂર્નામેન્ટમાં પ્રવેશ કરીએ છીએ, ત્યારે તેના પોતાના અનોખો પડકાર હોય છે. તમારે જુદા જુદા વિરોધીઓ અને જુદા જુદા મેદાનો પણ રમવું પડશે. એટલા માટે તૈયારી અલગ રીતે કરવી પડશે, વિચારવાની રીત પણ બદલવાની હોય છે. તે તેનો પડકાર છે.
