વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાંથી હડકવાના (રેબીઝ) એક અત્યંત ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. અહીં હેમંત નામના યુવકને થોડા સમય પહેલાં એક રખડતા કૂતરાએ બચકું ભર્યું હતું પરંતુ યોગ્ય સમયે સારવાર અને એન્ટી-રેબીઝ વેક્સિન ન લેવાને કારણે તેની સ્થિતિ અચાનક અત્યંત ગંભીર બની ગઈ હતી. યુવક પોતાને જ બચકા ભરવા લાગ્યો હતો. જે બાદ આસપાસના લોકોએ તેને પકડી રાખ્યો હતો અને 108 એમ્બ્યુલન્સન મદદથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો.
જ્યારે પરિસ્થિતિ કાબુ બહાર ગઈ ત્યારે આસપાસના લોકોએ તે યુવાનને રોક્યો. માહિતી મળતાં, ‘108’ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી અને તેને ગોત્રી હોસ્પિટલમાં લઈ ગઈ. બાદમાં તેને વધુ સારવાર માટે ચેપી રોગની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને તે તબીબી દેખરેખ હેઠળ છે. આ ઘટનાથી લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે.
દર્દીના બચવાની શક્યતા ઓછી
આ ગંભીર કેસ પર ટિપ્પણી કરતા ચેપી રોગના નિષ્ણાત ડૉ. હિતેન કરેલિયાએ કહ્યું, “એકવાર હડકવા શરૂ થઈ જાય પછી દર્દીના બચવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે. હડકવાનો વાયરસ 2 થી 14 દિવસમાં અસર કરે છે અને દર્દીના મગજ પર સીધો હુમલો કરે છે. તેથી કૂતરો કરડ્યા પછી તરત જ સમય બગાડ્યા વિના હડકવા વિરોધી રસી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.”
જો તમને કોઈ રખડતા પ્રાણી કરડે તો શું કરવું?
રસ્તા પર કૂતરો કે બિલાડી કરડ્યા પછી તમારે પહેલા નજીકની હોસ્પિટલમાં જવું જોઈએ. જો પ્રાણીનો મળ કે લાળ તમારી ત્વચા પર હોય તો તરત જ પાણી અને સાબુની મદદથી તે જગ્યા સાફ કરો. જો રખડતા પ્રાણીને હડકવા થયો હોય તો તમને 2 થી 10 દિવસમાં લક્ષણો દેખાવા લાગશે. તેના લક્ષણોમાં હાથ-પગ સુન્ન થઈ જવા, દુખાવો અને ધ્રુજારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તાવ અથવા વર્તનમાં ફેરફાર જોવા મળે છે.
આ પણ વાંચો: હડકવા અંગે WHO ની માર્ગદર્શિકા, કૂતરૂં કરડ્યા પછી તરત જ આ કામ કરો; ચેપ લાગશે નહીં
ધ્યાન રાખવા જેવી બાબતો
એકવાર હડકવો થયા પછી બચવાની શક્યતા ખૂબ ઓછી હોય છે. પરંતુ સમયસર રસી અને સારવાર તેને અટકાવી શકે છે. ખાસ ધ્યાન રાખો કે જો તમે કોઈ શેરીનો કૂતરો કે પ્રાણી જુઓ જેની ક્રિયાઓ અન્ય કૂતરાઓ કરતા અલગ હોય તો તે પણ હડકવાથી પીડિત હોઈ શકે છે. ડોકટરોના મતે જો કોઈ રખડતા પ્રાણીને કોઈ ઈજા થાય અને તે તમને કરડે તો પણ સારવારમાં વિલંબ કરવાનું ટાળવું જોઈએ.
દુનિયાભરમાં હડકવાના 36 ટકા કેસ ભારતમાં
ડબ્લ્યુએચઓના જણાવ્યા અનુસાર, એશિયા અને આફ્રિકામાં આ ઝૂનોટિક રોગનું સૌથી વધુ જોખમ છે. ભારતમાં હડકવાના સૌથી વધુ કેસ છે. દુનિયાભરમાં હડકવાના 36 ટકા કેસ ભારતમાં છે. આ વર્ષે 19મો વિશ્વ હડકવા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.
કૂતરાના કરડવાથી હડકવા ફેલાય છે
ડબ્લ્યુએચઓના જણાવ્યા અનુસાર, હડકવાનો ચેપ લાસા વાયરસથી સંક્રમિત પ્રાણીના કરડવાથી મનુષ્યોમાં ફેલાય છે. તે એક ઝૂનોટિક રોગ છે જે ચેપગ્રસ્ત બિલાડીઓ, કૂતરાઓ અને વાંદરાઓના કરડવાથી મનુષ્યોમાં ફેલાઈ શકે છે. તે મગજમાં બળતરા પણ પેદા કરી શકે છે. એવું માનવામાં આવે છે કે હડકવાના 99 ટકા કેસો કૂતરા માંથી માણસોમાં સંક્રમિત થાય છે, જે હડકવાથી મૃત્યુની સંખ્યામાં વધારો કરે છે.
