Rahul Gandhi : લગભગ 8 કલાક સુધી આકાશવાણી પરિસરમાં બેઠા રહ્યા બાદ દિલ્હી પોલીસે રાહુલ ગાંધીની અને પ્રિયંકા ગાંધીની અટકાયત કરી છે. આને લઇને કોંગ્રેસે એક પછી એક અનેક ટ્વિટ કર્યા છે, જેમાં તેમણે કહ્યું કે બધું યાદ રાખવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે સંસદ ભવનથી શરૂ થયેલી ઈન્ડિયા બ્લોકનો વિરોધ માર્ચ બપોરે ધરણામાં ફેરવાઈ ગયો હતો. એક તરફ જ્યારે ઇન્ડિયા ગઠબંધનના ઘણા સાંસદોને પોલીસે અટકાયતમાં લીધા હતા, તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત અન્ય કોંગ્રેસના નેતાઓ આકાશવાણી કેન્દ્ર પરિસરમાં ઘૂસી ગયા હતા અને ધરણા કર્યા હતા.
બપોરે વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર બપોરે લગભગ 12.00 વાગ્યે રાહુલ ગાંધી આકાશવાણી રેડિયો કેન્દ્ર પરિસરમાં પ્રવેશ્યા હતા. પ્રિયંકા ગાંધી, કેસી વેણુગોપાલ, પવન ખેડા, અમરિંદર સિંહ રાજા વડિંગ જેવા ઘણા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરો પણ તેમની પાછળ ગયા હતા. રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસના નેતાઓ અહીં લગભગ 8 કલાક બેઠા હતા.
8 કલાક બાદ પોલીસે તેમને હટાવ્યા
આ પછી રાત્રે લગભગ 08.00 વાગ્યે દિલ્હી પોલીસે આકાશવાણી કેન્દ્રમાં પ્રવેશેલા કોંગ્રેસ નેતાઓને હટાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. શરૂઆતમાં તેમણે રાહુલ ગાંધી અને અન્ય નેતાઓને જાતે જ જગ્યા ખાલી કરવાની વિનંતી કરી હતી, પરંતુ રાહુલ ગાંધી ધરણા પર અડગ રહ્યા હતા. દિલ્હી પોલીસે કોંગ્રેસના કાર્યકરોને બળજબરીથી હટાવવાની કવાયત શરૂ કરી હતી. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર કરતા રહ્યા હતા.
सब याद रखा जाएगा https://t.co/2A6KHcft9f
— Congress (@INCIndia) October 6, 2026
કોંગ્રેસે ટ્વિટ કર્યું – અમે લોકશાહીને બચાવવા માટે લડતા રહીશું
કોંગ્રેસે આ કાર્યવાહીને લઇને એક્સ પર કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આકાશવાણી ભવનમાં પોલીસ મોકલી છે, જે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સાંસદોને બળજબરીથી ઉઠાવી રહી છે.
આગળ લખ્યું કે પીએમ મોદી પોલીસના દમનના બળ પર અવાજ દબાવવા માંગે છે, પરંતુ યાદ રાખો કે આ હુંકાર હવે દબાવવાનો નથી, ગદ્દાર જ્ઞાનેશને જવું પડશે.
દિલ્હીમાં રાહુલ ગાંધીએ કહ્યું – અમે બીજેપીને ખતમ કરી દઇશું, નરેન્દ્ર મોદી અને અમિત શાહ બચી શકશે નહીં
અન્ય એક ટ્વિટમાં લખ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગભરાયેલા છે, તેઓ સમજી ગયા છે કે તેમના શિષ્ય જ્ઞાનુ (મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર) બચી શકશે નહીં. તેથી સરમુખત્યારશાહી પર ઉતરી આવ્યા છે, પરંતુ અમે ડરવાના નથી. અમે લોકશાહીને બચાવવા માટે લડતા રહીશું.
